ગાંધીનગર
“મોબાઇલ મેડિકલ વાન” યોજના થકી માસિક સરેરાશ ૨૦૦૦થી વધુ પ્રતિવાન શ્રમયોગીઓની તબીબી તપાસ અને સારવાર કરવામાં આવે છે. અત્યાર સુધીમાં કુલ ૩૧ લાખથી વધુ શ્રમયોગીઓ અને તેમના આશ્રિતોએ આ યોજનાનો લાભ લીધો છે. કોરોના મહામારી દરમિયાન મોબાઇલ મેડિકલ વાન દ્વારા રાજ્યના તમામ નાગરિકોના હિતાર્થે જરૂરી ટેસ્ટ તેમજ દવાઓનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું,
શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે રાજ્યના સંગઠિત ક્ષેત્રના શ્રમયોગી પરિવારોની તબીબી સુરક્ષા માટે ગુજરાત સરકારે “મોબાઇલ મેડિકલ વાન” યોજના શરૂ કરી શ્રમિકોના સ્વાસ્થ્ય માટે નવી કેડી કંડારી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં હાલમાં કાર્યરત ૨૪ મોબાઇલ મેડિકલ વાન દ્વારા વાર્ષિક ૬ લાખથી વધુ શ્રમયોગીઓ અને તેમના આશ્રિતોને વિનામૂલ્યે પ્રાથમિક તબીબી તપાસ-સારવાર આપવામાં આવી રહી છે. જેમાં બ્લડ ટેસ્ટ, પ્રેગ્નન્સી ટેસ્ટ, હિમોગ્લોબીન, લેબોરેટરી તપાસ, ડાયાબીટીસ, બ્લડ કાઉન્ટ જેવી વિવિધ તપાસ-સારવારનો સમાવેશ કરાયો છે. જેમાં તપાસ દરમિયાન વધુ સારવાર લેવાની થાય તો શ્રમયોગી નજીકની સરકારી હોસ્પિટલમાં જઇને સારવાર મેળવી શકે છે.
મંત્રી બલવંતસિંહ રાજપુતે કહ્યું હતું કે, ગુજરાતના દરેક સંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓને આરોગ્યનું કવચ પૂરું પાડવું એ રાજ્ય સરકારનો મુખ્ય ધ્યેય છે. શ્રમયોગી કલ્યાણ બોર્ડના માધ્યમથી રાજ્યના વધુમાં વધુ શ્રમયોગીઓને “મોબાઇલ મેડિકલ વાન” યોજનાનો લાભ પહોચાડવા માટે આગામી સમયમાં જરૂરિયાત અનુસાર વધુ મોબાઇલ મેડિકલ વાન શરૂ કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. શ્રમયોગી પરિવારોને વિનામૂલ્યે પ્રાથમિક તબીબી તપાસ, સારવાર અને જરૂરિયાત મુજબની દવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર તરફથી ૧૦૦ ટકા સબસિડી ચૂકવવામાં આવે છે. આ મોબાઇલ મેડિકલ વાન હાલમાં અમદાવાદ, મહેસાણા, સુરત, હિંમતનગર, ગાંધીનગર, જૂનાગઢ, વાપી, વડોદરા, આણંદ-ખેડા, ગાંધીધામ, ભાવનગર, મોરબી, વલસાડ, વાપી, નવસારી તથા રાજકોટ તેમજ આજુબાજુની જીઆઇડીસીમાં કાર્યરત છે. આ યોજનાની સફળતા જોતા હાલમાં ૨૪ મોબાઈલ મેડિકલ વાન ઉપરાંત વધુ ૬ મેડિકલ વાન થકી વધુમાં વધુ શ્રમયોગીઓ અને તેમના આશ્રિતોને યોજનાનો લાભ આપવામાં આવશે.
યોજનાની જરૂરિયાત કેમ?
રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાંથી રોજગારી માટે અનેક શ્રમયોગી પરિવારો શહેરોમાં આવીને વસવાટ કરે છે. શહેરોમાં વસતા ગીચ વસવાટના કારણે આ શ્રમયોગીઓને કેટલીક વખત આરોગ્યલક્ષી પ્રાથમિક સુવિધાઓનો અભાવ રહે છે, જેના કારણે તેઓ અનેક રોગોના ભોગ બનતા હોય છે. જે અંતર્ગત શ્રમયોગીઓ અને તેમના આશ્રિતો તંદુરસ્ત રહીને વધુ કામ કરી શકે એવા શુભ આશય સાથે ગુજરાતમાં વર્ષ ૨૦૧૫-૧૬માં “મોબાઇલ મેડિકલ વાન યોજના” શરૂ કરવામાં આવી હતી.