અમદાવાદ
શહેરમાં રહેતા એક વૃદ્ધની ગાંધીનગર ગિફટ સિટી પાસે કરોડો રૂપિયાની જમીન છે. જે પચાવી પાડવા માટે કેટલાક લોકોએ ષડયંત્ર રચ્યું હતું. તેના માટે વૃદ્ધના ત્રણ જેટલા બનાવટી આધાર કાર્ડ બનાવીને અલગ અલગ ચાર બેન્કોમાં બેન્ક એકાઉન્ટ ખોલાવ્યા હતા. જેની મદદથી વૃદ્ધના નામે વ્યવહારો કરી કરોડોની જમીન પચાવી લેવાનું ષડયંત્ર રચાયું હતું. જોકે આરોપીઓ ષડયંત્રમાં સફળ થાય તે પહેલા જ તેમની કરતૂતોનો પર્દાફાશ થયો છે. અમદાવાદ સાયબર ક્રાઇમે બનાવટી આધારકાર્ડ અને પાનકાર્ડ પરથી બેંક એકાઉન્ટ ખોલાવી ગુનાઇત કાવતરુ રચનાર પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓમાંથી એક આરોપી એનઆરઆઇના ત્યાં પગી તરીકે કામ કરતો હતો. જેણે મુખ્ય આરોપીને તમામ માહિતીઓ આપી હતી. જે પરથી મુખ્ય આરોપીએ બનાવટી આધારકાર્ડ અને પાનકાર્ડ બનાવ્યા હતા. જેના પરથી બેંક એકાઉન્ટ ખોલાવીને ગુનાઇત પ્રવૃત્તિ આચરવાના હોવાનું સામે આવ્યું છે. સાથે જ પોલીસે તપાસ કરતા તમામ આરોપીઓનો ગુનાઇત ઇતિહાસ હોવાનું સામે આવ્યું છે.શહેરમાં રહેતા એક વૃદ્ધના ઘરે ત્રણ માસમાં અનેક ટપાલો આવી હતી. જેમાં તેમના નામ સરનામાનો ઉપયોગ કરીને કોઇ બીજી વ્યક્તિના ફોટો વાળા બનાવટી આધારકાર્ડ અને પાનકાર્ડ હતા. આ જ ડોક્યુમેન્ટ આધારે બેંક ખાતુ પણ ખુલ્યું હતું. વૃદ્ધના ઘરે નવા એકાઉન્ટની ચેકબુક આવતા તેઓ ચોંકી ગયા હતા. આ મામલે તેમણે સાયબર ક્રાઇમને જાણ કરતા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે તપાસ કરતા આ પ્રકારનું કાવતરું રચનાર શખ્સોએ તમામ ડોક્યુમેન્ટ અને ખાતાનો ઉપયોગ ગુનાઇત પ્રવૃત્તિ અને ગેરકાયદે ટ્રાન્જેક્શન માટે કરવાના હોવાનું સામે આવ્યું હતું. જેની તપાસ દરમિયાન પોલીસે મુકેશ ગોડલિયા, મુકેશ ઉર્ફે દદા ગોસ્વામી, ધીરજ ઉર્ફે ધીરૂ પટેલ, કિસ્મતઅલી ઉર્ફે અરમાન કુરેશી અને કમલેશ જોષીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મુકેશ ગોંડલિયા એનઆરઆઇના ત્યાં પગી તરીકે કામ કરતો હતો તેમની મિલક્તનો વહીવટ કરવા માટે આ કાવતરુ રચ્યું હતું. આરોપી મુકેશ ગોડલિયાએ તમામ ડેટા મુખ્ય સૂત્રધાર મુકેશ ગોસ્વામીને આપ્યો હતો. જેના પરથી મુકેશ ગોસ્વામીએ ફેક ડોક્યુમેન્ટ બનાવ્યા હતા. આરોપીઓએ અન્ય કયા પ્રકારનો ગુનો આચર્યો છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
આરોપીઓ ધોરણ-5, 9 અને 10 સુધી ભણેલા છે……………..
પોલીસે તપાસ કરતા મુખ્ય આરોપી મુકેશ ગોડલિયા (ઉ.63) છે.
મુકેશ ગોડલિયા માત્ર ધો.9 ભણેલો છે.
જયારે 36 વર્ષીય મુકેશ ઉર્ફે દદા ગોસ્વામી ધો.10,
54 વર્ષીય ધીરજ ઉર્ફે ધીરૂ પટેલ ધો.8 અને
36 વર્ષીય કિસ્મતઅલી ઉર્ફે અરમાન કુરેશી ધો.5,
જ્યારે 39 વર્ષીય કમલેશ જોષી ધો.10 ભણેલો હોવા છતાં આ રીતનું કૌભાંડ આચર્યું હતું.
તમામ આરોપીઓનો ગુનાઇત ઇતિહાસ……………
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મુકેશ ઉર્ફે દદા ગોસ્વામી સામે અસલાલી, ઇન્ફોસિટી, એરપોર્ટ, સેક્ટર-7 સહિત કુલ સાત ગુના નોંધાયા છે.
જ્યારે ધીરજ ઉર્ફે ધીરૂ પટેલ સામે ગાંધીનગર એલસીબી, ક્રાઇમ બ્રાંચ અને સેકટર-7માં ગુના નોંધાયા છે.
તો કિસ્મતઅલી ઉર્ફે અરમાન કુરેશી સામે ગાંધીનગર સેક્ટર-7માં અને કમલેશ જોષી સામે પાલનપુર વેસ્ટમાં છેતરપિડી સહિતના ગુના નોંધાયા છે.