અમદાવાદ
અમદાવાદના પોશ વિસ્તારમાં એસ. જી. હાઇવે પર આવેલા પેલેડિયમ મોલ ખાતે ગત શુક્રવારે લુખ્ખાઓએ જાહેરમાં તલવારો વડે આતંક મચાવ્યો હતો અને વાહનોમાં તોડફોડ કરીને હુમલો કર્યો હતો. સમગ્ર ઘટના મામલે વસ્ત્રાપુર પોલીસે 8 આરોપીની ધરપકડ કરી હતી અને આજે બુધવારે આરોપીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું. જ્યારે અન્ય 4 ફરાર આરોપીની પોલીસ શોધખોળ કરી રહી છે. અમદાવાદના એસ. જી. હાઇવે પર આવેલા પેલેડિયમ મોલ પાસે અસામાજિક તત્ત્વોએ તલવાર અને લાકડીઓ સહિતના હથિયાર વડે જાહેરમાં આતંક મચાવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા મિહિર દેસાઈ, પ્રિન્સ જાંગીડ, જીગર ઉર્ફે જીગ્નેશ દેસાઈ, પવન ઠાકોર, કૈલાશ દરજી, રોહિત વણઝારા, પ્રેમ ભાટી અને દિનેશ વણઝારા નામના 8 આરોપીની ધરપકડ કરી.
આજે બુધવારે વસ્ત્રાપુર પોલીસે પેલેડિયમ મોલ પાસે ધમાલ કરનારા 8 આરોપીઓનું જાહેરમાં સરઘાસ કાઢ્યું હતું. જ્યારે હજુ 4 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. પોલીસ ફરિયાદ મુજબ, તલવાર વડે હુમલો કરનારા શખ્સો ફોર્ચ્યુનર, ક્રેટા અને સ્કોર્પિયોમાં આવીને પેલેડિયમ મોલ પાસે ઊભા રહેલા વિજય ભરવાડ નામના શખ્સ સહિત તેના મિત્રોને નિશાનો બનાવ્યો હતો. જેમાં આરોપી પ્રિન્સ અને મિહિર દેસાઈ સહિતના હુમલાખોરોએ પીડિતો પર તલવારો અને લાકડીઓથી હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સમગ્ર ઘટનામાં વિજય ભરવાડને પીઠના ભાગે ઇજા પહોંચી હતી. જયારે અન્ય કેટલાક શખ્સો પણ ઈજાગ્રસ્ત થયા હતા. સમગ્ર ઘટના મામલે હુમલામાં ભોગ બનનારા શખ્સે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.