સૌરાષ્ટ્રના મોટા સેન્ટર સુધી પહોંચવા માટે અમદાવાદ ટુ રાજકોટના રસ્તો બહુ જ મહત્વપૂર્ણ ગણાય છે. અમદાવાદથી રાજકોટનો રસ્તો એ મુખ્ય ધોરી માર્ગ છે. ત્યારે હવે આ હાઈવે પર મોટા બદલાવ આવી રહ્યા છે. જે દરેક વાહન ચાલકે જાણી લેવા જરૂરી છે. જલ્દી જ આ હાઈવે સિક્સલેનમાં બદલાઈ જવાનો છે. જેને કારણે કેટલાક ટોલનાકા બંધ થવાના છે, અને કેટલાક નવા ટોલનાકા શરૂ થવાના છે. અમદાવાદથી રાજકોટ જતા પહેલું ટોલનાકું બાવળા પછી 12 કિમી દૂર ભાયલા ગામ પાસે કોરોના કંપની પાસે બનાાયું. બીજું ટોલનાકું બગોદરા અને લીંબડી વચ્ચે ટોકરાળા ગામ પાસે, ત્રીજું ટોલનાકું ઢેઢુંકી ગામ પાસે (સાયલા-ચોટીલા વચ્ચે) તેમજ ચોથું ટોલનાકું માલિયાસણ ગામ (રાજકોટથી 8 કિમી પહેલાં) બનાવવામાં આવ્યું છે. અમદાવાદ-રાજકોટ હાઈવે સૌરાષ્ટ્રને રાજ્યના બીજા ભાગ સાથે જોડતો સૌથી મહત્ત્વનો હાઈવે છે. તેને રાજ્યની ધોરીનસ પણ કહેવામાં આવે છે. આમ, જો કોઈને અમદાવાદથી રાજકોટ વચ્ચેનું 201 કિલોમીટરનું અંતર કાપુવં હોય તો હવે ચાર ટોલનાકા પર ટેક્સ ભરવો પડશે, તો જ તમે રાજકોટ સુધી સડસડાટ ગાડી લઈને પહોંચી શકશો. હાલ અમદાવાદથી રાજકોટનો રસ્તો 3350 કરોડના ખર્ચે સિક્સલેનબની રહ્યો છે. જેને કારણે હાઈવે પર મોટાપાયે ધરખમ ફેરફારો કરાયા છે. આ હાઈવે પર બે ટોલનાકા હતા એ કાઢી લેવાયા છે, અને તેને બદલે 4 નવા ટોલનાકા ઉભા કરાયા છે. હવે રાજકોટ સુધી જનારા અમદાવાદના મુસાફરોને એક બે નહિ, સીધા ચાર ટોલનાકા પર ખિસ્સુ ખંખેરીને આગળ જવું પડશે. ચારેય ટોલનાકા પર કેટલા રૂપિયા વસૂલાશે એ તો હજી નક્કી નથી, પરંતું વાહન ચાલકોના ખિસ્સા ખંખેરાશે તે સો ટક્કા નક્કી છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ-અમદાવાદ 201 કિલો મીટરનો સિક્સલેન રોડનું મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે. રોડ બનાવનાર એજન્સીને ડિસેમ્બર-2024ની આખરી મુદત આપવામાં આવી છે. 201 કિલો મીટરના હાઇવે પાછળ સરકારે અત્યાર સુધીમાં 3350 કરોડનો ખર્ચ કર્યો છે. આ ખર્ચ વાહન ચાલકો પાસેથી વસુલ કરવા સરકારી તંત્રએ પૂરી તૈયારી કરી લીધી છે.