ગાંધીનગર,
સમગ્ર રાજ્યનું સંચાલન ઉચ્ચ વહીવટી અધિકારીઓ દ્વારા થતું હોય છે, પરંતુ ગુજરાતમાં ચિંતાપ્રેરક સ્થિતિઓ એ છે કે, દર વર્ષે રાજ્યના વહીવટીતંત્રમાં જેટલાં ઉચ્ચ અધિકારીઓ ઉમેરાઈ રહ્યા છે તેનાથી બમણાં જેટલાં IAS નિવૃત થઈ રહ્યા છે. આથી સરકાર ઉચ્ચ અધિકારીઓની સતત અછત અનુભવી રહી છે અને આ તંગી વર્ષે વર્ષે તીવ્ર બની રહી છે. રાજ્યમાં આ રીતે ઉચ્ચ અધિકારીઓની અછત રહેતી હોય.
ઉચ્ચ અધિકારીઓના પ્રમોશન અને બદલીઓ વખતે સરકાર પર ખૂબ દબાણ રહે છે, કારણ કે સરકાર પાસે એકદમ લિમિટેડ સંખ્યામાં ઉચ્ચ અધિકારીઓ હોવાથી સરકારને પસંદગીની તકો રહેતી નથી અને ફરજિયાત રીતે ઓછાં અધિકારીઓથી કામ ચલાવવા પડી રહ્યા છે.
એક અભ્યાસ મુજબ, રાજ્યમાં દર વર્ષે સરેરાશ 19-20 જેટલાં ઉચ્ચ અધિકારીઓ નિવૃત થઈ રહ્યા છે, તેની સામે રાજ્યની ઉચ્ચ અધિકારીઓની કુલ સંખ્યામાં વર્ષે 9-10 જેટલાં ઉચ્ચ અધિકારીઓ ઉમેરાઈ રહ્યા છે. આ વર્ષની જ વાત કરીએ તો, 31 ડિસેમ્બર સુધીમાં 20 IAS અધિકારીઓ નિવૃત થઈ રહ્યા છે. અને, ડિસેમ્બર-2025 સુધીમાં રાજ્યના મુખ્ય સચિવ સહિત અન્ય 20 ઉચ્ચ અધિકારીઓ નિવૃત થઈ રહ્યા છે.
જેમાં જામનગર કલેક્ટર ભાવિન પંડ્યાનો પણ સમાવેશ થાય છે. ગુજરાત કેડરમાં IAS અધિકારીઓનું કુલ મહેકમ 313 છે પરંતુ રાજ્યમાં હાલ આ ઉચ્ચ અધિકારીઓની સંખ્યા માત્ર 250 છે. આગામી સમયમાં આ ઘટમાં વધારો થશે. અધિકારીઓની ઘટ વધુ તીવ્ર બનશે. જેની અસરો સંચાલન પર પડી રહી છે. બીજી તરફ રાજ્યના 14 ઉચ્ચ અધિકારીઓને દિલ્હી લઈ જવાયા છે. તેથી પણ ઘટ છે.
જો કે હવે ગુજરાતમાં જ ઉચ્ચ અધિકારીઓની તંગી હોય, ગુજરાતથી દિલ્હી અધિકારીઓને લઈ જવાની પ્રક્રિયાઓ ધીમી પડી છે. મુખ્ય સચિવ રાજકુમાર જાન્યુઆરીમાં નિવૃત થઈ રહ્યા છે. એમના સ્થાને પંકજ જોષી આવશે, જો કે તેઓ પણ ઓક્ટોબર-2025માં નિવૃત થઈ જશે. ઘણાં વિભાગોમાં અધિકારીઓની તંગી હોય, ઘણાં ઉચ્ચ અધિકારીઓને નિવૃતિ પછી પણ નવેસરથી તંત્રમાં જવાબદારીઓ સોંપવામાં આવી રહી છે. આમ ઉચ્ચ અધિકારીઓના એક્સટેન્શનનું પ્રમાણ પણ વધી રહ્યું છે.