———–
કષ્ટભંજન દેવ હનુમાનજી તેમજ ભગવાન સ્વામિનારાયણના દર્શન પૂજા કરી ગાંધીનગર લોકસભા ક્ષેત્રના, ગુજરાત તેમજ દેશના નાગરિકોના કલ્યાણ તેમજ સુખ સમૃદ્ધિની પ્રાર્થના કરતા શ્રી અમિતભાઇ શાહ
————
ગાંધીનગર લોકસભા ક્ષેત્ર, ગુજરાત તેમજ સમગ્ર દેશવાસીઓને પ્રકાશ પર્વ દીપાવલીની શુભકામનાઓ પાઠવતા શ્રી અમિતભાઇ શાહ
————-
આદરણીય સરદાર સાહેબને શ્રધ્ધા સુમન પાઠવી શ્રી મોદીજીએ સરદાર પટેલના સિદ્ધાંતો અને વિચારોના પ્રચાર પ્રસાર તેમજ સિદ્ધ કરવા અહર્નિશ કાર્યો કર્યા હોવાનું જણાવતા શ્રી અમિતભાઇ શાહ
—————-
કષ્ટભંજન દેવનું આ સ્થાન આધી,વ્યાધી ઉપાધિઓના નિવારણની સાથે સાથે યુવાનોમાં પણ પ્રેરણાનું સ્થાન – શ્રી અમિતભાઇ શાહ
—————-
ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આજે કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે વડતાલ ગાદીપતિ આચાર્યશ્રી રાકેશ પ્રસાદજી મહારાજની ઉપસ્થિતિમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે નવનિર્મિત યાત્રીભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. શ્રી શાહે આ પ્રસંગે પરિવાર સાથે કષ્ટભંજન દેવ હનુમાનજી તેમજ ભગવાન સ્વામિનારાયણના દર્શન પૂજા કરી ગાંધીનગર લોકસભા ક્ષેત્રના, ગુજરાત તેમજ દેશના નાગરિકોના કલ્યાણ તેમજ સુખ સમૃદ્ધિની પ્રાર્થના પણ કરી હતી.
શ્રી અમિતભાઈ શાહે પ્રકાશ પર્વ દીપાવલીના શુભ પ્રસંગે ગુજરાત તેમજ સમગ્ર દેશવાસીઓને શુભકામનાઓ પાઠવતા કહ્યું હતું કે આજનો દિવસ રૂપ ચૌદશ અને દીપાવલીનો સમન્વય છે. આજના આ શુભ દિવસે કષ્ટભંજન દેવના દર્શનનો લાભ આપવા બદલ શ્રી શાહે સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો. તેઓએ કહ્યું હતું કે થોડા સમય પહેલા હનુમાન જયંતીના દિવસે ભગવાન હનુમાનજીની વિરાટ પ્રતિમાનું અને તે જ દિવસે યાત્રિકો માટેની ભોજન શાળાનું પણ લોકાર્પણ થયું હતું. આજે પૂર્ણતયા ગ્રીન અતિથિ ગૃહનું લોકાર્પણ થઈ રહ્યું છે ત્યારે દૂર દૂરથી આવતા અનેક ભાવિક ભક્તજનોને શાંતિ અને શ્રદ્ધાપૂર્વક દર્શન સાથે નિવાસની પણ અહીં સુવિધા ઉપલબ્ધ થશે.
શ્રી શાહે લોખંડી પુરુષ સરદાર પટેલ ની 149 મી જન્મ જયંતી નિમિત્તે તેમને શ્રદ્ધા સુમન પાઠવતા કહ્યું કે આજના આ ભારતના નકશાનું નિર્માણ અને અખંડ તેમજ પ્રચંડ ભારતના નિર્માણની સંકલ્પના સરદાર સાહેબે કરી હતી. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી આદરણીય સરદાર પટેલના સિદ્ધાંતો અને વિચારોના પ્રચાર પ્રસાર તેમજ સિદ્ધ કરવા અહર્નિશ દેશસેવા કરી રહ્યા છે. તેઓએ કહ્યું કે 9 લાખ સ્ક્વેર ફૂટમાં 200 કરોડના ખર્ચે ૧૧૫૦ રૂમો સાથેના આ યાત્રિક ભવનના નિર્માણમાં તન, મન અને ધનથી યોગદાન આપનાર સર્વેને હદયથી બિરદાવ્યા હતા.
શ્રી શાહે ઉમેર્યું હતું કે શ્રી ગોપાલાનંદ સ્વામીએ પોતાના એશ્વર્ય, શક્તિ, ભક્તિ અને શ્રદ્ધાને કષ્ટભંજન દેવની મૂર્તિમાં આરોપણ કર્યા અને કરોડો લોકોના દુઃખ નિવારણ માટે આ પવિત્ર સ્થાનનું નિર્માણ થયું. કષ્ટભંજન હનુમાન મહારાજની આ મૂર્તિ ભક્તિ શક્તિથી સંચિત થયેલી અને તેને દર્શન માત્રથી કરોડો ભક્તોના પ્રશ્નોનું નિવારણ થયું છે. તેઓએ પોતાની પર આવી પડેલા અનેક સંકટ વખતે પણ કષ્ટભંજન દેવના સ્મરણ માત્રથી સંકટ નિવારણ થયું હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેઓએ કહ્યું કે ઇતિહાસમાં સાત ચિરંજીવી લોકોમાં એક હનુમાનજી છે. તે આદર્શ પુત્ર, આદર્શ મિત્ર, આદર્શ ભક્ત, આદર્શ યોદ્ધા, આદર્શ શિષ્ય, આદર્શ દૂત તેમજ જ્ઞાનનો ભંડાર છે આ બધી જ શક્તિઓનો સંચય હનુમાનજી મહારાજમાં થયેલ હોવા છતાં તેઓએ પ્રભુ શ્રીરામના ચરણોમાં રહેવાનું પસંદ કર્યું હતું.
શ્રી શાહે કહ્યું હતું કે કષ્ટભંજન દેવનું આ સ્થાન આધી,વ્યાધી ઉપાધિઓના નિવારણની સાથે સાથે યુવાનોમાં પણ પ્રેરણાનું સ્થાન બન્યું છે. હનુમાનજીના જુદા જુદા સ્વરૂપની વિવિધ મહત્તા તેઓએ વર્ણવી હતી. કષ્ટભંજન હનુમાનજી મહારાજ શની સહિત તમામ પ્રશ્નોનું ભંજન કરે અને તમામ શ્રદ્ધાળુ અને ભક્તો પર દાદાની અવિરત કૃપા બની રહે બની રહે તેવી મંગલ કામના પણ શ્રી શાહે વ્યક્ત કરી હતી.