અ ન્યાય કે જુલમ સામે અપીલ કરવા માટે કોર્ટને મહત્ત્વનો દરજ્જો આપવામાં આવ્યો છે. લોકશાહી પ્રક્રિયામાં કોર્ટ સ્વતંત્ર હોવાથી વહીવટી તંત્ર અને રાજકીય દબાણ સામેની લડાઈ પણ કોર્ટમાં મોટી આશા સાથે લડવામાં આવે છે. ત્યારે પુણે-સાતારા ઍન્ટિ કરપ્શન બ્યુરો (ACB)એ સાતારા જિલ્લા સેશન્સ કોર્ટના જજ ધનંજય નિમ સહિત અન્ય ત્રણ લોકોને પાંચ લાખ રૂપિયાની લાંચ લેતાં પકડી લીધા હતા. આ ઘટના કોર્ટના પરિસરમાં બની હતી એટલે આ ઘટનાએ ન્યાયતંત્ર પરના વિશ્વાસને પણ ડહોળ્યો છે. ACBએ આપેલી માહિતી અનુસાર ફરિયાદીના પિતાને જામીન આપવા માટે પાંચ લાખ રૂપિયાની માગણી કરવામાં આવી હતી. તેના પિતાએ જિલ્લા સેશન્સ કોર્ટમાં જામીનઅરજી કરી છે જેના માટેની સુનાવણી જજ ધનંજય નિકમ પાસે રાખવામાં આવી હતી. એ દરમ્યાન આનંદ ખરાત, કિશોર ખરાત સહિત અન્ય એક યુવાને ફરિયાદી પાસેથી જામીન કરાવી આપવાના નામે પાંચ લાખ રૂપિયાની માગણી કરી હતી, જેમાં જજ ધનંજય સાથે પણ સાઠગાંઠ કરી હતી. એની ફરિયાદ ACBને મળતાં ત્રણથી ૧૦ ડિસેમ્બર દરમ્યાન તમામ પર વૉચ રાખવામાં આવી હતી, સાથે માહિતી ભેગી કરવામાં આવી હતી અને ૧૦ ડિસેમ્બરે આ ટ્રેપ કરવામાં આવ્યો હતો. આ વિશે સાતારા શહેર પોલીસ- સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.