મહિલા પર ગામના એક યુવક સાથે પ્રેમસંબંધ હોવાનો આરોપ મૂકી 15 લોકોના ટોળાએ તેને નિર્વસ્ત્ર કરી ઢોર માર મારી અને બાઇક પાછળ સાંકળથી બાંધી રોડ પર ઢસડી

દાહોદ
માનવતાની તમામ હદ પાર કરતો કિસ્સો ગુજરાતના જ દાહોદમાં સામે આવ્યો છે. ઘટના એવી છે કે, સંજેલી તાલુકાના એક ગામમાં મહિલા સાથે | બર્બરતા આચરવામાં આવી છે. 35 વર્ષની મહિલા પર ગ્રામજનોએ જ અમાનુષી અત્યાચાર ગુજાર્યો છે. મહિલા પર ગામના એક યુવક સાથે પ્રેમસંબંધ હોવાનો આરોપ મૂકી 15 લોકોના ટોળાએ તેને નિર્વસ્ત્ર કરી ઢોર માર મારી અને બાઇક પાછળ સાંકળથી બાંધી રોડ પર ઢસડી હતી. જેના દૃશ્યો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. પ્રાપ્ત વિગત મુજબ આ ઘટના 28 જાન્યુઆરીની છે, જ્યારે પીડિત મહિલા એક વ્યક્તિના ઘરે હાજર હતી. આ સમયે 15 લોકોના ટોળાએ ગેરકાયદે મંડળી રચી મહિલાને ઘરમાંથી બહાર ખેંચી કાઢી હતી. આરોપીઓએ મહિલાને માર માર્યો હતો અને બાદમાં નિર્વસ્ત્ર કરીને બાઇકના કેરિયર સાથે સાંકળથી બાંધી ગામમાં ફેરવી હતી. આટલું જ નહીં, આરોપીઓએ આ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયા પર વાઇરલ કરી દીધો હતો. વીડિયો વાઇરલ થતાં પોલીસને જાણ થતાં પોલીસ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી હતી. પીડિત મહિલાએ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવતાં પોલીસે 15 પૈકી 12 આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે, જ્યારે અન્ય ત્રણની શોધખોળ ચાલુ છે. આ ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવી દીધી છે. આ અંગે દાહોદ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે, મીડિયાના માધ્યમથી ઘટનાની જાણ થતાં ડિવાયએસપી. સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જ્યાં મહિલાને આરોપીઓએ તેના સસરાના ઘરે ગોંધી રાખી હતી જેનું રેસ્ક્યુ કરાયું હતું. 12 જેટલા આરોપીઓની ત્યારે જ ધરપકડ કરવામાં આવી હતી. જેમાં ચાર પુરુષ, ચાર મહિલા અને ચાર બાળ કિશોર આરોપી છે. જેમની સામે અપહરણ, ગેરકાયદેસર ગોંધી રાખવાનો, મહિલાને માર મારવાનો, તેમની ગરીમાને નુકસાન જાય એ પ્રકારનું કૃત્ય આચરવાનો અને ઇન્ફોરમેશન ટેક્નોલોજી એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હજી ત્રણ આરોપીઓ ફરાર છે, જેમાં એક પુરુષ, એક મહિલા અને એક બાળ કિશોર છે. જેમની શોધખોળ ચાલુ છે.