પૂણે (મહારાષ્ટ્ર)
ઠંડીના વધતાં જતાં જોર વચ્ચે મહારાષ્ટ્રના પૂણેથી એક રહસ્યમય બીમારી સામે આવી છે જેની ઝપટમાં અત્યાર સુધીમાં 73 લોકો આવ્યા છે. આ બીમારી નવજાત શિશુઓને ભરડામાં લઈ રહી છે ત્યારે મહારાષ્ટ્ર સરકારે આ બીમારીને લઈને એલર્ટ જાહેર કર્યું છે અને એ વાત કેન્દ્ર સરકાર સુધી પહોંચી છે. એવું કહેવાઈ રહ્યું છે કે આ બીમારી ગુલેન બેર સિન્ડ્રોમ છે, આ સિન્ડ્રોમ વ્યક્તિના ઇમ્યુન સિસ્ટમને નિશાન બનાવે છે, જો કે રાહતના સમાચાર એ છે કે આ બીમારીનું નિદાન શક્ય છે. મળતી માહિતી અનુસાર પુણેમાં દર મહિને એક કે બે GBS દર્દીઓ નોંધાય છે. પરંતુ છેલ્લા એક અઠવાડિયામાં, GBSના 14 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવા પડ્યા. આ પછી, મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગ એલર્ટ થઈ ગયો અને સર્વે શરૂ કરવામાં આવ્યો. લોકોમાં જાગૃતિ પણ ફેલાવવામાં આવી. બે દિવસમાં, મ્યુનિસિપલ અને જિલ્લા આરોગ્ય કર્મચારીઓએ લગભગ 7,200 ઘરોનો સર્વે કર્યો. જીબીએસના લક્ષણોમાં હાથપગ સુન્ન થઈ જવું અને લાંબા સમય સુધી ઝાડા થવા વગેરે છે.
નિષ્ણાતો કહે છે કે કેમ્પાયલોબેક્ટર જેજુની નામના રોગકારક બેક્ટેરિયા GBS માટે જવાબદાર છે. આ રોગ લોકોની રોગપ્રતિકારક શક્તિ પર હુમલો કરે છે. વિવિધ હોસ્પિટલોમાં દર્દીઓના મળ પરીક્ષણોમાં પણ આ જ બેક્ટેરિયા મળી આવ્યા છે. દર્દીઓમાં આઠ વર્ષનો બાળક અને એક નવજાત શિશુનો પણ સમાવેશ થાય છે, તેથી ડોક્ટરોની ચિંતા પણ વધી ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સેન્ટ્રલ સર્વેલન્સ યુનિટ (CSU) એ પૂણેમાં GBS ના વધતા જતા કેસોની નોંધ લીધી છે. સ્થાનિક અધિકારીઓની મદદ માટે ડોકટરોની એક ટીમ પૂણે મોકલવામાં આવી રહી છે. સારવાર માટે વિવિધ હોસ્પિટલો તૈયાર કરવામાં આવી રહી છે. કુલ 73 દર્દીઓમાંથી 44 દર્દીઓ પૂણે ગ્રામ્યના છે. જ્યારે, 11 પૂણે કોર્પોરેશન વિસ્તારના રહેવાસીઓ છે અને 15 પિંપરી-ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશન પટ્ટાના રહેવાસીઓ છે. સૌથી વધુ દર્દીઓમાં, કિરકીટવાડીના 14 ડીએસકે વિશ્વાના 8 નાંદેડ શહેરના 7 ખડકવાસલાના 6 દર્દીઓનો સમાવેશ થાય છે. દર્દીઓની ઉંમર વિશે વાત કરીએ તો, ત્રણ દર્દીઓ પાંચ વર્ષથી ઓછી ઉંમરના, 18 દર્દીઓ 6 થી 15 વર્ષની વચ્ચેના અને 7 દર્દીઓ 60 વર્ષથી વધુ ઉંમરના છે.
