પંકજ જોષીએ રાજ્યના મુખ્ય સચિવ તરીકે ચાર્જ સંભાળ્યો

Spread the love

 

પંકજ જોષી, રાજ્યના મુખ્ય સચિવ.

ગાંધીનગર

રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમાર આજે (31 જાન્યુઆરી) શુક્રવારે વયનિવૃત્ત થઈ રહ્યા છે. આ પૂર્વે રાજ્ય સરકારે તેમના પછી સિનિયોરિટીમાં ત્વરીત આવતા મુખ્યમંત્રી કાર્યાલયના અધિક મુખ્ય સચિવ પંકજ જોષીને નવા ચીફ સેક્રેટરી તરીકે નિયુક્ત કરતો હુકમ કર્યો હતો. આથી આજે સાંજથી જ રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે પંકજ જોષીએ સાર્જ સંભાળ્યો છે. સરકારના સચિવો તરફથી નિવૃત્ત થઈ રહેલા મુખ્ય સચિવ રાજ કુમારને વિદાયમાન આપવા માટે એક વિશેષ સમારોહનું આયોજન કર્યું છે. આ પહેલાં બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી સહિત મંત્રીઓએ રાજ કુમારને ફેરવેલની શુભેચ્છા પાઠવી હતી.

રાજ્યના મુખ્ય સચિવ તરીકે ચાર્જ સંભાળતા પંકજ જોષીએ જણાવ્યું કે, રાજ્ય તમામ દ્રષ્ટિએ અગ્રેસર રહેલ છે. ઈઝ અ ડુઈંગ બિઝનેસ, લોજિકલ ઈન્ડેક્સ, કાયદો અને વ્યવસ્થા, પ્રવાસન, FDI ઈન્વેસ્ટમેન્ટ, ઔદ્યોગિકરણ દરેક ક્ષેત્રે ગુજરાત રાજ્ય અગ્રેસર રહેલ છે. ગુજરાત રાજ્ય એક ગ્રોથ એન્જિન ઓફ ઈન્ડિયા તરીકે ઓળખાય છે. છેલ્લા બેથી અઢી દાયકામાં રાજ્યમાં ખૂબ જ ઝડપી વિકાસ થયો છે. આવનારા સમયમાં પણ ઝડપથી વિકાસ થાય એ માટે ગુજરાતનો વિકાસ એ અમારી પ્રાથમિકતા રહેશે. ગુજરાત અન્ય રાજ્યની સરખામણીમાં વિકસિત રાજ્ય છે. ગુજરાત અન્ય રાજ્યથી આગળ છે. ગુજરાતને ગ્રોથ એન્જિન તરીકે જોવામાં આવે છે. ગુજરાતમાં જે વિકાસ થયો છે, જે વિકાસની ગતિ આવી તે પ્રમાણે આવનારા સમયમાં પણ વિકાસ થાય તે મારી પ્રાથમિકતા રહેશે. વિકસિત ગુજરાત અને આત્મનિર્ભર ગુજરાતના આ વિઝનને પૂર્ણ કરવા માટે હું ખૂબ પ્રયત્ન કરીશ. આજે હું સિફ સેક્રેટરી રાજ્યનો બની રહ્યો છું તો તમામ વર્ગના લોકોને સાથે લઈને અને ટીમ ગુજરાતની ભાવના સાથે કામ કરતો રહીશ.

રાજ્યના નિવૃત ચીફ સેક્રેટરી રાજકુમારે સેવા નિવૃત્તિના અંતિમ દિવસે ગુજરાતની 30 વર્ષના સેવાના સંસ્મરણો વાગોળતા જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ અને ચિંતન શિબિર, જી-20 જેવા કાર્યક્રમો થકી ગુજરાતની પ્રગતિ થઈ છે. રાજ્યમાં ચાલી રહેલા મોટા નવા પ્રોજેક્ટ આવનારા બે વર્ષમાં પૂર્ણ થશે. રોજગારી માટે મોટો પ્રશ્ન હતો. પરીક્ષામાં ગેરરીતિ, પેપરલીક સહિતના પ્રશ્નો હલ કર્યા છે. 10 હજાર જેટલા લોકોને રોજગાર મળ્યો છે. પંકજ જોષી મારી સાથેના અધિકારી છે. હું તેમની કામગીરીથી વાકેફ છું, તે ખૂબ સારા છે. 1989 બેચના આઈએએસ પંકજ જોષી મુખ્યમંત્રી કાર્યાલય ઉપરાંત બંદરો અને વાહન વ્યવહાર વિભાગના સચિવનો હવાલો પણ ધરાવે છે. હવે તેઓ મુખ્ય સચિવ બનતા તેમની પાસે રહેલો પોર્ટ અને ટ્રાન્સપોર્ટ વિભાગ અન્ય અધિકારીને કામચલાઉ હવાલા તરીકે સોંપવામાં આવશે.

આ ઉપરાંત મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ એક સચિવ કક્ષાના અધિકારીની જગ્યા ખાલી પડશે. આ જગ્યા પર વર્તમાન મુખ્ય ટેક્સ કમિશનર રાજીવ ટોપનોની નિયુક્તિ થઈ શકે તેવી ચર્ચા ચાલી રહી છે. જો કે આગામી 20 ફેબ્રુઆરીએ રાજ્ય સરકાર પોતાનું વાર્ષિક અંદાજપત્ર રજૂ કરવાની હોવાથી તેટલા સમય માટે આ નિયુક્તિ કરાશે નહીં તેવું સચિવાલયના સૂત્રો જણાવે છે. આ ઉપરાંત રાજ્યમાં જાહેર થયેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં યોજાનારી ચૂંટણીઓને કારણે જિલ્લા કક્ષાએ કલેક્ટરો અને ડીડીઓની બદલીઓના હુકમો અટક્યા છે. સરકાર બજેટની જાહેરાત કરે તે પછી આ બદલીઓના હુકમો માર્ચ મહિના સુધીમાં થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *