નમો લક્ષ્મી યોજના હેઠળ રાજ્યની લગભગ 10 લાખ વિદ્યાર્થિનીઓને ₹138 કરોડથી વધુની આર્થિક સહાય ચૂકવવામાં આવી

Spread the love

નમો લક્ષ્મી યોજના હેઠળ રાજ્યની લગભગ 10 લાખ વિદ્યાર્થિનીઓને ₹138 કરોડથી વધુની આર્થિક સહાય ચૂકવવામાં આવી
*
નમો લક્ષ્મી યોજના હેઠળ ધો- 9 થી 12માં અભ્યાસ માટે વિદ્યાર્થિનીઓને ચાર વર્ષોમાં કુલ ₹50 હજારની સહાય આપવામાં આવે છે
*
યોજનાના સુચારૂ સંચાલન માટે અલગ ‘નમો લક્ષ્મી પોર્ટલ’ અમલી બનાવવામાં આવ્યું છે
*

ગાંધીનગર,
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સ્ત્રી સાક્ષરતા અને કન્યા કેળવણી પર હંમેશાં ભાર મૂક્યો છે. રાજ્યની વધુ ને વધુ દીકરીઓને પ્રાથમિક શિક્ષણ સુલભ બને તે માટે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે તેઓએ કન્યા કેળવણી રથયાત્રા જેવી અસરકારક શૈક્ષણિક પહેલ શરૂ કરી હતી, જેના પરિણામસ્વરૂપે રાજ્યની લાખો દીકરીઓ પ્રાથમિક શિક્ષણ મેળવી રહી છે. આ જ દિશામાં આગળ વધીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દીકરીઓના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પર પણ ભાર મૂક્યો છે.
પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા પછી, આર્થિક અક્ષમતાઓને કારણે દીકરીઓને શિક્ષણ છોડી ન દેવું પડે અને વધુ ને વધુ દીકરીઓ પોતાનું સંપૂર્ણ શાળાકીય શિક્ષણ પૂર્ણ કરે, તેવા ઉદ્દેશથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ વર્ષે નમો લક્ષ્મી યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. આ વર્ષના બજેટમાં આ યોજના માટે ₹1250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ધોરણ 9 થી 12માં અભ્યાસ કરવા માટે વિદ્યાર્થિનીઓને આ ચાર વર્ષો દરમિયાન કુલ ₹50 હજારની આર્થિક સહાય આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, યોજના અમલી થયેથી અત્યારસુધીમાં રાજ્યની લગભગ 10 લાખ વિદ્યાર્થિનીઓને કુલ ₹138.54 કરોડથી વધુની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે.

નમો લક્ષ્મી યોજના હેઠળ લાભાર્થીની પાત્રતા
પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા પછી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે રાજ્યની દીકરીઓને પ્રોત્સાહિત કરવા માટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા નમો લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે. યોજના હેઠળ, રાજ્યની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા માન્યતા પ્રાપ્ત શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને આ સહાય મળવાપાત્ર છે. યોજના હેઠળ સહાય મેળવવા માટેની પાત્રતા નીચે મુજબ છે:
a) રાજ્યની સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ-8નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ 9માં પ્રવેશ મેળવેલ હોય, અથવા
b) રાજ્યની માન્ય ખાનગી પ્રાથમિક શાળામાં RTE અંતર્ગત પ્રવેશ મેળવીને ધોરણ 1 થી 8નો અભ્યાસ પૂર્ણ કરીને ધોરણ 9માં પ્રવેશ મેળવેલ હોય, અથવા
c) ઉપર (a) અને (b) સિવાયની જે વિદ્યાર્થિનીઓએ ધોરણ-8 પૂર્ણ કર્યા બાદ ધોરણ 9માં પ્રવેશ મેળવેલ હોય અને જેઓના કુટુંબની વાર્ષિક આવક ₹6 લાખ કે તેથી ઓછી હોય

નમો લક્ષ્મી યોજના હેઠળ મળવાપાત્ર આર્થિક સહાય
આ યોજના હેઠળ ધોરણ 9 થી 12નો અભ્યાસ પૂર્ણ કરવા પર પાત્રતા ધરાવનાર દરેક વિદ્યાર્થિનીને કુલ ₹50,000 સુધીની સહાય નીચે મુજબ મળવાપાત્ર રહેશે:
a) ધોરણ 9 અને 10ની મળીને કુલ ₹20,000ની આર્થિક સહાય ચૂકવવામાં આવશે.
આ સહાય પૈકી, ધોરણ 9 અને 10માં શૈક્ષણિક વર્ષ દરમ્યાન 10 મહિના માટે માસિક ₹500 મુજબ વાર્ષિક ₹5000 પ્રમાણે બંને વર્ષના મળી કુલ ₹10,000 ચૂકવવામાં આવશે. જ્યારે બાકીના ₹10,000 ધોરણ 10ની બોર્ડ પરીક્ષા પાસ કર્યા પછી મળવાપાત્ર રહેશે.
b) ધોરણ 11 અને 12ની મળીને કુલ ₹30,000ની આર્થિક સહાય ચૂકવવામાં આવશે.
આ સહાય પૈકી, ધોરણ 11 અને 12માં શૈક્ષણિક વર્ષ દરમ્યાન 10 મહિના માટે માસિક ₹750 મુજબ વાર્ષિક ₹7500 પ્રમાણે, બંને વર્ષના મળી કુલ ₹15,000 ચૂકવવામાં આવશે. જ્યારે બાકીના ₹15,000 ધોરણ 12ની બોર્ડ પરીક્ષા પાસ કર્યા પછી મળવાપાત્ર રહેશે.

નમો લક્ષ્મી યોજનાના સુચારૂ સંચાલન માટે ‘નમો લક્ષ્મી પોર્ટલ’ અમલી
રાજ્યની વિવિધ શાળાઓ દ્વારા આ યોજનાના સુચારૂ સંચાલન માટે અલાયદું ‘નમો લક્ષ્મી પોર્ટલ’ અમલી કરવામાં આવ્યું છે. ધોરણ 9 થી 12માં ભણતી તમામ વિદ્યાર્થિનીઓની નોંધણી ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ (CTS)માં થતી હોય છે, જેની સમગ્ર વિગતોને નમો લક્ષ્મી પોર્ટલ પર લઇ જવામાં આવે છે. સંબંધિત શાળાઓના વર્ગશિક્ષકો જ્યારે પોતાના વર્ગની વિગતો પોર્ટલ પર સિલેક્ટ કરે એટલે તેમને વર્ગમાં ભણતી તમામ વિદ્યાર્થિનીઓનો ડેટા તેમાં જોવા મળે છે, જેમાં વર્ગશિક્ષકો વિદ્યાર્થિનીના આધારકાર્ડ, શાળાનું આઈકાર્ડ, માર્કશીટ, આવકનો દાખલો, બેંક ખાતાની પાસબુકની નકલ, જન્મતારીખનો દાખલો અને મોબાઈલ નંબર સહિતના દસ્તાવેજોની વિગતો દાખલ કરે છે. આ વિગતો વર્ગશિક્ષકે વિદ્યાર્થિનીના માતા-પિતા પાસેથી મેળવવાની રહે છે.
પાત્રતા ધરાવનાર વિદ્યાર્થિનીઓને શૈક્ષણિક સત્ર શરૂ થયા પછી વહેલામાં વહેલી તકે ચકાસણી પૂરી કરીને જુલાઇ માસમાં જૂન અને જુલાઇની સહાયની રકમ એકસાથે વિદ્યાર્થિનીની માતા અથવા વિદ્યાર્થિનીના સંબંધિત બેન્ક ખાતામાં જમા કરાવવામાં આવે છે. ત્યારબાદ શૈક્ષણિક વર્ષ દરમિયાન બાકીના મહિનાઓની સહાયની રકમ જે-તે મહિનાની 10 તારીખ સુધીમાં સંબંધિત બેન્ક ખાતામાં જમા કરાવવામાં આવે છે.
વિદ્યાર્થિનીઓને સરકારની અન્ય કોઈ યોજના હેઠળ સ્કોલરશિપનો લાભ મળતો હોય તો પણ આ યોજનાનો લાભ વધારાના લાભ તરીકે મળવાપાત્ર છે.
આ યોજના આ વયજૂથની દીકરીઓની ઉંમર મુજબની સ્વાસ્થ્ય અને પોષણ સંબંધિત જરૂરિયાતોને પણ પૂર્ણ કરે છે, જેથી તેમના માનસિક અને શારીરિક વિકાસમાં કોઇપણ પ્રકારની ખામી ન રહે. આ યોજના દીકરીઓના સમગ્ર વિકાસને ધ્યાનમાં રાખીને શિક્ષણ, આરોગ્ય અને પોષણના ક્ષેત્રમાં વ્યાપક સમર્થન પ્રદાન કરે છે, જેથી તેમને આત્મનિર્ભર અને સશક્ત બનાવી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com