ગાંધીનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શહેરોના સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટથી લોકોનું ઈઝ ઓફ લીવિંગ વધાર્યું છે.એટલું જ નહીં, શહેરો વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ ધરાવતા અને લાસ્ટ માઈલ કનેક્ટિવિટીની સુગમ અર્બન મોબિલિટી ધરાવતા હોય તેવો શહેરી જનજીવન સુખાકારી અભિગમ પણ અપનાવ્યો છે.મુખ્યમંત્રીશ્રી ગાંધીનગરનાં મહાત્મા મંદિરમાં આયોજિત ૧૭મી ‘અર્બન મોબિલિટી ઈન્ડિયા કોન્ફરન્સ’ના ઉદઘાટન અવસરે સંબોધન કરી રહ્યા હતા. ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા આ ત્રિ-દિવસીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે આયોજનબદ્ધ શહેરી વિકાસને નવી દિશા આપતા શહેરી વિકાસ વર્ષ, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, સાબરમતી રિવરફ્રન્ટ જેવા વિઝનરી પ્રોજેક્ટ સફળ બનાવ્યા છે તેની પણ વિસ્તૃત ભૂમિકા આપી હતી.રાજ્યના અન્ય મહાનગરોમાં બી.આર.ટી.એસ. ઝડપી અને સલામત પરિવહનનું માધ્યમ બની છે તેનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ મેટ્રો સેવા પણ સલામત, સરળ યાતાયાત માટે લાખો લોકોની લાઈફલાઈન બની છે તેમ જણાવ્યું હતું. ગુજરાતે આ લક્ષ્ય સિદ્ધ કરવામાં ક્લીન એન્ડ ગ્રીન અર્બન મોબિલિટી માટે અનેક કદમ ઉઠાવ્યા છે. મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના અન્વયે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ઈલેક્ટ્રિક અને સી.એન.જી. બસનો ઉપયોગ વ્યાપક બનાવ્યો છે તેની પણ વિગતો મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
તેમણે જણાવ્યું કે, હવે દેશમાં પણ પી.એમ. ઈ-બસ સેવા પી.પી.પી. મોડેલ પર શરૂ કરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અર્બન મોબિલિટીમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને ગ્રીન ફ્યુચરની નેમ રાખી છે.ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના સંયુક્ત સચિવ શ્રી જયદીપ, ગુજરાત મેટ્રોના મેનેજીંગ ડાયરેકટર શ્રી એસ. એસ. રાઠોર સહિત મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ, શહેરી વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ, દેશના રાજ્યોમાંથી આવેલા ડેલીગેટ્સ અને વિવિધ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર પણ ઉપસ્થિત રહ્યા હતા.