ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના મા. કુલપતિ પ્રો. સંજય ગુપ્તા, વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય અમિત ઠાકર, ગુજકોસ્ટના એડવાઈઝર અને મેમ્બર સેક્રેટરીશ્રી નરોત્તમ સાહુ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા
પ્રથમ દિવસે 12થી 17 વર્ષની વયજૂથના 600થી પણ વધારે બાળકોએ ચેસ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો
અમદાવાદ
અમદાવાદ સાયન્સ સિટી ખાતે આજ રોજ સ્ટુડન્ટ ચેસ ફેસ્ટિવલ 2024નો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે. ગાંધીનગરની ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવવર્સિટી, સાયન્સ સિટી, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી અને અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકના સંયુક્ત ઉપક્રમે સ્ટુડન્ટ ચેસ ફેસ્ટિવલનું આયોજન સાયન્સ સિટીના વિજ્ઞાન ભવનમાં કરવામાં આવ્યું છે. કાર્યક્રમના ઉદઘાટન સત્રમાં ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના મા. કુલપતિશ્રી પ્રો. સંજય ગુપ્તા, અગુજકોસ્ટના એડવાઈઝર અને મેમ્બર સેક્રેટરીશ્રી નરોત્તમ સાહુ, ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટીના ડીનશ્રી ડૉ. સૌરભ પંડ્યા, ભાવેશ પટેલ, ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશન ટુર્નામેન્ટ ઓર્ગેનાઈઝ કમિટી મેમ્બરશ્રી, આઈજી પરમાર, સીનિયર આર્બિટેરશ્રી ઉપસ્થિત રહ્યા હતા. સ્ટુડન્ટ ચેસ ફેસ્ટિવલના પ્રથમ દિવસે 12થી 17 વર્ષની વયજૂથના વિદ્યાર્થીઓ માટે ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 600થી પણ વધારે વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ પ્રસંગે યુનિવર્સિટીના મા. કુલપતિશ્રી પ્રો. સંજય ગુપ્તાએ જણાવ્યું હતું કે, ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી સર્વાંગી બાળવિકાસ અંગે કામ કરતી અનન્ય સંસ્થા છે. ચેસની રમતથી બાળકના માનસિક સ્વાસ્થ્યનો વિકાસ થાય છે. ત્યારે ચેસ સ્પર્ધા દરમિયાન ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના અધ્યાપકો દ્વારા ચેસ રમતની બાળમાનસ ઉપર થતી અસરો અંગે સંશોધન હાથ ધરવામાં આવ્યું છે.
ગુજકોસ્ટના એડવાઈઝર નરોત્તમ સાહૂએ ચેસની બૌદ્ધિક ક્ષમતાને વૈજ્ઞાનિક સંશોધન સાથે જોડવામાં એક સીમાચિહ્નરૂપ પહેલ તરીકે પ્રશંસા કરી હતી.સ્ટુડન્ટ ચેસ ફેસ્ટિવલ 2024ના પ્રથમ દિવસે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો. (ડૉ.) ચેતન ત્રિવેદી, માણસા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ડૉ. પ્રિયંકા પટેલ, કર્ણાવતી ઓબીસી મોર્ચાના પ્રમુખશ્રી દેવદત નાયક તેમજ સંસ્કૃતભારતીના પ્રાંત સદસ્ય ડૉ. વસંત જોષી, ઈન્ટરનેશનલ યોગ જજ અને ગુજરાત યોગ એન્ડ કલ્ચર એસોસિયેશનના મંત્રી ભાનુપ્રસાદ પંડ્યા સહિતના મહાનુભાવોએ ચેસ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
પ્રથમ દિવસના ઈનામ વિતરણ સમારોહમાં અમદાવાદની વેજલપુર વિધાનસભાના ધારાસભ્યશ્રી અમિત ઠાકર ઉપસ્થિત રહ્યા હતા, તેમના હસ્તે પ્રથમ ત્રણ ક્રમાંકે આવનાર વિદ્યાર્થીઓને ઈનામ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે અમિત ઠાકરે જણાવ્યું હતું કે, આજની સ્પર્ધા દર્શાવે કે, ચેસ નાનામાં નાના ગામડાંઓ સુધી પહોંચી છે. ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા આયોજિત ચેસ ફેસ્ટિવલમાં ગામડાંઓના બાળકો અમૂલ્ય ગુણો શીખીને પોતાના વતન પરત ફરશે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને કમ્પ્યુટરના જમાનામાં આ બાળકો દેશની અંદર ક્રાંતિ લાવવા ઉપયોગી બનશે. આ સાથે તેઓએ ચેસ ફેસ્ટિવલના સંયોજક ડૉ. મહેન્દ્ર પટેલ અને યુનિવર્સિટીની સમગ્ર ટીમને અભિનંદન આપ્યા હતા. રાજ્યકક્ષાની ત્રિદિવસીય સ્ટુડન્ટ ચેસ ફેસ્ટિવલમાં ૧લી ડિસેમ્બરે ૧૧ વર્ષથી નાનાં બાળકો માટે, જ્યારે ૨ ડિસેમ્બરે ૧૮થી ૨૫ વર્ષની વયજૂથના યુવાઓ માટે ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.