અંગોનું વેઇટીંગ લીસ્ટ ઘટાડવા સરકારની સાથેસાથે ધાર્મિક સંસ્થાઓ, સામાજીક સમુદાયો, સામાજીક સંસ્થાઓ સહિત સૌએ સાથે મળીને કામ કરવાની જરુર : ડૉ.રાકેશ જોશી
અમદાવાદ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૭૩મુ અંગદાન થયું ગુપ્તદાનરુપે થયેલ આ અંગદાનની વિગતો જોઈએ તો, ૨૬ વર્ષના મધ્યપ્રદેશના યુવાનને માર્ગ અકસ્માતમાં માથાના ભાગે ઇજા થતાં પ્રાથમિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ સઘન સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં દાખલ મુસ્લિમ યુવાન સારવાર દરમ્યાન બ્રેઇન ડેડ થયો. ફરજ પરના ડોક્ટરોએ દર્દીના પરિવારજનોને અંગદાન વિશે સમજાવ્યું . દર્દીના પરિવારજનોને સર્વ સંમતિથી અંગદાનની સંમતિ આપતા તારીખ ૧૫.૧૧.૨૦૨૪ ના રોજ તેમના અંગોનું દાન લેવામાં આવ્યું. જેમાંથી પ્રાપ્ત થયેલ બે કિડની તેમજ એક લિવર સિવિલ કેમ્પસમાં જ આવેલી કિડની હોસ્પિટલના જરૂરીયાત મંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે.આ અંગદાન સાથે સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કુલ ૧૭૩ અંગદાતાઓ થકી કુલ ૫૬૧ અંગોનું દાન મળ્યું છે જેના થકી ૫૪૩ વ્યક્તિઓમાં નવા જીવન નો પ્રકાશ આપણે ફેલાવી શક્યા છીએ.
ડોક્ટર જોશી એ જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી થયેલા કુલ ૧૭૩ અંગદાતાઓમા મુસ્લિમ સમુદાયમાંથી થયેલ આ પાંચમુ અંગદાન છે.કોઇપણ ઓર્ગન ફેલ્યોર થી પીડીત વ્યક્તિ અંગો ની પ્રતિક્ષા માં મ્રુત્યુ ન પામે અને કોઇપણ જીવીત સ્વસ્થ વ્યક્તિ એ આવા ઓર્ગન ફેલ્યોર થી પીડીત સ્વજન ને પોતાના અંગો આપવા ન પડે તે માટે સમાજ અને તમામ ધર્મ ના લોકો ને અંગદાનની આ મુહીમ માં આગળ આવવા ડો. જોષીએ આ ક્ષણે અનુરોધ કર્યો હતો.