ગાંધીનગર
ગાંધીનગરના રાયસણ વિસ્તારમાં પીડીપીયુ નજીક આવેલી પ્રાઈવેટ હોસ્ટેલમાં ફૂડ પોઈઝનની ગંભીર ઘટના સામે આવી છે. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓએ ચાઈનિઝ ભોજન કર્યા બાદ 20થી વધુ યુવક-યુવતીઓને ફૂડ પોઈઝનની અસર થઈ છે. આ હોસ્ટેલમાં કુલ 200થી વધુ વિદ્યાર્થીઓ રહે છે, જેથી અસરગ્રસ્તોની સંખ્યા વધવાની શક્યતા છે. બે દિવસ પહેલા હોસ્ટેલમાં મંચુરિયન અને નૂડલ્સ જેવી ચાઈનિઝ વાનગીઓ બનાવવામાં આવી હતી. ભોજન બાદ વિદ્યાર્થીઓને પેટમાં દુખાવો શરૂ થયો હતો, જેના કારણે કેટલાક વિદ્યાર્થીઓએ દવા લીધી હતી. પરંતુ દવાની અસર થવાને બદલે બીજા દિવસે ઝાડા-ઉલટી શરૂ થયા હતા. ગાંધીનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની બે ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને અસરગ્રસ્તોની સારવાર શરૂ કરી દીધી છે. આરોગ્ય અધિકારી ડૉ. કલ્પેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, ચાઈનિઝ વાનગીઓમાં વપરાયેલા સોસ કે અન્ય સામગ્રીના કારણે ફૂડ પોઈઝનની અસર થઈ હોવાની શક્યતા છે. આરોગ્ય વિભાગે પાણી અને ખાદ્ય પદાર્થોના નમૂના લેબ ટેસ્ટિંગ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે.