અમદાવાદ,
અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા બાદ તેના પડઘા ગાંધીનગર સુધી પડ્યા હતા. સોમવારે સરકારે ઇન્ચાર્જ પોલીસ કમિશનર, જોઇન્ટ પોલીસ કમિશનર અને શહેરના તમામ ડીસીપીઓને બોલાવીને ખખડાવ્યા હતા. સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કડક શબ્દોમાં કામગીરી કરવા માટે સૂચના આપીને ઠપકો પણ આપ્યો હતો. ગાંધીનગરથી ઠપકો મળ્યા બાદ અમદાવાદના પોલીસ અધિકારીઓમાં રાતોરાત નવજીવન આવ્યું હોય તેમ આખા શહેરમાં અલગ અલગ જગ્યાએ રાત્રે 11થી સવારે 5 વાગ્યા મેગા કોમ્બિંગ હાથ ધર્યું હતું. અલગ અલગ જગ્યાએ બેરિકેડ ગોઠવીને વાહન ચેકિંગ કરાયુ હતું. સાથે જ પોલીસે બ્રેથ એનેલાઇઝરથી કામગીરી કરીને એક જ રાતમાં 470થી વધુ દારૂ પીધેલા લોકોને ઝડપી પાડ્યા હતા. 470થી વધુ પીધેલાઓને ઝડપી લીધા બાદ મેડિકલ ટેસ્ટ માટે લઇ જવાયા ત્યારે સિવિલ હોસ્પિટલમાં લાંબી લાઇનો લાગી હતી. તો બીજીતરફ શહેર પોલીસે મેગા કોમ્બિંગમાં 22 હજાર વાહનો ચેક કર્યા હતા. જેમાં 1750થી વધુ વાહનો ડિટેઇન કર્યા હતા. તો બીજીતરફ ક્રાઇમબ્રાંચ અને એસઓજી સહિતની એજન્સીઓએ હોટલ, સિક્યોરિટી, ભાડુઆત, નાસતા ફરતા આરોપીઓ, તડીપાર શખ્સો, વોન્ટેડ અને પેરોલ જમ્પ આરોપીઓ, હિસ્ટ્રીશીટરો સહિતના લોકોને તપાસ્યા હતા. જેમાં પોલીસને ગેરકાયદે છરી, તલવાર જેવા શસ્ત્રો રાખનાર 200થી વધુ લોકોને ઝડપી પાડી સબ સલામતનો રાગ આલોપ્યો છે. બીજીબાજુ ગાંધીનગરથી મળેલા આદેશને લઇને એક્શનમાં આવેલી અમદાવાદ પોલીસે કામગીરીના નામે સામાન્ય ઘરના અને નિર્દોશ લોકોને રોકીને વાહન ચેકિંગના નામે રંજાડતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ત્યારે તહેવાર પૂર્વે કે 31મી ડિસેમ્બર પૂર્વે થતા ચેકિંગના આંકડાથી પણ મોટી સંખ્યામાં કામગીરી થતાં હવે ગુનેગારોમાં પોલીસની કેવી ધાક રહે છે તે સવાલ છે.
પીસીબીએ મેગા કોમ્બિંગમાં શહેરમાં માત્ર 45 બુટલેગરો ચેક કર્યા હતા અને 3 વોન્ટેડ આરોપી ચેક કર્યા હતા. જ્યારે ક્રાઇમબ્રાંચે 88 વાહન ચેક કરીને 11 ડ્રગ્સ પેડલર ચેક કર્યા હતા. સાથે 28 હોટલ ધાબા, 10 ભાડુઆત, 19 નાસતા ફરતા અને તડીપાર, 9 શંકાસ્પદ સ્થળો તથા 12 હિસ્ટ્રીશીટરો ચેક કર્યા હતા. તો બીજીબાજુ એસઓજીએ 28 વાહન ચેક કરીને 21 હોટલ ધાબા, 8 ભાડુઆત, 11 નાસતા ફરતા અને તડીપાર, 7 વોન્ટેડ, 8 શંકાસ્પદ સ્થળો, 12 હિસ્ટ્રીશીટરોને તપાસ્યા હતા. જ્યારે ટ્રાફિક વિભાગે 1535 વાહન ચેક કરીને 403 લોકોને મેમો આપીને 2.30 લાખનો દંડ વસુલીને 13 વાહનો ડિટેઇન કર્યા હતા. એકતરફ શહેરમાં ગુનાખોરી વધી છે, બીજીતરફ ગુનેગારોને પોલીસની ધાક રહી નથી. જેના કારણે સરકારનો ઠપકો મળ્યા બાદ પોલીસે મેગા ડ્રાઇવના નામે લોકોને રંજાડ્યા હતા. આખી રાત પોલીસ રોડ પર હોવાથી મંગળવારે પોલીસસ્ટેશનમાં અરજદોરોને પણ ધક્કા ખાવા પડ્યા હતા. તો બીજીબાજુ હવે ઉચ્ચ અધિકારીઓએ ટાર્ગેટ સિસ્ટમ શરૂ કરી છે. સોમવારે રાત્રે નિર્દોષ લોકોને ચેકિંગના નામે હેરાન કર્યા બાદ ઉચ્ચ અધિકારીઓએ શાખ બચાવવા માટે મંગળવારે પણ ટાર્ગેટ આપ્યો હતો. રાત્રે એક વાગ્યા સુધી વાહનચેકિંગ કરીને ઝોન દીઠ 500 વાહનો ચેક કરવાનો ટાર્ગેટ આપ્યો હતો. સાથે પ્રોહિબિશનના 25 કેસ, અટકાયતી પગલાંના કેસો અને શસ્ત્રો સાથે રાખવાના કેસોનો ટાર્ગેટ અપાતા અનેક ચર્ચાઓ શરૂ થઇ છે.