અમદાવાદ
મેગા સિટી અમદાવાદ સતત ધમધમતુ શહેર છે. ત્યારે અહી એક પણ રસ્તો બંધ થાય તો હજારો વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાય છે. ત્યારે 15 મહિનાથી બંધ રહેલો અમદાવાદનો સૌથી વ્યસ્ત શાસ્ત્રી બ્રિજની એક સાઈડ હજી ગત મહિને જ ખોલી દેવામાં આવી હતી. જેથી વાહન ચાલકોને રાહત થઈ હતી. શાસ્ત્રી બ્રિજ ખોલી દેતા અમદાવાદીઓનો ખુશીઓનો પાર નથી રહ્યો.
પરંતું હવે શાસ્ત્રી બ્રિજની બીજી સાઈડ બંધ કરી દેવામાં આવી છે. 31 ડિસેમ્બર સુધી આ બ્રિજ સમારકામ માટે બંધ રહેશે. શહેરના પૂર્વ અને પશ્ચિમ ભાગને જોડતો વિશાલાથી નારોલ વચ્ચે આવેલા શાસ્ત્રી બ્રિજ પર ફરી સમારકામ હાથ ધરાતા ૩૧ ડિસેમ્બર સુધી બંધ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ આ જ બ્રિજ પર સમારકામને લઈ ૧૫ મહિના સુધી બંધ કરાયો હતો જેને કારણે વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. હજુ ૧૫ ઓક્ટોબરે જ આ બ્રિજનું એકબાજુનું સમારકામ પૂર્ણ થયું હતું. હવે ફરી બીજી બાજુના પટ્ટા પર કામ શરૂ કરી દેવાતા ફરી ટ્રાફિકજામની સમસ્યા જોવા મળશે.
વાહનચાલકોના જણાવ્યા પ્રમાણે, અહીં ભારે વાહનોનો ભારે ધસારો જોવા મળે છે જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. પિક અવર્સમાં અહીં બ્રિજ ક્રોસ કરતા ૨૦થી ૩૦ મિનિટ જેટલો સમય પણ લાગે છે. આથી વહેલીતકે આ બ્રિજનું સમારકામ થાય તેવી વાહનચાલકોએ અપીલ કરી છે.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષ જુન મહિનામાં શાસ્ત્રી બ્રિજ ખખડધજ હાલતમાં હોવાથી બંધ કરવામાં આવ્યો હતો. શાસ્ત્રી બ્રિજ અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો બ્રિજ છે. સાથે જ તે વિશાલાથી નારોલના વિસ્તારને પણ જોડે છે. આ ઉપરાંત આ બ્રિજ નેશનલ હાઈવે અને અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવેને જોડતો હોવાથી અહીથી રોજ લાખોની સંખ્યામાં વાહનો પસાર થાય છે.