ગુજરાત ભાજપમાં નવા સંગઠનની રચના માટે હાથ ધરાયેલી કવાયતમાં હવે રાજ્યભરમાં જિલ્લા અને મહાનગર પ્રમુખ નિશ્ચિત કરવા માટે પહેલા દાવેદારી અને પછી પ્રદેશ નિરિક્ષકો દ્વારા સંક્લનની બેઠકમાં જે રીતે સ્થાનિક સ્તરે સાંસદ, ધારાસભ્યો અને સંગઠન સાથે જોડાયેલા મહત્વના હોદેદારો સાથે ચર્ચા કરીને હવે તખ્તો ગાંધીનગર ફેરવાયો છે. એક કે બે દિવસમાં જ તેનો નિર્ણય લઇ લેવાશે તે વચ્ચે રાજ્યભરમાં જે રીતે જિલ્લા અને મહાનગર પ્રમુખ માટે જે રીતે દાવેદારીના ફોર્મ મંગાયા અને આખરી ઘડી સુધી દાવેદારની લાયકાતો અંગે પણ છેલ્લી ઘડી સુધી સસ્પેન્સ રાખી તે અંગે પણ પ્રથમ વખત ભાજપમાં સંગઠનની રચનામાં ઘણી બધી દ્વીધાઓ જોવા મળી હોય તેવા સંકેત મળ્યા છે. ખાસ કરીને તમામ મહાનગરોમાં પ્રમુખ બનવા માટે 20 થી 40 અને સુરત જેવા શહેરમાં 70 જેટલા દાવેદારોએ ફોર્મ ભરતાં આખરી પસંદગીમાં મોવડી મંડળ માટે તમામ જુથોને રાજી રાખવાનું મુશ્કેલ બની જશે તેવી શક્યતા પક્ષમાં દર્શાવાઇ રહી છે. છેલ્લા ચાર થી પાંચ વર્ષમાં સંગઠનમાં જે રીતે સ્પ્રીંગ દબાવી રાખવામાં આવી હતી તે હવે ઉછળી હોવાની પણ ચર્ચા છે. છેક ગાંધીનગર સુધી પ્રમુખનું લોબીંગ પહોંચી ગયું છે. ભૂતકાળમાં ભાગ્યે જ જોવા મળતા હતા તેવા દ્રશ્યો હવે જિલ્લા અને મહાનગરના કાર્યાલયોમાં જોવા મળી રહ્યા છે. આગામી એક કે બે દિવસમાં ગુજરાત ભાજપની કૌર કમિટિની બેઠક મળશે અને તેમાં પ્રમુખની પસંદગી જાહેર થશે તેવા સંકેત છે. પક્ષના સુત્રોના જણાવ્યા મુજબ ભાજપે આ રીતે સંગઠનના હોદેદારોમાં ‘લોકશાહી’ પધ્ધતિ અમલમાં મુકવા જતાં હાથેકરીને શુળ ઉભું કર્યું છે અને હવે બધા જુથોને રાજી રાખી શકે તેવા ચહેરા શોધવાની કવાયત કરવી પડશે અથવા તો રાજ્યમાં જે રીતે પાટિલ કાળમાં સંગઠનને એક ચાબુકથી ચલાવાયું તેવા વ્યકિતની શોધ પ્રદેશ પ્રમુખ તરીકે કરવી પડશે તે ચર્ચા પણ જોર પકડી રહી છે.