ગુજરાતમાં 14 વર્ષની વિદ્યાર્થિનીએ કથિત રીતે તેને મોબાઈલ ફોન નહીં મળવાના કારણે આત્મહત્યા કરી લીધી હોવાના અહેવાલો આવ્યા હતા. આ ઘટના પછી રાજ્યના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના જુનિયર મંત્રીએ જાહેરાત કરી કે રાજ્યભરની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે મોબાઈલ ફોન પર પ્રતિબંધ મુકવા સરકાર સક્રિયપણે વિચારણા કરી રહી છે. પાંડેસરામાં શનિવારે ધોરણ 8ની વિદ્યાર્થીની ઘરમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે છોકરીએ વહેલી સાંજે તેની માતાનો મોબાઈલ ફોન લીધો હતો. જો કે, માતાને તેમના શાકભાજીના વ્યવસાય માટે ફોનની જરૂર હતી. તેથી તેમણે મોબાઈલ પાછો લઈ લીધો. પુત્રીને આ વાત ગમી નહીં અને તેણે માતા સાથે ઝઘડો કર્યો હતો. માતાએ મોબાઈલ ફોન લઈ લેતાં છોકરી નારાજ થઈ ગઈ અને તેણે આત્મહત્યા કરવાનું આકરું પગલું ભર્યું હતું તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ પાનશેરિયાએ આ મુદ્દે નિવેદન બહાર પાડ્યું હતું “સરકાર નિષ્ણાતો સાથે ચર્ચા કર્યા પછી શાળાઓમાં મોબાઇલ ફોન પર પ્રતિબંધ મૂકવાનું સરકાર વિચારી રહી છે. જોકે, તેનો કડક અમલ કેવી રીતે કરી શકાય તે વિશે સરકાર ચર્ચા કરી રહી છે. શિક્ષકોએ પણ વર્ગોમાં અને શાળાના કેમ્પસમાં ફોનનો ઉપયોગ કરવાનું બંધ કરવું જોઈએ. સમાજના સભ્યો તરીકે, આપણે આ મુદ્દા પર સામૂહિક વિચારસરણીમાં જોડાવું જોઈએ, “તેમ તેમણે 1 મનોરંજન કહ્યું હતું. “આ પહેલી ઘટના નથી કે જેમાં કોઈ વિદ્યાર્થીએ મોબાઈલ ફોનના મુદ્દે આત્મહત્યા કરી હોય. મોબાઈલ ન મળતાં બાળકોનું ઘર છોડવું અથવા નારાજ થઈ જવું ખૂબ સામાન્ય છે. આ ઘટનાઓ આપણા બધા માટે ચેતવણી સમાન છે. બાળકોને ફોન આપતા પહેલા માતાપિતાએ બે વાર વિચારવું જોઈએ,” તેમ પાનશેરિયાએ ઉમેર્યું હતું. પાનશેરિયા ગુજરાત વિધાનસભામાં કામરેજ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. પાંડેસરા પોલીસે વિદ્યાર્થિનીના આત્મહત્યાના કેસમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક યુવતીનો પરિવાર મૂળ બિહારનો વતની છે.