અજાણ્યા વૃક્ષનું ફળ ખાવાથી કેવી ગંભીર અસર થઇ શકે છે તેનું જીવતું-જાગતું ઉદાહરણ મહેસાણાના દેલપુરા ગામમાં સામે આવ્યું. જ્યાં એક સાથે 10 બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર થઇ ગઇ.. આ બાળકો શાળામાં રમતા હતા, તે દરમ્યાન તેમણે શાળાના કમ્પાઉન્ડમાં ઉગેલા એક અજાણ્યા વૃક્ષના ફળ ખાધા હતા. જે બાદ તેમને ઝાડા ઉલટી અને પેટમાં દુખાવા જેવી સમસ્યા સર્જાઇ હતી. વૃક્ષના ફળ ખાધા બાદ 10 બાળકોને અસર થઇ હતી.
તમામ બાળકોને બહુચરાજી સિવિલમાં પ્રાથમિક સારવાર અપાઇ છે. વધુ સારવાર માટે બાળકોને મહેસાણા સિવિલ રિફર કરાયા છે. તમામ બાળકોએ શાળા કમ્પાઉન્ડમાં અજ્ઞાત વૃક્ષના ફળ ખાધા હતા. બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા શાળા સંકુલમાંથી વૃક્ષ હટાવવા રજૂઆત કરવામાં આવશે.
આ ઘટનાને પગલે વાલીઓમાં શાળાના સ્ટાફ પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે. બાળકોએ જે ફળ ખાધુ તે જેટરોફાનું ફળ હોવાનું મનાય છે તેને ગુજરાતમાં રતનજ્યોત કહે છે.આપણા દેશમાં દરેક પ્રદેશમાં જંગલ કે પહાડી વિસ્તારમાં કુદરતી રીતે રતનજ્યોતનાં ઝાડ ઉગેલા જોવા મળે છે. રતનજ્યોતએ ‘યુફોર્બિએસી’ કુળની વનસ્પતિ છે. તેના પાન આકારમાં મોટા, પહોળા અને મુલાયમ હોય છે. તેનો આકાર એરંડાનાં પાન જેવો હોય છે. તેના ઝાડ 4 મીટર સુધી ઉચા થાય છે.