ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ભણકારા સંભળાવાનું શરૂ થઈ ચૂક્યું છે, ત્યારે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલા પાછલા અમુક દિવસથી ફરીથી ચર્ચામાં આવ્યા છે. શંકરસિંહ વાઘેલાએ વર્ષ 2020માં સ્થાપેલી તેમની પ્રજાશક્તિ ડેમૉક્રેટિક પાર્ટીમાં ફરીથી પ્રાણ ફૂંકવાની જાહેરાત કરી છે. આ પક્ષમાં તેમણે નવા હોદ્દેદારોની નિમણૂક કરી છે અને એવી જાહેરાત કરી છે કે આ પાર્ટી ગુજરાતમાં આવનારી ચૂંટણીમાં પોતાના ઉમેદવારો ઉતારશે અને મજબૂતીથી ચૂંટણી લડશે.
કેટલાક રાજકીય વિશ્વેષકો દ્વારા રાજ્યના સત્તાપક્ષ ભાજપને ફાયદો કરાવવાની વ્યૂહરચનાના ભાગરૂપે આ સમગ્ર ઘટનાક્રમને જોવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે કૉંગ્રેસ છોડ્યા બાદ નવો પક્ષ બનાવવાનો આ તેમનો બીજો પ્રયાસ છે. રાજકીય વર્તુળોમાં શંકરસિંહ ખરેખર અસરકારક સાબિત થઈ શકશે કે નહીં એ વાતની ચર્ચા છે. રાજકીય વિશ્વેષકોના મતે શંકરસિંહ વાઘેલાના આ દાવની રાજ્યના રાજકારણ પર ચોક્કસપણે અસર થશે, જ્યારે કેટલાકનું માનવું છે કે આ માત્ર પોતાનું રાજકીય અસ્તિત્વ જાળવી રાખવા માટેનું પગલું છે. પક્ષમાં નવા પ્રાણ પૂરવાની જાહેરાત કરતાં શંકરસિંહે શું કહ્યું?
શંકરસિંહ વાઘેલા મનમોહનસિંહ સાથે આ પહેલાં શંકરસિંહ વાઘેલાએ 2017માં વિધાનસભાની ચૂંટણી ટાણે જન વિકલ્પ પાર્ટીની શરૂઆત કરી હતી. જોકે, તેમની પાર્ટીને તેમની અપેક્ષા પ્રમાણે પ્રતિસાદ મળ્યો ન હતો. આ પહેલાં તેઓ કૉંગ્રેસ સાથે હતા. જોકે, વર્ષ 2021માં તેમણે ફરીથી કૉંગ્રેસમાં જોડાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ તેઓ કૉંગ્રેસમાં જોડાઈ શક્યા ન હતા.
હવે જ્યારે રાજ્યમાં ગ્રામપંચાયત, જિલ્લાપંચાયત વગેરેની ચૂંટણીઓના ભણકારા સંભળાઈ રહ્યા છે ત્યારે તેમણે વર્ષ 2020માં રચેલી તેમની પ્રજાશક્તિ ડેમૉક્રેટિક પાર્ટીમાં નવા પ્રાણ ફૂંક્યા છે. આ પ્રસંગે પત્રકારો સાથેની તેમની વાતચીતમાં વાઘેલાએ જણાવ્યું હતું કે, “રાજ્યમાં એક બાજુ સત્તાપક્ષ કામ કરી રહ્યો નથી અને બીજી બાજુ વિરોધ પક્ષનો કોઈ અવાજ નથી. આવી સ્થિતિમાં લોકોને એક એવા ત્રીજા પક્ષની જરૂરિયાત છે જે તેમની માટે કામ કરી શકે.”
તેમણે જણાવ્યું હતું કે, “આવનારી ચૂંટણીની તૈયારી કરવા માટે આ પક્ષને ફરીથી સક્રિય કરવામાં આવ્યો છે અને 22મી ડિસેમ્બરના રોજ ગાંધીનગરમાં એક મોટું આયોજન કરીને પાર્ટીની પ્રથમ હરોળની નેતાગીરી નક્કી કરવામાં આવશે.” હાલમાં આ પાર્ટીના અધ્યક્ષ તરીકે ભૂતપૂર્વ રાજવી રિદ્ધિરાજસિંહ પરમારની નિયુક્તિ કરવામાં આવી છે. પત્રકારો સાથેની વાતચીતમાં પરમારે કહ્યું હતું કે, “શંકરસિંહ બાપુના સીધા માર્ગદર્શન હેઠળ હું નવા લોકોની નિયુક્તિ કરીશ અને પાર્ટીની હાજરી રાજ્યભરમાં દેખાય તેવા પ્રયાસો કરવામાં આવશે.”
ગુજરાતમાં ત્રીજા પક્ષ માટે ઝાઝો અવકાશ ન હોવાની વાત સામે શંકરસિંહે આશા વ્યક્ત કરી હતી કે ભલે ગુજરાતમાં હજુ સુધી ત્રીજા મોરચાએ કોઈ સફળતા ન મેળવી હોય, પરંતુ હંમેશાં એવું હોતું નથી. તેમણે કહ્યું હતું કે, ‘આમ આદમી પાર્ટી આનું ઉદાહરણ છે. એ દિલ્હીમાં પ્રથમ વખત કૉંગ્રેસને ઉથલાવીને જીતી હતી. આવી જ રીતે અમારી પાર્ટી પણ સફળતા મેળવશે.”
શંકરસિંહ વાઘેલા જ્યારે NCPમાં જોડાયા તે સમયની શરદ પવાર સાથેની તસ્વીર. શંકરસિંહ વાઘેલા કહે છે કે, “જ્યારે સત્તાપક્ષ અને વિરોધ પક્ષ બંને નબળા હોય ત્યારે નવા પક્ષની જરૂર પડે છે. એટલા માટે અમારે આ પક્ષ સાથે ચૂંટણીમાં જવાની જરૂર પડી છે. જોકે, તેના માટે અમે સતત લોકોની વચ્ચે કામ કરી રહ્યા છીએ અને હવે આવનારી ચૂંટણીની તૈયારી કરી રહ્યા છીએ.” જોકે, રાજકીય વિશ્વેષકોનું માનવું છે કે શંકરસિંહ વાઘેલાના આ પગલાથી ગુજરાતના રાજકારણમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં રાજકીય વિશ્વેષક અમિત ધોળકીયા જણાવે છે કે, “હું માનું છું કે આનાથી કોઈ ફેર નહીં પડે. અગાઉની ચૂંટણીમાં પણ તેમણે પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા હતા. એ સમયે આખા ગુજરાતમાં તેમને મળેલા મતોની સંખ્યા એક લાખથી પણ ઓછી હતી. એક તરફ જ્યારે ગુજરાતમાં કૉંગ્રેસ જેવો મોટો પક્ષ પોતાના અસ્તિત્ત્વની લડાઈ લડી રહ્યો છે ત્યારે આવી પરિસ્થિતિમાં નવા પક્ષને તો કોઈ અવકાશ જ નથી.”
2017માં તેમણે જનવિકલ્પ મોરચાની શરૂઆત કરી હતી જોકે, વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્વેષક દિલીપ પટેલ જુદું વિચારે છે. તેઓ શંકરસિંહના પક્ષનો ભાજપ પોતાના ફાયદા માટે ઉપયોગ કરી શકે એવી સંભાવના વ્યક્ત કરે છે. તેઓ કહે છે કે, “એ વાત તદ્દન ખોટી છે કે શંકરસિંહ વાઘેલાના આ પ્રયત્નો કોઈ ફરક નહીં પાડી શકે. જે બેઠક પર ભાજપની પકડ કમજોર હોય કે ક્ષત્રિય મતોના વિભાજનની જરૂર હોય તેવી બેઠક પર ભાજપ તેમનો ઉપયોગ કરી શકે છે, જેથી કરીને કૉંગ્રેસને નુકસાન થાય ”
દિલીપ પટેલ માને છે કે શંકરસિંહ વાઘેલાને પોતાના પક્ષમાં ફરી પ્રાણ પૂરવાનો વિચાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પ્રેરિત છે. જોકે, આ વિશે ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે કે, “અમિતભાઈ અને શંકરસિંહની મુલાકાત એ એક સંયોગ હતો. નવો પક્ષ બનાવવામાં શંકરસિંહ બાપુ સતત નિષ્ફળ ગયા છે અને વારંવાર તેમને પોતાની અલગ-અલગ પાર્ટીઓ લોન્ચ કરવી પડે છે. ભાજપને તેમનાથી શું ફાયદો થઈ શકે?”
એ જ પ્રમાણે કૉંગ્રેસ નેતા અમિત ચાવડા કહે છે કે, “ગુજરાતની જનતા જાણે છે કે તેમના માટે કોણ લડે છે. શંકરસિંહના ભૂતકાળ વિશે પણ લોકોને ખબર છે.” શંકરસિંહ વાઘેલાનો ઉતાર-ચઢાવભર્યો ભૂતકાળ નરેન્દ્ર મોદી, કેશુભાઇ પટેલ અને શંકરસિંહ વાઘેલાની જૂની તસવીર શંકરસિંહ વાઘેલા એવા નેતા છે જે ગુજરાતના રાજકારણના જનસંઘથી આમ આદમી પાર્ટી સુધીના સાક્ષી રહ્યા છે. 1996 પહેલાં ગુજરાતમાં ભાજપના પાયાના નેતાઓમાં જે બે મુખ્ય નેતાઓની ગણતરી થતી, તેમાં શંકરસિંહ વાઘેલા અને કેશુભાઈ પટેલનું નામ મોખરે હતું.
વાઘેલાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, “એ સમયે પક્ષ’ શબ્દને અમે પટેલ અને ક્ષત્રિય તરીકે જ ઓળખતા. પટેલ મતદારો સુધી કેશુભાઈ પહેચતા અને ક્ષત્રિયો સુધી હું. આવી રીતે પક્ષનો પાયો અહીં ગુજરાતમાં નાખ્યો છે.” જોકે, 1996માં તેમણે ભાજપ સાથેનો પોતાનો વર્ષો જૂનો નાતો તોડીને રાષ્ટ્રીય જનતા પાર્ટીની સ્થાપના કરી હતી. ત્યાર પછી તેઓ 1996થી 1997ના ગાળામાં રાજ્યના મુખ્ય મંત્રી પણ બન્યા હતા. 1996માં તેમની પાર્ટી કૉંગ્રેસ સાથે ભળી ગઈ હતી. કૉંગ્રેસના તેમના કાર્યકાળ દરમિયાન તેમણે મનમોહનસિંહ સરકારમાં ટેક્સટાઇલ મંત્રી તરીકે ફરજ બજાવી હતી.
ત્યાર બાદ રાજ્યમાં ધારાસભ્ય તરીકે તેઓ વિરોધપક્ષના નેતા પણ રહ્યા উ. પરંતુ 2017માં તેમણે કૉંગ્રેસ પણ છોડી દીધી. એ સમયે તેમની સાથે 14 ધારાસભ્યો સાથે કૉંગ્રેસને છોડીને ગયા હતા. તેમણે એ બાદ જનવિકલ્પ નામની પાર્ટીની રચના કરી હતી. 2019માં તેઓ શરદ પવારની એનસીપી સાથે જોડાયા હતા. જોકે, ટૂંક સમયમાં તેઓ ત્યાંથી પણ પાછા ફર્યા હતા. ત્યાર બાદ, 2021માં ગુજરાત વિધાનસભાની છેલ્લી ચૂંટણી પહેલાં તેમણે કૉંગ્રેસમાં ફરીથી જોડાવવા માટેની વાત કરી હતી, પરંતુ તેઓ કૉંગ્રેસમાં જોડાઈ શક્યા ન હતા.
2020માં ચૂંટણીપંચમાં તેમણે નવા રાજકીય પક્ષ પ્રજાશક્તિ ડેમૉક્રેટિક પાર્ટીનું રજિસ્ટ્રેશન કર્યું હતું અને તેમાં હવે નવા લોકોની નિમણૂક કરવામાં આવી છે. જોકે, શંકરસિંહ વાઘેલા 2017 પછી રાજકારણમાં એટલા સક્રિય રહ્યા નથી અને તેમણે મજબૂતીથી ચૂંટણી લડવાનો પણ પ્રયત્ન કર્યો હોય તેવું પ્રતીત થતું નથી. આવી સ્થિતિમાં પક્ષમાં ફરીથી પ્રાણ ફૂંકવાની જાહેરાતથી કેટલો ફરક પડશે એ મોટો સવાલ છે.