રાજસ્થાનમાં સામાજિક રિવાજોનું બહુ જ કડકાઈથી પાલન કરવામાં આવે છે. ત્યારે આજે સમાજમાં પરિવર્તન સાથે જોડાયેલઉ એક અનોખુ ઉદાહરણ સામે આવ્યું છે. જે રાજસ્થાનમાં આજે પણ ઘણા વિસ્તારોમાં દલિત સમુદાયના વરરાજાને ઘોડી પર સવારી કરવા માટે પોલીસ સુરક્ષા માંગવી પડે છે, ત્યારે બાડમેરને અડીને આવેલા બલોત્રા જિલ્લાના નગાણા ગામમાં અલગ જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક રાજપૂત પરિવારે દલિત દીકરીના આખા લગ્ન પોતાના આંગણે યોજીને સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે. આ પહેલની ચારેબાજુ પ્રશંસા થઈ રહી છે. મળતી માહિતી મુજબ, નગાણા ગામના સજ્જન સિંહના ઘરમાં હરિજનની દીકરીના લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર લગ્નનો ખર્ચ પણ સજ્જન સિંહે ઉઠાવ્યો છે. આ રાજપૂત પરિવાર સાથે આખું ગામ લગ્નમાં સામેલ થયું છે. વાલ્મિકી સમાજના જસારામ વાલ્મિકીની પુત્રી કુસુમલતાના લગ્ન હાલમાં જ થયા હતા. કુસુમલતા સાથે લગ્ન કરવા આવેલો વર સંજય કુમાર નાગૌરનો રહેવાસી છે. લગ્નની જાન નાગૌરથી આવી હતી.
ગામના ઠાકુર સજ્જન સિંહે કુસુમલતાના પરિવારને વિનંતી કરી કે આ લગ્ન સમારોહ તેમના ઘરે આયોજન કરવામાં આવે. કુસુમલતાના પરિવારે આ વાત ખુશીથી સ્વીકારી લીધી. તે પરિવાર માટે રાજપૂતના ઘર આંગણે તેમની પુત્રીના લગ્ન કરાવવું એક સ્વપ્ન સમાન હતું. ત્યારપછી લગ્નની તમામ વિધિ સજ્જન સિંહના ઘરે થઈ હતી. એટલું જ નહીં, પરિવારના વડા પોતે અને તેમની પત્ની પણ મંડપમાં બેઠા હતા. અને લગ્નનો તમામ ખર્ચ પણ ઉઠાવ્યો હતો. નાગૌરથી આવેલા લગ્નની જાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દલિત વરરાજાને ઘોડી પર બેસીને તોરણ વંદન કરાવવામાં આવ્યું હતું. જે પરંપરાગત રાજપૂત રિવાજોનો ભાગ હતો. સમગ્ર સમારોહમાં ગામના લોકોએ પણ ભાગ લીધો હતો અને આ લગ્ન બધા માટે એક નવા સમાજના નિર્માણનું પ્રતીક બની ગયું હતું.સજ્જન સિંહ કહે છે કે મારા ઘરે વાલ્મિકી સમાજની દીકરીના લગ્ન થયા એ સૌભાગ્યની વાત છે. સમગ્ર દેશમાં અસ્પૃશ્યતાનો ત્યાગ કરવો જોઈએ અને પરસ્પર ભાઈચારો અને સામાજિક સમરસતાને પ્રોત્સાહન આપવું જોઈએ. સજ્જન સિંહ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર છે. અગાઉ રાજસ્થાનમાં અજમેરમાં પણ આવી જ પહેલ કરવામાં આવી હતી. ત્યાં, એક દલિત પુત્રીને ઘોડી પર બેસાડી સવારી કાઢવામાં આવી હતી. રાજપૂત સમાજના પ્રબુદ્ધ લોકોએ દલિત કન્યાની ઘોડીની લગામ પકડી હતી. હવે પશ્ચિમ રાજસ્થાન કે જે ખૂબ જ પરંપરાગત વિસ્તાર માનવામાં આવે છે, ત્યાં એક ઠાકુરના આંગણે દલિત સમાજની દીકરીના લગ્નની ઘણી ચર્ચા છે. આ લગ્ન સોશિયલ મીડિયા પર પણ લોકપ્રિય છે.