‘આ ‘વાવનું ખેતર’ ગુલાબભાઈ ને કાયમી લખી આપ્યું નથી, માત્ર 3 વર્ષ અડાણું આપીએ છીએ પછી છૂટું કરીશું’ : ગેનીબેન ઠાકોરે ચૂંટણીલક્ષી નિવેદન આપ્યું
વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર વચ્ચે ત્રિપંખીયો જંગ ખેલાયો છે ત્યારે કોંગ્રેસ અને ભાજપના મોટા નેતાઓ વાવ વિધાનસભામાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી પર 13 નવેમ્બરે મતદાન યોજાવાનું છે. ત્યારે વાવમાં કોંગ્રેસ દ્વારા આજે મેઘવંશી સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં કોંગ્રેસના નેતાઓએ હાજરી આપી હતી.
વાવમાં યોજાયેલા મેઘવંશી સમાજના કાર્યક્રમમાં ગેનીબેન ઠાકોરે હાજરી આપી હતી. જ્યાં તેમણે ચૂંટણીલક્ષી નિવેદન આપતા રાજનીતિમાં ગરમાવો આવી ગયો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ વાવનું ખેતર ગુલાબભાઈને કાયમી માટે લખી આપ્યું નથી. માત્ર ત્રણ વર્ષ સુધી અડાણે આપીએ છીએ પછી કંઈ લેવાદેવા નથી. જ્યાં તમારે જવું હોય ત્યાં જાજો અને જો રહેવા દેવું હોય તો રહેવા દેજો. પરંતુ ત્રણ વર્ષ પછી વાવનું આ ખેતર છુંટુ કરી દઈશું અને અહીંથી કોઈ આ વિસ્તારનું નેતૃત્વ કરશે. મોબાઈલ ની જેમ ત્રણ વર્ષ માટે રિચાર્જ કરીને આપો. મોબાઇલ સેવા આપશે તો બરોબર નહી તો આગળ જઈ શકશે નહિ.
વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસની સભામાં શક્તિસિંહ ગોહિલે પણ હાજરી આપીને પોતાનું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, જિજ્ઞેશ ભાઈનું અપમાન કરે છે ત્યારે તમે પરચો બતાવજો તો કોઈનું અપમાન કરતા પહેલા 50 વાર વિચાર કરવો પડશે. ગેનીબેનનું શંકરાચાર્ય સન્માન કરતા હોય ત્યારે માઇકનાં નેતા કહીને અપમાન કરે છે. કોઈ 5 ફૂટીયો 7 ફૂટીયો મંત્રી આવીને વાત કરી રહ્યો હોય અપમાન કરતો હોય એનો બદલો લે. એક માણસનું અપમાન કરીએ તો લાખો લાખો દલિત સમાજના મતો જતા રહેશે.
મેઘવંશી સમાજના સંમેલનમાં જિજ્ઞેશ મેવાણી પણ હાજર રહ્યા હતા અને લોકોને વાવમાં ગુલાબ ખીલવાની વાત કરતા જણાવ્યું હતું કે, આજે દલિત સમાજના સંમેલનનો વાવની ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવશે. હવે ગુજરાત અને દેશના દલિતોને પાકી ખાતરી થઈ ચૂકી છે કે RSS અને ભાજપના લોકો દલિતોને બિલકુલ પસંદ નથી કરતા. વાવ બેઠક પર 90 ટકા જેટલા દલિતો ગુલાબસિંહ રાજપૂત અને કોંગ્રેસ સાથે રહેશે.