‘અદાણી-મોદી ભાઈ ભાઈ’, ‘દેશની કમાણી – અદાણીમાં સમાણી’ ભારે સુત્રોચ્ચાર સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તા-આગેવાનો રેલી સ્વરૂપે દેખાવો કર્યા
ગાંધીનગર
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે, મોંઘવારી અને બેરોજગારીએ માઝા મુકી છે, રાજ્યમાં નકલીની ભરમાર ફાટી નીકળી છે, શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ દિનપ્રતિદિન કથળતી જાય છે, રાજ્યના ખેડૂતો દિનપ્રતિદિન દેવાદાર બની રહ્યા છે, રાજ્યના નાગરીકોને પ્રશાસન જેવો કોઈ અહેસાસ થતો નથી માટે રાજ્યના નાગરીકોના હિતમાં કોંગ્રેસ પક્ષનું પ્રતિનિધિ મંડળ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી અમિત ચાવડા, ઉપનેતાશ્રી શૈલેષ પરમાર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ આગેવાન અને પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, શ્રી જગદીશ ઠાકોર, પૂર્વ સાંસદ ડૉ. અમીબેન યાજ્ઞિક, સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી લાલજીભાઈ દેસાઈ સહિત ધારાસભ્યો અને આગેવાનો રાજ્યપાલશ્રીને મળીને ભારત દેશને કલંકિત કરતી અમેરીકામાં અદાણી જુથ પરના છેતરપીંડી કેસ, મણીપુરની હિંસા અને ગુજરાતની જનતાને સીધા સ્પર્શતા મુદ્દાઓ અંગે વિસ્તૃત આવેદનપત્ર આપ્યું હતું.
અદાણીને ગુજરાતના કચ્છ જિલ્લામાં મુંદ્રા અને માંડવી તાલુકામાં સરકારી પડતર જમીન રૂ. ૨/- થી રૂ. ૨૫/- ચો. મી. દિઠ પાણીથી પણ સસ્તા ભાવે અદાણી ગ્રુપને ૬,૧૪,૬૪,૧૮૬ ચો.મી. કરતાં વધારે જમીન આપવામાં આવી છે. રાજ્યમાં ગરીબ અને સામાન્ય વર્ગને ઘર બાંધવા માટે ૫૦-૧૦૦ વારના ઘરથાળના પ્લોટ લાંબા સમયથી સરકાર દ્વારા આપવામાં આવતા નથી તે આપવામાં આવે.
અદાણી હસ્તકના મુંદ્રા પોર્ટ/બંદર પરથી અંદાજે રૂ.૨૫,૦૦૦/- કરોડની કિંમતનું ડ્રગ્સ ભરેલું કંટેનર પકડાયેલ, તે બાબતે આજદિન સુધી નક્કર પગલાં લેવાયા હોય અને તેમાં સંડોવાયેલા આરોપીઓ સામે કોઈ કાર્યવાહી થઈ હોય તેવું સામે આવેલ નથી. અદાણીના મુંદ્રા બંદરેથી અગાઉ આટલી મોટી કિંમતના ડ્રગ્સના કેટલા કંટેનર કયાં પહોંચી ગયા તે બાબતે અને આવા કંટેનર મુંદ્રા બંદરે ઉતારવામાં અદાણીની સંડોવણી બાબતે પણ કોઈ કાર્યવાહી થઈ હોય તેવું સામે આવેલ નથી, જે ચિંતાનો વિષય છે.
અદાણી પાવર લિ. સાથે તા.૬-૨-૨૦૦૭ તથા તા.૨-૨-૨૦૦૭ના રોજ બીડ-૧ અંતર્ગત રૂ.૨.૮૯ પ્રતિ યુનિટ અને બીડ-૨ અંતર્ગત રૂ.૨.૩૫ પ્રતિ યુનિટ લેખે ૨૫ વર્ષ માટે વીજ ખરીદી એગ્રીમેન્ટ થયેલા છે. તેમ છતાં માસિક રૂ.૮.૮૫ પ્રતિ યુનિટ લેખે ચુકવવામાં આવે છે. તે અન્વયે બે વર્ષમાં ફિકસ પેટે રૂ.૧,૯૧૯ કરોડ મળીને કુલ રૂ.૮,૧૬૦ કરોડ ચુકવવામાં આવ્યા છે. રાજ્ય સરકાર અદાણીની પાવર કંપનીઓને ફાયદો થાય તે માટે રાજ્ય સરકાર હસ્તકના પાવર પ્લાન્ટ પુરી ક્ષમતા સાથે કાર્યરત રાખવામાં આવતા નથી. રાજ્ય સરકાર અદાણી પાસેથી મોંઘા ભાવે વીજ ખરીદી બંધ કરે અને રાજ્ય સરકાર હસ્તકના સરકારી પાવર પ્લાન્ટ પુરી ક્ષમતા સાથે કાર્યરત રાખીને ગ્રાહકોને પરવડે તેવા ભાવે વીજ પુરવઠો પુરો પાડે.
કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાંગી છે, ખુલ્લેઆમ દારૂ-જુગાર અને ડ્રગ્સના દૂષણના કારણે ગુજરાતનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે, હત્યા, લુંટ અને ચોરીના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે. ભુમાફીયાઓ માલ-મિલ્કત પડાવી રહ્યા છે, ખનન માફીયાઓ બેફામ ખનીજ ચોરી કરી રહ્યા છે. આરોપીઓને પોલીસનો ડર રહ્યો નથી. ગુજરાતમાં રોજ ૬ મહિલા-દિકરીઓ દુષ્કર્મનો ભોગ બની રહી છે. અસામાજિક તત્વો બેફામ પણે અનૈતિક પ્રવૃત્તીઓ કરી પ્રજામાં ડર-ભય ફેલાવી રહ્યા છે છતાં પોલીસતંત્ર-રાજ્ય સરકાર નક્કર પગલા ભરતી નથી જેથી અસામાજિક તત્વો બેકાબુ બન્યા છે. દૂધના ટેન્કર ફરતા હોય તે શ્વેતક્રાંતિની ઓળખ સમા ગુજરાતમાં કરોડો લીટર દારૂ અને અબજો રૂપિયાની ડ્રગ્સ ઠલવાઈ રહી છે જેના લીધે ગુજરાતના હજારો યુવાનો નશાની આગમાં ધકેલાઈ રહ્યાં છે તે ચિંતાનો વિષય છે. ગાંધી-સરદારનું ગુજરાત ડ્રગ્સનું ગેટ-વે બની ગયું છે.
નામદાર સુપ્રીમ કોર્ટના આદેશો મુજબ રાજ્ય સરકારોને સ્પષ્ટ કહેવામાં આવેલ કે રાજ્યમાં ઓબીસીની કેટલી વસતી યુનીટદિઠ છે તેની વસ્તી ગણતરી કરવામાં આવે અને એ મુજબ એને રાજકીય પ્રતિનિધિત્વ મળે તે માટેની જોગવાઈ કરવામાં આવે તેમ છતાં વર્ષો બાદ સમર્પિત આયોગની રચના રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ. રાજ્ય સરકાર દ્વારા વસતીના ધોરણે બેઠકોની ફાળવણી ન થતાં ઓ.બી.સી. સમાજને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં બેઠક ફાળવણીમાં મોટો અન્યાય થઈ રહ્યો છે. ૭,૦૦૦ કરતા વધારે ગ્રામ પંચાયતો, ૨-જીલ્લા પંચાયત, ૧૭-તાલુકા પંચાયત અને ૭૫ કરતા વધારે નગરપાલિકામાં વહીવટદારોનું રાજ ચાલે છે. વારંવાર રજુઆતો કરવા છતાં રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગો માટેની બેઠકો નક્કી કરવા માટે સમર્પિગ આયોગ નામદાર હાઈકોર્ટના નિવૃત મુખ્ય ન્યાયધીશશ્રી કે. એસ. ઝવેરીના અધ્યક્ષ સ્થાને રચાયેલ આયોગનો રીપોર્ટ રિપોર્ટ તાત્કાલિક જાહેર કરવામાં આવે અને વહીવદારોનું રાજ દૂર થાય તે માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચુંટણી તાત્કાલિક યોજવામાં આવે.
મુલસાણામાં પાંજરાપોળની જમીન કૌભાંડ, સુરત-ડુમસ જમીન કૌભાંડ, કચ્છમાં ગૌચર જમીન કૌભાંડ, દાહોદ જમીનના નકલી એન.એ.ના કૌભાંડીઓએ કરોડોની જમીનો પડાવી પાડી તેમાં કડક પગલાં લઈ જમીન શ્રીસરકાર કરવામાં આવતી નથી, આથી, આ તમામ જમીન શ્રીસરકાર કરવામાં આવે અને તેમાં સંડોવાયેલા તમામ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
રાજ્યમાં નકલીઓની મૌસમ ચાલી રહી છે. PMO-CMOના અધિકારીઓ નકલી, નકલી ઈડી, નકલી IAS, નકલી કોર્ટ, નકલી સરકારી વકીલ, નકલી સરકારી કચેરીઓ, નકલી ટોલનાકા, નકલી પોલીસ, નકલી દવા-દારૂ, નકલી ડોકટરો, નકલી દસ્તાવેજોથી જમીનોના વેચાણ વગેરે કિસ્સાઓ સામે દિનપ્રતિદિન વધતાં જાય છે. પોન્જી સ્કીમોના નામે કરોડો રૂપિયાના કૌભાંડ થઈ રહ્યા છે તાજેતરમાં ૬૦૦૦ કરોડ કરતા વધુનું BZ સોલ્યુશનના નામે એકના ડબલ અને ત્રણ ગણા પૈસા કરી આપવાના કૌભાડમાં ભાજપ સરકારનો સીધો નાતો છે તેવા એક પછી એક વિગતો સામે પ્રસિધ્ધ થઈ રહી છે. બીજીબાજુ, હજારો નાના રોકાણકારો રાતા પાણીએ રોઈ રહ્યાં છે, તેમ છતાં પોલીસ દ્વારા હજુ સુધી આરોપીને પકડીને વરઘોડો કાઢવામાં આવ્યો નથી. પોંજી સ્કીમો અને વ્યાજ વસુલાત મોટાપાયે ખોટી રીતે થઈ રહ્યા છે. નકલીના કારણે નાગરીકોનો વિશ્વાસ સરકારમાંથી ડગી રહ્યો છે. આવા તત્વોને તાત્કાલિક ડામવામાં આવે.
રાજ્યમાં અને દેશમાં મોંઘવારી અને બેરોજગારીમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં મોદી સરકારે મિત્રો માટે રૂ.૧૨.૩૦ લાખ કરોડની લોન માંડવાળ કરી દીધી છે બીજીબાજુ ગુજરાત સહિત દેશના ખેડૂતો સતત દેવાદાર થતા જાય છે. મોંઘા બિયારણ, વીજળી, દવા, ખાતર અને સિંચાઈના કારણે ખેડૂતો દેવું કરવા મજબુર બન્યા છે અને ગુજરાતના ખેડૂતોને પાક બચાવવા ખર્ચને પહોંચી વળવા માટે ત્રણ વર્ષમાં રૂ.૩.૬૪ લાખ કરોડની લોન લેવાની ફરજ પડી છે, આ લોનની રકમમાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે. રાજ્યમાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવે. ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળા-કોલેજોને બંધ કરીને ખાનગી શિક્ષણને આડેધડ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જેના કારણે ગુજરાતમાં સામાન્ય અને મધ્યમ વર્ગના બાળકોને શિક્ષણ મેળવવું મુશ્કેલ થતું જાય છે. લાખો રૂપિયાની ફી ભરીને ખાનગી શાળા-કોલેજોમાં પ્રવેશ લેવા મજબુર બનવું પડે છે, મોંઘું શિક્ષણ મેળવ્યા બાદ રોજગારની તકો મળતી નથી. સરકારી ભરતીમાં પેપર ફુટવા સહિતના મોટાપાયે ગેરરીતિ અને ગોલમાલના કિસ્સાઓ અનેકવાર સામે આવ્યા છે. સરકાર જાતે પોતાના મળતિયાઓને પાછળ બારણે ઘુસાડવા માટે આવા તત્વોને રાજકીય આશ્રય આપતી હોય તેવું સામે આવેલ છે. જેના લીધે ગુજરાતના લાખો યુવાન-યુવતીઓ રોજગારની તક છીનવાઈ રહી છે.
ગુજરાત સરકારના દરેક વિભાગમાં થઈ રહેલા બેફામ ભ્રષ્ટાચારના કારણે નાગરીકો ભોગ બની રહ્યા છે, જાતિના દાખલા, ખેડૂત માટે જરૂરી દાખલાઓ સહિત જમીન માપણી, સાયકલ કૌભાંડ, ખ્યાતિ હોસ્પિટલકાંડ, ગરીબોના હક્કનો રાશનનો જથ્થો બારોબાર સગેવગે કરવો, સ્કોલરશીપ કૌભાંડ, આવાસ કૌભાંડ સહિત અનેક કૌભાંડો સરકારની ઓળખ બની ગઈ છે, ત્યારે આવા કૌભાંડોમાં ભીનું સંકેલવાના બદલે પરીણામલક્ષી પગલાં ભરાઈ તો નાગરીકોને રાહત થશે.
કોંગ્રેસ પક્ષના પ્રતિનિધિ મંડળમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી અમિત ચાવડા, ઉપનેતાશ્રી શૈલેષ પરમાર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ આગેવાન અને પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, શ્રી જગદીશ ઠાકોર, પૂર્વ સાંસદ ડૉ. અમીબેન યાજ્ઞિક, ડૉ. પ્રભા તાવિયાડ, એ.આઈ.સી.સી.ના સંયુક્ત મંત્રીશ્રી નિલેશ પટેલ, સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી લાલજીભાઈ દેસાઈ, અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખશ્રી હિંમતસિંહ પટેલ, ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, શ્રી કાંતિભાઈ ખરાડી, શ્રી દિનેશભાઈ ઠાકોર, પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી નિશિત વ્યાસ, શ્રી બિમલ શાહ, શ્રી ભીખાભાઈ રબારી, મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, પૂર્વ ધારાસભ્યશ્રી લાખાભાઈ ભરવાડ, ઓ.બી.સી. સેલના ચેરમેનશ્રી રાજેશભાઈ ગોહિલ, એસ.સી. સેલના ચેરમેનશ્રી હિતેન્દ્ર પીઠડીયા, પ્રવકતા ડૉ.હિમાંશુ પટેલ, પ્રવક્તા ડૉ. અમિત નાયક, મહિલા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખશ્રી ગીતાબેન પટેલ, પ્રદેશ કોંગ્રેસના મહામંત્રીશ્રી રાજુભાઈ બ્રહ્મભટ્ટ, શ્રી બળદેવભાઈ લુણી, શ્રીમતી ગીતાબેન પટેલ, શ્રી રાજેન્દ્રસિંહ કુંપાવત, મહેસાણા જિલ્લા પ્રમુખશ્રી હસમુખભાઈ ચૌધરી, ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી અરવિંદભાઈ ઠાકોર સહિતના આગેવાનો રજુઆત સમયે જોડાયા હતા.તમામ બાબતો અંગે રાજ્યના નાગરીકોના હિતમાં કડક પગલાં ભરવા સરકારને યોગ્ય આદેશ આપવા માટે કોંગ્રેસ પક્ષના પ્રતિનિધિ મંડળે રાજ્યપાલ સમક્ષ વિનંતી કરી હતી.