રાજકોટ
શહેરમાં શુક્રવાર કાળો કલ્પાંત કરાવતો સાબિત થયો હતો. એક જ રાતમાં ૧૭ લોકોના અલગ અલગ કારણોસર મૃત્યુ થતાં પીડીયુ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે મૃતદેહના ઢગલા થયા હતાં. રાતભર તબિબ અને તેમની ટીમને પોસ્ટમોર્ટમ કરવા પડયા હતાં. હતભાગી મૃતકોના પરિવારજનોમાં કાળો કલ્પાંત સર્જાયો હતો. અલગ અલગ ઘટનામાં કોઇએ આપઘાત કર્યો હતો તો કોઇનું વાહન અકસ્માતમાં મૃત્યુ થયું હતું. કેટલાકના હૃદય બેસી જવાથી જીવ ગયા હતાં, તો કોઇને બિમારી ભરખી ગઇ હતી. એક મહિલાનું પ્રસુતિની પીડા ઉપડયા બાદ મૃત્યુ થયું હતું. હાર્ટએટેકની છ જેટલી ઘટનામાં એક મહિલાનો પણ સમાવેશ થયો હતો. આ તમામ મૃતકોના પરિવારજનો પોસ્ટમોર્ટમ રૂમ ખાતે શોકમાં ગરક થઇ ગયા હતાં.
જાણવા મળ્યા મુજબ કુવાડવા રોડ પર ડી માર્ટ પાછળ વેલનાથપરા પાસે લોકમાન્ય તીલક ટાઉનશીપમાં એ વીંગમાં સાતમા માળે રહેતાં હરદેવભાઈ સુરેશભાઇ પરમાર (ઉ.વ.33) નામના યુવાને રાતે સાતમા માળેથી છલાંગ મારી દેતાં ઘટનાસ્થળે જ મોત થયું હતું. ૧૦૮ના તબિબે તેને મૃત જાહેર કરતાં બી-ડિવીઝનના પીએસઆઇ એસ. એસ. શ્યોરાએ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર હરદેવભાઈ ત્રણ ભાઇમાં વચેટ હતો. તેને સંતાનમાં એક પુત્ર છે. પોતે રિક્ષા હંકારી ગુજરાન ચલાવતો હતો. ગૃહકલેશને કારણે આ પગલુ ભર્યાનું પરિવારજનોએ કહ્યું હતું.
બીજા બનાવમાં મોરબીમાં નવલખી રોડ કુબેરનગર-૧માં રહેતાં જયંતિભાઇ છગનભાઇ ટાંક (ઉ.વ.૬૫) રાજકોટ વાલકેશ્વર સોસાયટી-૪માં રહેતાં દિકરી જાગૃતિબેન વિશાલભાઇ કાચાના ઘરે આંટો મારવા આવ્યા હોઇ સાંજે પોતાના પ્લેઝર ટુવ્હીલર પર બેસી પરત મોરબી જઇ રહ્યા હતાં ત્યારે કાગદડી પાસે વાહન સ્લીપ થઇ જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃતક લેથમાં મજુરી કરતાં હતાં. સંતાનમાં બે પુત્રી છે. પોતે બે ભાઇ અને બે બહેનમાં નાના હતાં.
ત્રીજા બનાવમાં વઢવાણ રહેતાં હસીનાબેન યુસુફભાઇ પરમાર (ઉ.વ.૪૨) નામના મહિલા ગત ૨૯/૧ના રોજ ફારૂકભાઇની રિક્ષામાં બેસીને જતાં હતાં ત્યારે લીંબડી અને અંકેવાડીયા વચ્ચે રિક્ષા પલ્ટી મારી જતાં ગંભીર ઇજા થતાં લીંબડી સારવાર અપાવી ૧ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. રાતે તેમના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.
ચોથા બનાવમાં રાજસ્થાનના બાડમેરના ડુંગરો કા તલા ખાતે રહેતાં ટ્રકચાલક રૂખારામ ભીખારામ બેનીવાલ (ઉં.વ.૪૫)ને રાજકોટ ગોંડલ હાઇવે પર શાપર નજીક કિશાન પેટ્રોલ પંપ પાસે વાહન અકસ્માતમાં ઇજા થતાં ૧૦૮ મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોડી રાતે મોત થતાં શાપર પોલીસને જાણ કરવામાં આવી હતી. મૃતક ટ્રક ચાલક હતાં અને સંતાનમાં બે પુત્રી તથા એક પુત્ર છે. બનાવથી પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.
પાંચમા બનાવમાં કાલાવડ રોડ લક્ષ્મીના ઢોળા પર રહેતાં મંજુબેન રમેશભાઇ પરમાર (ઉ.વ.૫૩) ઘરે એકાએક બેભાન થઇ ઢળી પડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેઓ જલારામ હોટેલમાં વાસણ સફાઇનું કામ કરી પરિવારને મદદરૂ થતાં હતા. સંતાનમાં બે પુત્ર છે. પતિ રિક્ષા હંકારે છે. હાર્ટએટેક આવી ગયાનું પરિવારજનોએ કહ્યું હતું.
છઠ્ઠા બનાવમાં જામનગર રોડ સ્લમ ક્વાર્ટરમાં રહેતાં આરએમસીના નિવૃત કર્મચારી ધનજીભાઇ ગોવિંદભાઇ વાઘેલા (ઉ.વ.૫૫) રાતે સાડા દસેક વાગ્યે જામનગર રોડ ક્રાઇમ બ્રાંચ પોલીસ સ્ટેશન સામે કનૈયા હોટલ ખાતે ચા પીવા ઉભા હતાં ત્યારે ચા પીતાં પીતાં ઢળી પડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તબિબે મૃત જાહેર કર્યા હતાં. હાર્ટએટેક જીવલેણ નીવડયો હતો. તેઓ બે ભાઇ અને એક બહેનમાં નાના હતાં. સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે.
સાતમા બનાવમાં મોચીબજાર શ્રધ્ધાનંદ હરિજનવાસમાં રહેતાં અને છુટક મજૂરી કરતાં કમલેશભાઇ વિનુભાઇ સોલંકી (ઉ.વ.૪૬) રાતે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ મૃત જાહેર કરાયા હતાં. તેમને પણ હાર્ટએટેક આવી ગયો હતો. તેઓ ચાર બહેન અને ત્રણ ભાઇમાં નાના હતાં.
આઠમા બનાવમાં પારેવડી ચોક સદ્દગુરૂધામ એપાર્ટમેન્ટમાં રહેતાં અને ગાયકવાડીમાં પણ રહેણાંક ધરાવતાં નીતીનભાઇ લક્ષ્મીદાસ કેસરીયા (ઉ.વ.૫૮) રાતે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેઓ બારદાનના વેપારી હતાં. પાંચ ભાઇ અને એક બહેનમાં વચેટ હતાં. હાર્ટએટેક તેમના માટે જીવલેણ સાબીત થયો હતો.
નવમા બનાવમાં રૈયાધાર સરકારી શાળા સામે સ્લમ ક્વાર્ટરમાં રહેતાં વીણાબેન શૈલેષભાઇ ભટ્ટ (ઉ.વ.૪૯)ને કેન્સરની બિમારી હોઇ સારવાર માટે દાખલ રાયા હતાં. અહિ તેમનું મોડી રાતે મૃત્યુ થતાં તબિબે પોલીસ કેસ જાહેર કરતાં પોસ્ટમોર્ટમ કરાયું હતું. મૃતકના પતિ નિવૃત જીવન જીવે છે. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.
દસમા બનાવમાં ઘંટેશ્વર સનરાઇઝ પ્રાઇમ ખાતે રહેતાં ભુમિકાબેન મેહુલભાઇ ઠાકર (ઉ.વ.૩૯) કેન્સરની બિમારીને લીધે બેભાન થઈ જતાં સિવિલ હોસ્પિટલમાં દાલખ કરાયા હતાં. અહિ મોડી રાતે મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેમના પતિ સીએનસી ઓપરેટર તરીકે નોકરી કરે છે. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. યુનિવર્સિટી પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
અગિયારમાં બનાવમાં પારેવડી ચોક ઇઝી બેકરી પાસે ગંગેશ્વર ચોકમાં રેહતાં મુળ બંગાળના નઇમ હુશેનભાઇ ઓરકે (ઉ.વ.૩૨) નામના યુવાને લુગી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં બી-ડિવીઝનના એએસઆઇ કે. વી. ગોહિલે જરૂરી કાર્યવાહી કરી હતી. મુળ બંગાળનો આ યુવાન કંપનીમાં મજૂરી કરતો હતો. કરૂણતા એ છે કે પંદર દિવસ પહેલા જ તેની શાદી થઇ હતી. બે દિવસથી તે ગુમસુમ રહેતો હતો અને આ પગલુ ભરી લીધુ હતું. આપઘાતનું કારણ બહાર આવ્યું નથી
બારમા બનાવમાં ગાંધીગ્રામ ૧૫૦ રીંગ રોડ પર લક્ષ્મીછાંયા સોસાયટી-૧માં રહેતાં સુરેશભાઇ મગનભાઇ વાળા (ઉ.વ.૫૪) ઘરે બિમારીથી બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ રાતે મૃત્યુ થયું હતું. તેઓ પાંચ ભાઇ અને એક બહેનમાં નાના હતાં અને સિલાઇ કામ કરતાં હતાં. સંતાનમાં બે પુત્ર છે.
તેરમા બનાવમાં જય ખોડીયાર સોસાયટી પ્લોટ નં. ૯૦માં રહેતાં શોભનાબેન કિશોરભાઇ પરમાર (ઉ.વ.૫૮) ગોવર્ધન ચોક ૧૫૦ રીંગ રોડ પર તા. ૧૩ના રોજ મોટરસાઇકલના અકસ્માતમાં ઘાયલ થતાં ખાનગી હોસ્પિટલમાં અને બાદમાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તેમનું મૃત્યુ થયું હતું. માલવીયાનગરના એએસઆઇ એચ. ટી. પરમારે કાર્યવાહી કરી હતી. મૃતકના પતિનું દસ મહિના પહેલા અવસાન થયું હતુ. સંતાનમાં બે પુત્રી છે. મૃતક શોભનાબેનના આંખ અને લીવરનું દાન કરી પરિવારજનોએ સ્તુત્ય કાર્ય કર્યુ હતું.
ચૌદમાં બનાવમાં કોઠારીયા તિરૂપતી સોસાયટી ૫/૧૦ના ખુણે પ્રણામી હોલ સામે રહેતાં દયાબેન આશિષભાઇ સોલંકી (ઉ.વ.૩૬)ને પ્રસુતિની પીડા ઉપડતાં હરિ ધવા રોડની આદિત્ય હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ રાતે તેમનું મૃત્યુ થયું હતું. ભક્તિનગરના એએઅસાઇ વાય સી. જરગેલાએ કાર્યવાહી કરી હતી.
પંદરમા બનાવમાં કોઠારીયા બ્રહ્માણી હોલ પાછળ રાધેશ્યામ સોસાયટીમાં રહેતાં મણીબેન કુરજીભાઇ સખીયા (ઉ.વ.૮૦)એ માનસિક અસ્વસ્થતાને કારણે બે દિવસ પહેલા અગાસીએ સાડીનો ઢગલો કરી સળગાવી સળગતી સાડી પોતાના શરીરને અડાડતાં દાઝી ગયા હતાં. સારવારમાં આજે વહેલી સવારે મોત થયું હતું. આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી. મૃતકને એક દિકરો અને બે દિકરી છે.
સોળમા બનાવમાં બેડી ચોકડી નજીક મેલડી માતાના મંદિર પાસે અજાણ્યા આશરે ૫૫ વર્ષના પ્રોઢે લીમડાના ઝાડમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં બી-ડિવીઝનના પીએસઆઇ એમ એન. પીઠીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી.
જ્યારે સતરમા બનાવમાં ઠાકરશીભાઇ ગોબરભાઇ ખસીયા (ઉ.વ.૫૭) રાતે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. તેઓ રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં હતાં. તેઓ ત્રણ બહેન અને ચાર ભાઇમાં મોટા હતાં. હાર્ટએટેક આવી ગયાનું પરિવારજને જણાવ્યું હતું.
રાતભર મૃત્યુની ઘટનાને કારણે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના રામશીભાઇ વરૂ, તોફિકભાઇ જુણાચ, ધર્મેન્દ્રભાઇ હુદડ, ભાવેશભાઇ મકવાણા સહિતે જે તે પોલીસ સ્ટેશનોમાં નોંધ કરાવી હતી.