કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહના હસ્તે તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આજે મહાત્મા મંદિર- ગાંધીનગર ખાતે બે દિવસીય ‘૧૪મી ઓલ ઇન્ડિયા નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડઝ કોન્ફરન્સ’નો શુભારંભ કરાયો હતો. આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઇ સંઘવી સહભાગી થયા હતા.
કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે કોન્ફરન્સમાં સંબોધતા જણાવ્યું હતું કે, ભાષા, સંસ્કૃતિ, પરંપરા તેમજ સંસ્કારને બચાવીને વર્ષ-૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પમાં તમામ કડીઓનો સહયોગ જરૂરી છે જેમાં એક પણ કડી કમજોર ન રહેવી જોઈએ. આ સંકલ્પને સાકાર કરવા સેવા અને સુરક્ષા સહિત દરેક ક્ષેત્રમાં ભારતે શ્રેષ્ઠ વિકાસ સાધવો જરૂરી છે, જેને ચરિતાર્થ કરવા આ બે દિવસીય સંમેલન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
ગૃહ મંત્રી શ્રી અમિત શાહે કહ્યું હતું કે, સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડ ફોર્સિસને જેટલું મહત્વ મળવું જોઈએ એ ઘણા વર્ષો પછી અમારી સરકારે આપ્યું છે, આ બે દિવસીય કોન્ફરન્સના આયોજનથી સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડના જવાનોને નવી ઊંર્જા મળશે. સેવા એ ભારતીયોની મૂળ સંસ્કૃતિ છે ત્યારે દેશના દરેક નાગરિક, તેમની સંપત્તિ અને તેમના અધિકારોની સુરક્ષા થવી જોઈએ. આમ, સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડએ સેવા અને સુરક્ષાનો સમન્વય છે. સમયની સાથે તેમના વેતન અને સુવિધાઓમાં વધારો કરવો જરૂરી છે, પરંતુ તેના મૂળમાં સેવાનો ભાવ રહેલો છે તે જળવાઈ રહે તે પણ જરૂરી છે.
તેમણે કહ્યું હતું કે, સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડ આ બંને સંગઠનો દેશના નાગરિકોમાં સેવાનો ભાવ જન્માવે છે, વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના સંકલ્પને ત્યારે સાકાર કરી શકશુ જ્યારે સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડ સેવા તેમજ સુરક્ષાના ભાવ સાથે જોડાયેલા રહેશે. આ બે દિવસીય તાલીમ કાર્યક્રમમાં પાંચ સત્રો યોજાશે. જેમાં રાજ્યો રાજ્યો વચ્ચે સુરક્ષા અને સેવાને ધ્યાને રાખીને તથા બંને સંગઠનોને વધુ સુદ્રઢ અને મજબૂત બનાવવા ચર્ચા – વિમર્શ કરાશે તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે વધુમાં કહ્યું હતું કે, આઝાદી પહેલાથી સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડના જવાનો દેશ હિતમાં સેવા આપી રહ્યા છે, તત્કાલીન વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રી વર્ષ ૧૯૬૨માં મહાનિર્દેશાલયની સ્થાપના કરી હતી, વર્ષ – ૧૯૬૫માં સિવિલ ડિફેન્સ – હોમગાર્ડના જવાનોએ દેશહિતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું, જેના ભાગરૂપે વર્ષ -૧૯૬૮માં સિવિલ ડીફેન્સ એકટ પસાર કરવામાં આવ્યો હતો.
હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સના જવાનોને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ મહામારીમાં તેમની સેવાના જેટલા વખાણ કરીએ તેટલું ઓછું છે. કોવિડના સમયે હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સના જવાનો ખડે પગે રહીને નાગરીકોની સેવા કરી છે. સાથોસાથ કોવિડના સમયમાં નાગરિકોની સેવા કરતા કરતા અવસાન પામેલ સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડના જવાનોને યાદ કરીને તેમના બલિદાનને બિરદાવ્યું હતું.
તેમણે વિશ્વાસ સાથે કહ્યું હતું કે, આગામી ચાર મહિનામાં સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડના જવાનો માટે નવું ચાર્ટર પણ તૈયાર કરવામાં આવશે જેમાં આપાતકાલીન સમયે તેમનું યોગદાન, યાતાયાત, ટ્રાફિક-પ્રબંધનની સંસ્થાકીય વ્યવસ્થા, યુદ્ધની સ્થિતિમાં કેવી રીતે બચાવની કામગીરી કરવી, નાગરીકોની સુરક્ષા અને મનોબળ કેવી રીતે વધારવું તેવા વિષયોનો પણ સમાવેશ કરવામાં આવશે. સાથોસાથ સામાજિક જાગૃતિ અભિયાન જેવા કે નશા મુક્ત ભારત, સ્વચ્છ ભારત, વૃક્ષારોપણ, પ્લાસ્ટિક મુક્ત ભારત, પોષણયુક્ત ભારત, મહિલા સુરક્ષા વગેરે પ્રત્યે વધુ જાગૃતિ કેળવાય તેવા વિષયો પણ આ ચાર્ટરમાં આવરી લેવાશે. આ ઉપરાંત સ્થાનિક કાનૂની વ્યવસ્થા અંગે તાલીમનો રોડ મેપ, શિક્ષણમાં સહયોગ જેમ કે ડ્રોપ આઉટ રેશિયો, શિક્ષણની ગુણવત્તામાં સુધાર જેવી બાબતોનો પણ સમાવેશ કરવામાં આવશે. આ નવીન ચાર્ટરમાં સુધારા માટે યોગ્ય સૂચનો આપવા પણ ઉપસ્થિત અધિકારીઓને ગૃહમંત્રીશ્રીએ સૂચન કર્યું હતું.
એન.સી.સી. અને એન.એસ.એસ.ની જેમ હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સમાં પણ તમામ સમાજના યુવાનો જોડાય તેવો ગૃહમંત્રીશ્રીએ નાગરિકોને અનુરોધ કર્યો હતો.
ગુજરાતમાં ૨૦ વર્ષ પછી સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડ ફોર્સિસની આ મહત્વપૂર્ણ નેશનલ કોન્ફરન્સના આયોજન બદલ અધિકારીઓને આ પ્રસંગે ગૃહમંત્રીશ્રીએ અભિનંદન પણ પાઠવ્યા હતા.
: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ :
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ કોન્ફરન્સમાં સંબોધતા કહ્યું કે, ભારત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસની હરણફાળ ભરી રહ્યું છે તેમાં આંતરિક સુરક્ષા અને નાગરિક સલામતીનો મોટો ફાળો છે.
દેશમાં કાયદો વ્યવસ્થા સંગીન બનાવવા સાથે આપદા પ્રબંધનમાં નાગરિક સહાયતા માટે હોમગાર્ડસ અને નાગરિક સંરક્ષણ પુરક બનશે તેનો પણ તેમણે વિશેષ ઉલ્લેખ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, પોલીસ દળ સાથે ખભે ખભા મિલાવી રાજ્યની સુરક્ષા સલામતી અને સેઇફ સિક્યોર્ડ તથા પીસફૂલ બનાવવામાં હોમગાર્ડ્ઝ અને સિવિલ ડિફેન્સ સદૈવ
કર્તવ્યરત છે.
તેમણે રાજ્યમાં હોમગાર્ડ્ઝ અને સિવિલ ડિફેન્સમાં કાર્યરત કર્મીઓના અદ્યતન પ્રશિક્ષણ અને તાલીમ સજ્જતા માટે કેન્દ્ર સરકારે રૂા. ૧૫૦ કરોડથી વધુની રકમ ફાળવી છે તે માટે કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહનો આભાર વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં વાવાઝોડા વરસાદ કે અન્ય આફતો સાથે મેળાઓ, ટ્રાફિક મેનેજમેન્ટ, મોલ મેનેજમેન્ટમાં નાગરિકોની સેવા સુરક્ષા માટે હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ કર્મીઓની કામગીરીની સરાહના કરી હતી.
તેમણે ઉમેર્યુ કે, સ્વચ્છતા અભિયાન જેવા સમાજ ચેતના કાર્યક્રમોમાં પણ આ દળોના કર્મીઓ યોગદાન આપી વડાપ્રધાનશ્રીની સ્વચ્છતાની નેમ પાર પાડી શકે.
મુખ્યમંત્રીશ્રીએ ‘રાષ્ટ્ર પ્રથમ’ના નિષ્ઠાભાવથી સેવારત રહીને હોમગાર્ડઝ તથા સિવીલ ડિફેન્સ ૨૦૪૭ના વિકસિત ભારતના નિર્માણમાં અગ્રેસર રહેશે.
કેન્દ્રીય અગ્નિશમન સેવા, નાગરિક સુરક્ષા, ગૃહ રક્ષકના મહાનિર્દેશક શ્રી વિવેક શ્રીવાસ્તવે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યુ હતુ કે, ભારતની નાગરિક સુરક્ષાઓને વધુ મજબૂત કરવા વર્ષ ૧૯૬૨માં નાગરિક સુરક્ષા મહાનિર્દેશાલયની સ્થાપના કરવામાં આવી હતી. શરૂઆતથી જ નાગરિક સુરક્ષાને ‘Active Defence Measures’ના આધાર માનવામાં આવ્યા છે જ્યારે બંને સંગઠનોને ભારતની રાષ્ટ્રિય રણનીતિના અભિન્ન અંગ સ્વરૂપે અપનાવવામાં આવ્યું છે. જેને ‘Total Defence કન્સેપ્ટ કેહવામાં આવે છે. આજે પારંપારિક યુદ્ધની જગ્યા હાઇબ્રિડ વોરફેરએ લીધી છે ત્યારે રાષ્ટ્રના રક્ષણ માટે યોગદાનની જરૂરીયાત છે તેને હોમગાર્ડઝના જવાનો ખૂબ સારી રીતે નિભાવી રહ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોઈ પણ ઘટના બાદ ગોલ્ડન અવરમાં વ્યક્તિનું જીવન બચાવવામાં હોમ ગાર્ડના જવાનોની ખૂબ જ મોટી ભૂમિકા છે. દેશના ઈતિહાસમાં નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડ ફોર્સના સભ્યોની માનદ સેવાઓને ક્યારેય ભૂલી શકાશે નહીં અને તેથી જ આ બે દિવસીય કોન્ફરન્સ દ્વારા આ બંને દળોને વધુ મજબૂત, કાર્યક્ષમ અને ટેકનોલોજીથી સજ્જ બનાવવા માટે એક નવી પહેલ શરૂ કરવામાં આવશે.
ગુજરાત હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણના ડાયરેક્ટ શ્રી મનોજ અગ્રવાલે આભાર વિધિ કરી હતી.
આ કોન્ફરન્સમાં દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી આ બંને દળોના IAS, GAS, DG, ADG, IG, DIG, SP સહિત રેન્કના ૬૦ થી વધુ વરિષ્ઠ અધિકારીઓ અને દળના ૧૨૦૦ થી વધુ માનદ સભ્યો સહભાગી થયા છે.
આ કોન્ફરન્સની શરૂઆતમાં દાહોદ અને ધંધૂકાના વિધાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
કોન્ફરન્સના ઉદઘાટન પ્રસંગે કેન્દ્રીય ગૃહ સચિવ શ્રી ગોવિંદ મોહન, ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ, ગૃહ વિભાગ અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ ગુજરાત સહિત દેશભરમાંથી હોમગાર્ડઝના અધિકારીઓ-જવાનો ઉપસ્થિત રહ્યા હતા.