અમદાવાદ
18 જાન્યુઆરી 2024ના હરણી-મોટનાથ હોડી દુર્ઘટનામાં 12 બાળક અને 2 શિક્ષિકાનાં મોત થયાં હતાં, ત્યારે આ દુર્ઘટનાના મૃતકોને લઈ 1 વર્ષ અને 20 દિવસ બાદ વળતર જાહેર કરવામાં આવ્યું છે. વડોદરા સિટી નાયબ કલેક્ટર વી.કે. સાંભડ દ્વારા વળતરની જાહેરાત કરાઈ છે. 12 બાળકમાં પ્રત્યેક મૃતક બાળકના પરિવારને 31,75,700 રૂપિયાનું વળતર જાહેર કર્યું છે. જ્યારે મૃતક શિક્ષિકા છાયાબેન સુરતીના પરિવારને 11,21,900નું વળતર અને મૃતક ફાલ્ગુની પટેલના પરિવારને 16,68,029નું વળતર જાહેર કર્યું છે. ગુજરાત હાઈકોર્ટમાં ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેંચ સમક્ષ વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે સુઓમોટો પિટિશન પર સુનાવણી ચાલી રહી છે, જેમાં વર્તમાનમાં આ દુર્ઘટનામાં પીડિતોને વળતર ચૂકવવા પર ચર્ચા ચાલી રહી છે. છેલ્લે હાઈકોર્ટે MACPની જોગવાઈ મુજબ વડોદરા જિલ્લા કલેક્ટરને ગણતરી કરીને મૃતકો તેમજ ઈજાગ્રસ્તોના પરિવારને કોટિયા પ્રોજેક્ટ દ્વારા ચૂકવવાપાત્ર થતી રકમ નક્કી કરવા માટે હુકમ કર્યો હતો.
એમાં આજે સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે પીડિતો અને કોટિયા પ્રોજેક્ટ એમ બંને પક્ષોને સાંભળ્યા બાદ વળતર નક્કી કરવામાં આવ્યું છે. મૃતકોમાં 12 બાળક અને 2 શિક્ષિકા છે. જ્યારે 2 ઘાયલોનો પણ સમાવેશ થાય છે. MACP મુજબ ગણતરી કરતાં મૃતક બાળકદીઠ 31,75,700 લાખ, બે શિક્ષિકામાંથી એક શિક્ષિકાના પરિવારને 11,21,900 લાખ, જ્યારે અન્ય શિક્ષિકાના પરિવારને 16,68,029 લાખ તેમજ બે ઘાયલને 50-50 હજાર રૂપિયા વળતર જિલ્લા કલેક્ટરે નક્કી કર્યું છે. આ વળતર કોટિયા પ્રોજેક્ટ દ્વારા ચૂકવવાપાત્ર છે, જેમાં જાહેરહિતની અરજી દાખલ થઈ ત્યારથી લઈને વળતર ચૂકવાય તેના સમયગાળામાં વાર્ષિક 9 ટકા વ્યાજ સાથે વળતર આપવા આદેશ કર્યો છે. આ મામલે વધુ સુનાવણી આગામી સમયમાં યોજાશે. ઉલ્લેખનીય છે કે કોટિયા પ્રોજેક્ટ તરફથી રજૂઆત થઈ હતી કે તેમને કલેક્ટરની એફિડેવિટની કોપી મળી નથી. બીજી તરફ ગુજરાત હાઈકોર્ટમાં પીડિતો માટે જાહેરહિતની અરજીમાં વળતરની માગ કરનારા પીડિતોના વકીલ ઉત્કર્ષ દવેએ જણાવ્યું હતું કે આ વળતર માત્ર કોટિયા પ્રોજેક્ટ તરફથી ચૂકવવાપાત્ર છે. ન્યૂ સનરાઈઝ સ્કૂલ તરફથી પણ આટલું જ વળતર ચૂકવવા પાત્ર છે. આમ, મૃતકદીઠ કુલ 60 લાખ જેટલું વળતર મળવું જોઈએ. ઉલ્લેખનીય છે કે ઉત્કર્ષ દવે મોરબી બ્રિજ દુર્ઘટનામાં પણ પીડિતોના વકીલ છે. તેમના પ્રયાસોથી મોરબીના પીડિતોનું વળતર પણ નક્કી થઈ રહ્યું છે.