મહારાષ્ટ્રમાં ચૂંટણીના પરિણામો આવતા જ નેતાઓના પક્ષ પલ્ટાના સમાચારો પણ વહેતા થયા છે અહેવાલો પર વિશ્વાસ કરીએ તો મહા વિકાસ અઘાડીમાં સરકાર બને તે પહેલા જ ફુટ પડી શકે છે. કેટલાક ધારાસભ્યો પાર્ટી બદલવા જઈ રહ્યા હોવાના પણ અહેવાલ છે. હાલમાં જ અજીત પવારની એનસીપીના મુખ્ય દંડક અનિલ પાટીલે સંકેત આપ્યા છે કે મહા વિકાસ અઘાડીના કેટલાક ધારાસભ્યો પાર્ટી બદલી શકે છે. મહારાષ્ટ્રમાં હાર બાદ કોંગ્રેસ, શરદ પવારની NCP અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના માટે પાર્ટીને સાચવવાનો પડકાર ઉભો થયો છે. રાજ્યમાં ભાજપે એકલાએ 132 બેઠકો જીતી છે અને MVA ગઠબંધનના તમામ પક્ષો મળીને માત્ર 48 બેઠકો જીતી શક્યા છે. અનિલ પાટીલ અનુસાર, પાંચથી છ ધારાસભ્યો ટૂંક સમયમાં સત્તાધારી મહાયુતિ ગઠબંધનમાં જોડાઈ શકે છે. તેમણે કહ્યું કે એનસીપી (શરદ પવાર), કોંગ્રેસ અને શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના ધારાસભ્યો હાલમાં તેમના રાજકીય ભવિષ્ય વિશે અનિશ્ચિત છે.