માણસાના ચારવડ પાસે બકરાને પાણી પીવડાવવા મુદ્દે થયેલી માથાકૂટમાં આધેડને લોખંડની પાઈપ વડે હુમલો કરી હત્યા લોખંડની ગુનામાં એક આરોપીને ગાંધીનગર કોર્ટે કસુરવાર ઠરાવી આજીવન કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો છે. માણસા તાલુકાના ચારવડ પાસે રહેતા ગીતાબેન ગાંડાભાઈ દાતણીયા બારદાન તેમજ તેલના ખાલી ડબાઓનો છુટક વેપાર કરી ગુજરાન ચલાવે છે. જેમની દીકરી સવિતાબેન અને જમાઈ સદાભાઈ ગલબાભાઈ વાઘરી તેમની સાથે રહેતા હતા. ગત તા. 1 માર્ચ 2023 ના રોજ તેમના ઘર આગળ માણસોનું ટોળું ભેગું થયેલ હતું. અને તેમના દિકરા ભરતની પત્ની ભારતીબેન ઈજાગ્રસ્ત હાલતમાં પડ્યા હતા. જેમણે ગીતાબેનને જણાવેલ કે, મહોલ્લાના બે સગીરો બકરીઓ લઇને આવી આપણા ઘર આગળ આવેલા અને પાણીની ટાકી તથા ડોલ ભરેલ હતી તેમાં બકરીઓ પાણી પીવા લાગતા જમાઈ સદાભાઈ ગલબાભાઇએ બકરા દૂર કરવાનું કહ્યું હતું. જે બાબતે માથાકૂટ થયા પછી ઉક્ત બંને જણા સાથે રણજીતભાઈ ગોવિદભાઈ દંતાણી તથા બળદેવભાઈ ગોવિંદભાઈ દંતાણી લાકડી – લોખંડની પાઈપો લઇને આવ્યા હતા. અને એકદમ ઉશ્કેરાઈ જઈ રણજીતભાઈએ સદાભાઈને માથામાં પાઈપ મારી હતી. બળદેવભાઇ સહિતના એ લાકડી વડે માર માર્યો હતો. બાદમાં ચારેય જણા ધમકીઓ આપીને નાસી ગયા હતા. બાદમાં ગંભીર હાલતમાં સદાભાઈને માણસા સિવિલ લઈ જતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે ગીતાબેનની ફરીયાદના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી. જે કેસ ગાંધીનગરના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એચ. આઇ. ભટ્ટ ની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ જીજ્ઞેશ જોષીએ મહત્વના સાક્ષીઓની જુબાની લઈ ધારદાર દલીલો કરી હતી. જે દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપી રણજીતભાઈ ગોવિંદભાઈ દંતાણીને આજીવન કેદની સજા તેમજ 20 હજારનો દંડ ફટકાર્યો છે. જ્યારે અન્ય આરોપી બળદેવભાઈ ગોવિંદભાઈ દંતાણીને નિર્દોષ ઠરાવીને છોડી મૂકવાનો હુકમ કર્યો છે.