ધરમપુરની ગ્રામ વિદ્યાપીઠમાં ભરતીમાં ગોટાળો : યુવરાજસિંહના આક્ષેપો

Spread the love

ધરમપુર

ધરમપુરની ગ્રામ વિદ્યાપીઠમાં સિનિયર ક્લાર્કની ભરતીમાં ગોટાળો થયાનો આરોપ લગાવાયો છે. સિનિયર ક્લાર્કની પરીક્ષામાં એક ઉમેદવારને 210માંથી 210 માર્ક આવ્યા હતા. નેગેટિવ માર્કિંગ છતાં ખોટા જવાબમાં પણ પૂરા માર્ક્સ આપવામાં આવ્યા હોવાનો આક્ષેપો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે કર્યો છે. તેમણે આ ઉમેદવારની પરીક્ષા પહેલાં અને પછીના CDR ચેક કરવાની માગણી કરી છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી-સુરત સંલગ્ન ગ્રામસેવા સભા ધરમપુર સંચાલિત વનસેવા મહાવિદ્યાલય BRS કોલેજ, બીલપૂડી ધરમપુરની ગ્રામ વિદ્યાપીઠમાં બિનશૈક્ષણિક સંવર્ગ માટે સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી સિનિયર ક્લાર્ક જગ્યાની ભરતી કરવા પરીક્ષા યોજાઈ હતી. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ગંભીર આક્ષેપો કરી પરીક્ષામાં 210માંથી 210 ગુણ હાંસલ કરનાર શંકાસ્પદ ઉમેદવારની પરીક્ષા પહેલાં અને પછીનાં CDR ચેક કરવાની માગણી કરાઈ છે.  આજે ગાંધીનગરમાં વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે મીડિયાને જણાવ્યું હતું કે સ્પર્ધાત્મક પરીક્ષાના આજે એક આઠમી અજાયબી વિશે વાત કરવી છે. હવે આને દુનિયાની આઠમી અજાયબી કહેવું કે વર્તમાન સમયના આલ્બર્ટ આઈન્સ્ટાઈન એ નક્કી તમારે કરવાનું છે. યુવરાજ સિંહે વધમાં જણાવ્યું, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી-સુરત સંલગ્ન ગ્રામસેવા સભા ધરમપુર સંચાલિત વનસેવા મહાવિદ્યાલય BRS કોલેજ, બીલપૂડી ધરમપુરની ગ્રામ વિદ્યાપીઠમાં બિનશૈક્ષણિક સંવર્ગ માટે સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી સિનિયર ક્લાર્ક જગ્યા માટે ભરતીનું આયોજન થયું હતું, જેમાં સિનિયર ક્લાર્કની એક જગ્યા માટે 63 ઉમેદવારો નોંધાયા હતા. BRS કોલેજ બીલપૂડી (ધરમપુર) ખાતે 32 ઉમેદવારે પરીક્ષા આપી હતી. આ પરીક્ષા OMR-CPT લેવાઈ હતી, જેની OMR સીટ પ્રસિદ્ધ થઈ હતી.

તેમણ વધુમાં જણાવ્યું હતું કે જેનું અમારી ટીમ દ્વારા વિષ્લેષણ કરતાં જાણવા મળ્યું કે બેઠક ક્રમાંક S-0041ના ઉમેદવાર પરમાર જયદીપસિંહ રાજેન્દ્રસિંહ નામના હોનહાર ઉમેદવારને આન્સર કી પ્રમાણે 210માંથી 210 ગુણ પ્રાપ્ત થયા છે. અજીબ વાત તો એ છે કે આન્સર કી પ્રમાણે ઉમેદવારનાં બધા જ 210 પ્રશ્નો સાચા પડે છે. એમાંય આન્સર-કીમાં અમુક પ્રશ્નોના જવાબ / વિકલ્પમાં ભૂલ છે તોય આ ઉમેદવારે આન્સર કી પ્રમાણે જ જવાબ આપ્યા છે. આ ઉમેદવારે 210માંથી 210 ગુણ મેળવ્યા એટલે તેને વર્તમાન આલ્બર્ટ આઈન્સ્ટાઈન કહેવામાં કંઈ જ ખોટું નથી.  વધુમાં યુવરાજસિંહે ઉમેર્યું કે અમુક પ્રશ્નો તો એટલા સરળ કે ધોરણ 6થી 8ના પાઠ્યપુસ્તકમાંથી હતા, પરંતુ ચોંકાવનારી વાત એ છે કે પેપર સેટર દ્વારા રજૂ કરેલા આન્સર કીમાં પણ એના જવાબ ખોટા આપવામાં આવ્યા અને ઉમેદવારે પણ એ જ જવાબ ટિક કરેલા હતા! આ કેવો સંયોગ ? ઉદાહરણ તરીકે મોઢેરાનું સૂર્યમંદિર કોણે બંધાવ્યું? જેનો સાચો જવાબ ભીમદેવ પહેલો આવે, પરંતુ ઉમેદવાર જયદીપસિંહે કુમારપાળ ટિક કરેલું અને આન્સર કી સેટરે પણ કુમારપાળ કરેલું છે. આમ, કોમ્પ્યુટરના પ્રશ્નોમાં પણ અઢળક ભૂલો જોવા મળી હતી, પરંતુ જયદીપસિંહ દ્વારા જે પ્રશ્નોના જવાબ ટિક કરવામાં આવ્યા એજ જવાબ આન્સર-કીમાં આપેલા જોવા મળે છે. આવું 16 જેટલા પ્રશ્નોમાં બન્યું છે. યુવરાજસિંહે જણાવ્યું, આટલો ટેલેન્ટેડ ઉમેદવાર OMRના સીટ નંબર ભરવામાં ભૂલ કરે અને અને નિરીક્ષક દ્વારા બીજી OMR સીટ આપવામાં આવી હતી. એ પણ એક શંકા પ્રેરે છે કે આટલો હોનહાર વિદ્યાર્થી OMRના સીટ નંબર ભરવામાં કેવી રીતે ભૂલ કરી શકે, જેથી શંકાના આધારે અમે આ ઉમેદવારનાં છેલ્લાં 5 વર્ષના તમામ સ્પર્ધાત્મક પરીક્ષાનાં તમામ રિઝલ્ટ તપાસ્યાં, કેમ કે આટલા હોનહાર અને હોશિયાર ઉમેદવારે ક્યારેક અન્ય પરીક્ષા તો પાસ કરી જ હશે, પરંતુ UPSC, GPSC સહિતની પરીક્ષાનાં પરિણામો તપાસ્યાં, પરંતુ જયદીપસિંહ રાજેન્દ્રસિંહ પરમારનું નામ ક્યાંય જોવા જ ન મળ્યું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઉક્ત કિસ્સામાં ઉમેદવારના પિતા પૂર્વ કોર્પોરેટર રહી ચૂક્યા છે, જેથી ક્યાંય ખોટું થયાની શંકા છે, કેમ કે CPT પરીક્ષા રદ કરીને માત્ર પ્રીલિમના 210 ગુણના આધારે જ પરિણામ જાહેર કરાયું હતું. અમારી માગણી છે કે ઉક્ત ભરતીની SIT દ્વારા તપાસ કરાય, શંકાસ્પદ OMR ને FSL મોકલી પરીક્ષા દરમિયાનના તમામ CCTV રેકોર્ડિંગને જાહેર જનતા સમક્ષ મૂકવામાં આવે તેમજ જયદીપસિંહ રાજેન્દ્રસિંહ પરમાર સહિત અન્ય શંકાસ્પદ ઉમેદવારની પરીક્ષા પહેલાંના અને ત્યાર બાદના CDR રિપોર્ટ તપાસ કરવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *