અમદાવાદ
ગુજરાતમાં સાઈબર ક્રાઈમ માફિયાઓએ વોટ્સએપ પર પોલીસનો બોગસ લેટર મોકલી ઠગવાનો પ્રયાસો શરુ કર્યા છે. હાલમાં લોકોને ડિજિટલ અરેસ્ટ કરીને પૈસા પડાવવાના કિસ્સાઓ ચર્ચામાં છે ત્યારે હવે સાઈબર ક્રાઈમ કરનારાઓએ વોટસએપ પર પોલીસનો બોગસ દસ્તાવેજ મોકલી છેતરી રહ્યાં છે. વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર રહેતા અને કોલેજમાં એક વિદ્યાર્થીને તાજેતરમાં જ વોટસએપ પર દંડ ભરવા માટે યુપી પોલીસના નામથી બોગસ લેટર મોકલવામાં આવ્યો હતો. આ લેટરમાં વિદ્યાર્થીનો નંબર અને નામ લખેલું હતું અને વિદ્યાર્થીને ધમકી આપવામાં આવી હતી કે, તમે મેટ્રીમોનિયલ સાઈટ થકી મહિલા સાથે દોસ્તી કરીને તેના પ્રાઈવેટ ફોટો અને વીડિયો મંગાવ્યા છે.
સાઈબર ક્રાઈમ અને આઈટીના કાયદા હેઠળ તમારી સામે ગુનો નોંધાશે અને ગુનો સાબિત થશે તો ત્રણ વર્ષની જેલ અથવા એક લાખનો દંડ કે પછી બંને પ્રકારની સજા થઈ શકે છે. બોગસ લેટરહેડ પર દંડની રકમનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો. લેટર પર યુપી પોલીસ અને ભારત સરકારનું રાજચિન્હ પણ હતું. વોટસએપ પર આ લેટર મોકલનાર વ્યક્તિએ વિદ્યાર્થીને ફોન પર ધમકાવીને પૈસાની ઉઘરાણી શરુ કરી હતી. વિદ્યાર્થીના માતા પિતાના ધ્યાનમાં જોકે તરત આ વાત આવી ગઈ હતી અને તેમણે આ નંબર બ્લોક કરી દીધો હતો. આ કિસ્સાએ દર્શાવ્યું છે કે, પોલીસ કરતા સાઈબર ક્રાઈમ કરનારાઓ એક ડગલું આગળ ચાલી રહ્યા છે. પૈસા પડાવવા માટે અલગ અલગ રસ્તા અપનાવતા માફિયાઓને લઈને પોલીસ લોકોને સાવચેત કરે છે તો તેઓ લોકોને ઠગવા માટે નવો રસ્તો શોધી નાંખે છે.