વલસાડ જિલ્લાના પારડી ખાતે 19 વર્ષિય દિકરી પર દુષ્કર્મ અને હત્યાની બનેલી ઘટના ખુબ જ કરૂણ અને વેદનાસભર છે. આ પ્રકારની ઘટના ક્યારેય કોઇ પણ રાજ્યમાં ન બને તેવી પ્રર્થના કરી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લઇને અનેક રાજ્યોમાં 8 હત્યા સહિતના સંખ્યાબંધ ગુનાઓ આચરનાર ઝનુની, ક્રુર, નિર્દય અને અમાનુષી સિરિયલ કિલરને પકડી પાડનાર વલસાડ પોલીસ સહિત ગુજરાત રેલવે પોલીસ અને લાજપોર જેલ કર્મીઓને અભિનંદન પાઠવ્યા હતા. બેખોફ બનેલા આંતરરાજ્ય સિરિયલ કિલરને પકડવામાં દિવસ-રાત એક કરી એક મજબુત ટીમ વર્ક સાથે ગણતરીના દિવસોમાં ગુનો ડિટેકટ કરી આ પ્રસંશનિય કામગરી બદલ ગાંધીનગર ખાતે મંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના હસ્તે 172 પોલીસ અધિકારી-કર્મચારીશ્રીઓને રૂ. 12.09 લાખના રોકડ ઇનામ આપવામાં આવ્યા હતા.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ કે, ગુજરાત આજે પણ દેશનું સૌથી સુરક્ષિત રાજ્ય છે, તેનો શ્રેય રાજ્યના નાગરીકો, ગુજરાત પોલીસ અને તમામ ફોર્સને જાય છે. ગુજરાતમાં કોઇ ગુનો બને ત્યારે તે ગુનાની ગંભીરતા સમજીને ગુજરાત પોલીસ મજબુત ટીમ વર્કથી ટેક્નોલોજીના ઉપયોગની સાથે હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી જે રીતે રાત-દિવસ એક કરીને ગણતરીના કલાકોમાં ગુનેગારો શોધી કાઢે છે તેના ઉપર મને ગર્વ છે. હર્ષ સંઘવીએ સંવેદના સાથે કહ્યુ કે, આટલા રાજ્યોમાં દિકરીઓને પીખી નાંખીને હત્યા કરનાર આ ગુનેગાર જો પહેલા જ ગુનામાં પકડાઇ ગયો હોત કે તેને હ્યુમન ગ્રાઉન્ડ ઉપર જામીન ન મળ્યા હોત તો આજે આપણી ગુજરાતના પારડી વિસ્તારની 19 વર્ષિય દિકરી સુધી તે પહોંચી શક્યો ન હોત.
આ ગુનેગારને ગુજરાતમાં જ ફાંસીની સજા થશે ત્યારે આ દિકરીના પરિવારને અને ગુજરાતના નાગરિકોને ન્યાય મળશે. ખુબ જ ટુંકા સમયમાં આ ગુનેગારની ચાર્જશીટ કરી તેને ફાંસીની સજા થાય તે રીતે સજ્જડ પુરાવાઓ જોડી કડક કાર્યવાહી કરવા વલસાડ પોલીસને સૂચના આપી છે. આ કાર્યક્રમમાં વન-પર્યાવરણ રાજ્ય મંત્રી અને વલસાડ જિલ્લા પ્રભારી મંત્રી મુકેશ પટેલ, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય. સુરત રેન્જ આઇ.જી.પી પ્રેમવીર સિંધ, સુરત ક્રાઇમ જોઇન્ટ કમિશનર રાધવેન્દ્ર વત્સ, વલસાડ જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલા તેમજ ગુનાના ડિટેક્શનમાં મહત્વપૂર્ણ ભુમિકા ભજવનાર પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.