મહારાષ્ટ્રના પરભણી જિલ્લામાંથી હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. અહીં એક મહિલા ડોક્ટરે કથિત રીતે આત્મહત્યા કરી લીધી છે. અહેવાલ મુજબ મહિલાને બપોરે 3 કે 3.25 વાગ્યાની આસપાસ ફોન આવ્યો હતો. કોલ રિસીવ કર્યા બાદ તે અસ્વસ્થ થઈ ગઈ અને ઉપરના માળે રૂમમાં ગઈ. આ પછી તે બેભાન અવસ્થામાં રૂમના ફ્લોર પર પડેલી મળી હતી. તેનો દુપટ્ટો ફ્લોર પર લટકતો હતો.
ખરેખરમાં મહારાષ્ટ્રના પરભણી જિલ્લામાં પતિ અને સાસરિયાઓ પર મહિલા ડૉક્ટર પાસેથી 1 કરોડ રૂપિયાની માંગણી કરવાનો આરોપ છે. જેના કારણે તે પરેશાન થઈ ગઈ હતી અને તેણે જીવનનો અંત આણ્યો હતો. તે એટલા તણાવમાં હતી કે તેણે આત્મહત્યા કરી લીધી. પોલીસે બુધવારે આ જાણકારી આપી છે. પોલીસમાં આપેલી ફરિયાદ અનુસાર, ડૉ. પ્રિયંકા ભૂમરેએ 2022માં બીડના રહેવાસી નિલેશ વ્હારકાટે સાથે લગ્ન કર્યા હતા. લગભગ બે મહિના પછી તેણીના સાસરિયાઓએ કથિત રીતે હોસ્પિટલ ખોલવા માટે 1 કરોડ રૂપિયાની માંગણી કરી હતી અને તેણીને માનસિક અને શારીરિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.
મહિલાની ફરિયાદ પર પોલીસે આ વર્ષે ઓગસ્ટમાં નિલેશ, તેના માતા-પિતા, ભાઈ અને બહેન વિરુદ્ધ ઘરેલુ હિંસાનો કેસ નોંધ્યો હતો. એફઆઈઆર મુજબ, આ પછી મહિલા ડૉક્ટર પરભણી જિલ્લાના પાલમ શહેરમાં તેની માતા સાથે રહેવા લાગી હતી પરંતુ તેના પતિ અને સાસરિયાઓ તેના પર પૈસા માટે ફોન કરીને દબાણ કરતા હતા.
સોમવારે લગભગ 3 વાગ્યાની આસપાસ ડો.પ્રિયંકાને ફોન આવ્યો અને તે તેની માતાના ઘરના ઉપરના માળે ગઈ હતી. પાછળથી એક સંબંધીએ મહિલા ડૉક્ટરને ફ્લોર પર બેભાન પડેલી જોઈ હતી. જ્યારે તેનો દુપટ્ટો છત પરના હૂકથી લટકતો હતો. માતાનો આરોપ છે કે આ કોલ તેના સાસરિયાઓનો હતો અને તેઓ તેને વારંવાર પૈસાની માંગણી કરીને હેરાન કરતા હતા.
એફઆઈઆરમાં જણાવાયું છે કે તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. આ મુજબ ડૉક્ટર પ્રિયંકાની માતાની ફરિયાદના આધારે, પાલમ પોલીસે મહિલા ડૉક્ટરના પતિ અને ચાર સંબંધીઓ વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધ્યો છે.