નવીદિલ્હી
1 ફેબ્રુઆરીએ મોદી સરકારના 3જા કાર્યકાળનું પહેલું પૂર્ણ બજેટ રજૂ થઈ રહ્યું છે. પીએમ મોદીએ બજેટના એક દિવસ પહેલાં સંકેત આપ્યો છે કે આવનારા બજેટમાં શું શું હોઈ શકે છે. તેમણે કહ્યું કે આ ત્રીજા કાર્યકાળનું આ પ્રથમ પૂર્ણ બજેટ 2047 પર કેન્દ્રિત રહેશે. બજેટ સત્રમાં મહિલા શક્તિને પ્રોત્સાહન આપવાના હેતુથી ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવશે. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે અમે મિશન મોડમાં છીએ અને આ સત્રમાં ઘણા મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવશે. મને આશા છે કે આ બજેટ સત્રમાં અમે દેશની આકાંક્ષાઓ પર ખરા ઉતરીશું. પીએમ મોદીની આ વાત પરથી લાગી રહ્યું છે આગામી બજેટમાં ઘણી મોટી અને નવી જાહેરાતો હશે. પીએમ મોદીએ તેમના ભાષણમાં મા લક્ષ્મીનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે ગરીબો પર મા લક્ષ્મીની કૃપા ઉતરવાની છે. ભાષણમાં મીડલ ક્લાસનો ઉલ્લેખ કરીને પીએમ મોદીએ ઈશારામાં ઈશારામાં કહી દીધું છે કે બજેટમાં ઈન્કમ ટેક્સમાં રાહત મળી શકે છે. નાણા પ્રધાન નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરવાના મામલે પૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઈને નજીક પહોંચ્યાં છે. મોરારજી દેસાઈએ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને બાદમાં વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના કાર્યકાળ દરમિયાન નાણામંત્રી તરીકે કુલ 10 બજેટ રજૂ કર્યા છે. સીતારમણને 2019 માં ભારતની પ્રથમ પૂર્ણ-સમયની મહિલા નાણામંત્રી બનાવવામાં આવી હતી. ત્યારથી સીતારમણે સાત બજેટ રજૂ કર્યા છે. ભૂતપૂર્વ નાણા પ્રધાન પી ચિદમ્બરમે નવ બજેટ રજૂ કર્યા હતા અને પ્રણવ મુખર્જીએ નાણા પ્રધાન તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન આઠ બજેટ રજૂ કર્યા હતા.
