ગાંધીનગર
ગાંધીનગરમાં દિવસના સમયે ચેઇન સ્નેચિંગની ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાંદેસણ વિસ્તારમાં એક્ટિવા પર દીકરી સાથે જઈ રહેલા 69 વર્ષીય વૃદ્ધાના ગળામાંથી બે બાઈક સવારો 5.42 લાખની કિંમતનું સોનાનું મંગળસૂત્ર લૂંટી ફરાર થઈ ગયા છે. બાલમુકુંદ રીફલેકટ ફ્લેટમાં રહેતા નિરજા મુરલીધરન તેમની પુનાથી આવેલી દીકરી રેશ્મા સંતોષ પાંડા સાથે શુક્રવારે સાંજે 5:30 વાગ્યે કુડાસણમાં ખરીદી માટે એક્ટિવા પર નીકળ્યા હતા. રેશ્મા એક્ટિવા ચલાવી રહી હતી અને નિરજાબેન પાછળ બેઠા હતા. પ્રતિષ્ઠા હાઈટ્સ સોસાયટી પાસેથી પસાર થતી વખતે અચાનક બાઈક પર આવેલા બે શખ્સોએ નિરજાબેનના ગળામાંથી સાત તોલા વજનનું સોનાનું મંગળસૂત્ર ખેંચી લીધું અને પળવારમાં ફરાર થઈ ગયા. ઘટનાની જાણ થતાં ઈન્ફોસિટી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે આરોપીઓની શોધખોળ માટે આસપાસના વિસ્તારોમાં તપાસ શરૂ કરી છે અને સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી રહી છે. આ ઘટનાએ વિસ્તારમાં ચિંતાનો માહોલ ઊભો કર્યો છે, કારણ કે ભરચક વિસ્તારમાં થયેલી આ લૂંટ સ્થાનિક રહેવાસીઓની સુરક્ષા અંગે પ્રશ્નો ઉભા કરે છે.