છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ કોણ હશે તે વાતો ચર્ચા રહી છે. અનેક પ્રકારની અટકણો થઈ રહી છે.સી આર પાટીલ પોતે સંકેતો આપી ચૂક્યા છે કે હવે ગુજરાતને નવા પ્રદેશ પ્રમુખ મળશે. છેલ્લા ઘણા સમયથી આ ચર્ચાઓને લઈને ગુજરાતનું રાજકારણ પણ ગરમાયું છે. ગુજરાતના પ્રદેશ પ્રમુખને લઈને અનેક અટકળો તે જ થઈ રહી છે. ભાજપના ઘણાં નેતાઓની નજર આ પદ ઉપર છે. એક તરફ કોંગ્રેસ અત્યારથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓમાં લાગી ગયું છે બીજી તરફ, ભારતીય જનતા પાર્ટી આટલો સમય પસાર થયો છતાં ગુજરાતના પ્રદેશ પ્રમુખ ના નામ પર મોહર નથી મારી શકી. ત્યારે સવાલ તે થઈ રહ્યો છે કે, કેમ ભાજપ એક પ્રદેશ પ્રમુખની પસંદગી હજુ સુધી નથી કરી શક્યું? હમણા સી. આર. પાટીલે દિલ્હી ખાતેના પોતાના નિવાસસ્થાને વડા પ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિત ગુજરાતના તમામ સાંસદો અને ધારાસભ્યોને ‘સ્નેહમિલન સમારોહમાં આમંત્રિત કર્યા હતા. જે બાદથી ગુજરાત ભાજપને જલદી જ નવા પ્રદેશ પ્રમુખ મળવાની અટકળો તેજ બની હતી. જોકે, કેટલાક રાજકીય નિષ્ણાતો માને છે કે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખના નામ અંગે પક્ષ હજુ અવઢવમાં છે. અને તેની પાછળ ક્ષત્રિય, પટેલ કે ઓબીસીમાંથી કથા સમાજમાંથી પ્રદેશ પ્રમુખ બનાવવા એ અંગેની ‘વિમાસણ જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે. જુલાઈ 2020માં કોરોનાના કપરા સમય દરમિયાન પાટીલને પ્રદેશાધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી હતી.જાણકારો અનુસાર વિધાનસભા ચૂંટણી અગાઉ 100 બેઠકો પર જીત મેળવવાનું લક્ષ્ય, પેજપ્રમુખ અભિયાન અને વર્ષ 2022માં વિધાનસભા ચૂંટણીમાં ભાજપને અભૂતપૂર્વ બહુમત (156 બેઠકો) અપાવીને સી આર પાટીલ ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશના રાજકારણમાં પોતાની છાપ છોડવામાં સફળ રહ્યા હતા.પાટીલના કેબિનેટ મંત્રી બન્યાની વાતને સારો એવો સમય પસાર થઈ ગયો હોવા છતાં ‘ત્વરિત નિર્ણયો લેવા માટે જાણીતો ભાજપની નેતાગીરી કેમ હજુ સુધી રાજ્યના નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક નથી કરી શકી એ સવાલ સૌ કોઈને થઈ રહ્યો છે.
ભાજપના પ્રવક્તા ડૉ. યજ્ઞેશ દવે ભાજપના નવા પ્રદેશાધ્યક્ષની નિમણૂકમાં વિલંબ અંગેનું કારણ વ્યક્ત કરતાં કહે છે કે ભાજપને સ્વીકૃત પ્રદેશ પ્રમુખ નથી મળી રહ્યા એવું નથી, પણ અત્યારે ભાજપ નવા પ્રદેશ પ્રમુખની વરણી લોકશાહી ઢબે કરી રહ્યો છે. *9 ડિસેમ્બર સુધીમાં વોર્ડ કક્ષાએ પ્રદેશ પ્રમુખનાં નામ માટે સેન્સ લેવાશે, ત્યાર બાદ 15 ડિસેમ્બર સુધીમાં જિલ્લા કક્ષાએ અને એ પછી 31 ડિસેમ્બર સુધીમાં રાજ્ય કક્ષાએ સેન્સ લેવાયા બાદ 15 જાન્યુઆરી સુધીમાં નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થશે.” જ્યારે બીજી તરફ જાણીતા રાજકીય વિશ્વેષકોનું માનવું છે કે, ભાજપ માટે હવે પહેલાં જેવું વાતાવરણ રહ્યું નથી, આંતરિક વિરોધ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાંથી મોટા પાયે માઇગ્રેશન થઈને પટેલો ગામડાંમાંથી શહેરો તરફ આવી રહ્યા છે. આ સંજોગોમાં ક્ષત્રિય વિવાદ ગ્રામપંચાયતની ચૂંટણીમાં ભાજપને નડી શકે એમ છે. તેઓ પાર્ટીમાં આંતરિક અજંપો અને સંગઠનની જરૂરિયાત અંગે માને છે કે, “ભાજપ અત્યારે કૉંગ્રેસમાંથી આવેલા નેતાઓ અર્જુન મોઢવાડિયા અને સી.જે. ચાવડાને પ્રધાનમંડળમાં સમાવી શકતા નથી, ત્યારે ભાજપ ચૂંટણી વ્યૂહરચના ઘડી શકે એવા નેતાની શોધમાં છે, કારણ કે સી. આર. પાટીલ પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં એ સ્વીકૃત નેતા નહોતા છતાં એમણે પોતાની આગવી સૂઝથી સંગઠન પર પકડ જમાવી હતી. આ સંજોગોમાં કૉંગ્રેસમાંથી આવેલા નેતાઓની સાથે ભાજપના કાર્યકરોને પણ સંભાળી શકે એવા ઓબીસી નેતાને ભાજપ શોધી રહ્યો છે. જેના કારણે નવા પ્રદેશ પ્રમુખની નિમણૂકમાં વિલંબ થઈ રહ્યો છે.જો રાજકીય વિશ્કલેષોનું માનીને ભાજપની વ્યૂહરચનાની વાત કરીએ તો જ્યારે પણ રાજ્યમાં મુખ્ય મંત્રી પટેલ હોય તો પ્રદેશ પ્રમુખ ક્ષત્રિયને બનાવવામાં આવે છે. પરંતુ 2024માં થયેલા ક્ષત્રિયોના વિવાદ બાદ ભાજપમાં નવા પ્રદેશ પ્રમુખ બનવવાની અવઢવ છે. હાલની સ્થિતિ મુજબ રાજ્યમાં જો પક્ષ ક્ષત્રિયને પ્રદેશ પ્રમુખ બનાવે તો પટેલો નારાજ થાય એમ છે.અને પટેલ પ્રદેશ પ્રમુખ બને તો બે મહત્ત્વના હોદ્દા પર પટેલોને મળતાં ઓબીસી નારાજ થાય એમ છે. આ સંજોગોમાં ભાજપ પાટીલ જેવા ટેકનોસેવી અને સંગઠન પર પકડ રાખી ચૂંટણીની રણનીતિ ગોઠવી શકે એવા નેતા શોધવાની ગડમથલમાં છે. આ કારણે પક્ષના નવા પ્રદેશ પ્રમુખની નિમણૂકમાં સમય લઈ રહ્યો છે.