ભગવાન શ્રીકૃષ્ણએ ઈન્દ્રના ક્રોધ અને અત્યાચાર સામે વ્રજવાસીઓનું રક્ષણ કરવા પોતાની ટચલી આંગળી પર ગોવર્ધન પર્વત ઉંચકયો હતો. આ પ્રંસગની યાદગીરી નિમિતે કારતક દીપોત્સવ ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે તા. 02 નવેમ્બર, 2024ના રોજ ગોવર્ધનપૂજા અને અન્નકૂટ મહોત્સવ ઉજવવામાં આવ્યો જેમાં ખુબ જ ઉત્સાહથી ભાવિભકતોએ ઉપસ્થિત રહીને આ ઉત્સવનો લાભ લીધો હતો.
ગોવર્ધનપૂજા અને અન્નકૂટ મહોત્સવની મહત્તા વિશે જણાવતા હરેકૃષ્ણ મંદિર,ભાડજના અધ્યક્ષ સ્વામી શ્રી જગનમોહન કૃષ્ણ દાસાએ જણાવ્યું કે “જયારે સર્વ શક્તિમાન ભગવાન શ્રીકૃષ્ણ એ નિહાળ્યું કે વ્રજવાસીઓ ઈન્દ્રયજ્ઞ કરી રહ્યા છે. ત્યારે ભગવાનશ્રી એ કહ્યું કે તેઓએ ઈન્દ્રની પૂજા છોડી દઈને ગોવર્ધન પર્વતની પૂજા કરવી જોઈએ. આ વાત જાણીને ઈન્દ્ર ક્રોધીત થાય છે અને વ્રજવાસીઓ પર વિનાશકારી વરસાદ વરસાવે છે. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ પોતાના ડાબા હાથની ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વતને ઉંચકી લે છે અને બધા વ્રજવાસીઓને તેની છાયામાં સતત સાત દિવસ સુધી આશ્રય આપે છે. ઈન્દ્ર પોતે કરેલ દુષકૃત્ય પ્રત્યે સભાન થાય છે અને ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ ક્ષમા યાચના કરે છે. આથી સર્વ શક્તિમાન ભગવાન જણાવે છે કે જે ભક્ત પોતાની શરણમા રહશે તેમજ તેમની ભાવપૂર્વક ભક્તિ કરવામાં વ્યસ્ત રહેશે તે ભક્ત બધા જ બંધનથી મુક્ત થાય છે અને બીજા કોઈ દેવીદેવતાઓની સાંસારીક વસ્તુની કૃપા મેળવવા પૂજા કરવાની રહેતી નથી.
આ શુભ પ્રસંગને શ્રીમદ્ ભાગવતના દશમાં સ્કંધમાં ગોવર્ધનલીલા તરીકે વર્ણવવામાં આવ્યો છે જેમાં ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે કે ગોવર્ધન પર્વત એ પોતાનું એક સ્વરૂપ છે અને મારા સમાન જ પૂજનીય છે. ભગવાન શ્રીકૃષ્ણ કરેલ અમૂર્તકલ્પનારૂપ આ લીલાની યાદગીરી રૂપે હરેકૃષ્ણ મંદિર,ભાડજ દ્રારા વાર્ષિક ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવની ઉજવણી મંદિર ખાતે કરવામાં આવી જેમાં આશરે 150 કરતા પણ વધુ જુદા જુદા વ્યંજનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સૌને આકર્ષિત અને અતિમોહક ભગવાન શ્રી શ્રી રાધામાધવને ભવ્ય “સ્વર્ણરથ” માં શાનદાર સવારી કરાવવામાં આવી જેમાં ભકતો ભગવાન શ્રી કૃષ્ણના ગુણગાન ગાતા સંકિર્તન ગાઈને જોડાયા હતા”.
ભગવાન શ્રીકૃષ્ણને ગોપાલ તરીકે પણ પૂજવામાં આવે છે જે ગાયોના રક્ષણકર્તા છે. ઉત્સવ દરમ્યાન ગૌ-પૂજા પણ કરવામાં આવી હતી. ગોયોને સુંદર રેશ્મી વસ્ત્રોથી શણગારવામાં આવી અને પરંગપરાગત રીતે ગોળ અને કેળા અપર્ણ કરવામાં આવ્યા. ભક્તોએ પણ ગાયની પૂજા-પ્રાર્થના કરી અને ગોવર્ધન પર્વતની પ્રદક્ષિણા હતી. ઉત્સવના અંતમાં કેક અને બીજા વ્યંજનોને ભકતોમાં પ્રસાદરૂપે વહેંચવામાં આવ્યા.
કારતક માસમાં ઉજવાતા દિપોત્સવ મહોત્સવના ભાગરૂપે અંતમાં ભગવાનની અતિભવ્ય દિપોત્સવ આરતી કરવામાં આવી જે દરમ્યાન ઉપસ્થિત સૌ ભકતો ધન્ય બનીને અલૌકિક આત્મીયતાનો અનુભવ કર્યો હતો.