નવી દિલ્હી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ BBC વર્લ્ડ સર્વિસ ઈન્ડિયા પર ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 3.44 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. EDએ તેના ત્રણ ડિરેક્ટરો પર 1.14 કરોડ રૂપિયાથી વધુનો દંડ પણ ફટકાર્યો છે. આ આદેશ ભારતીય વિદેશી વિનિમય વ્યવસ્થાપન અધિનિયમ (FEMA) હેઠળ જારી કરવામાં આવ્યો હતો. ઇકોનોમિક્સ ટાઇમ્સના અહેવાલ મુજબ, BBC વર્લ્ડ સર્વિસ ઇન્ડિયા 100% FDI કંપની છે. BBC એક ડિજિટલ ન્યૂઝ મીડિયા છે પરંતુ કંપનીએ 100% FDI જાળવી રાખ્યું છે. જ્યારે 2019 માં સરકાર દ્વારા જારી કરાયેલા આદેશ હેઠળ, ડિજિટલ મીડિયામાં FDI ની મર્યાદા 26 ટકા નક્કી કરવામાં આવી હતી, જેને કંપનીએ અવગણી હતી. ED એ 4 ઓગસ્ટ, 2023ના રોજ BBC વર્લ્ડ સર્વિસ ઈન્ડિયા, તેના ત્રણ ડિરેક્ટરો અને ફાઇનાન્સ હેડને કારણદર્શક નોટિસ જારી કરી હતી. BBC વર્લ્ડ સર્વિસ ઇન્ડિયા પર કુલ 3,44,48,850 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત, 15 ઓક્ટોબર, 2021 પછી FEMA 1999ની જોગવાઈઓના ઉલ્લંઘન બદલ, જ્યાં સુધી કંપની નિયમોનું પાલન ન કરે ત્યાં સુધી દરરોજ 5,000 રૂપિયાનો દંડ પણ લાદવામાં આવ્યો છે.
ફેબ્રુઆરી 2023માં, આવકવેરા વિભાગે BBCની મુંબઈ અને દિલ્હી ઓફિસ પર દરોડા પાડ્યા. આવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, BBC પર ઈન્ટરનેશનલ ટેક્સમાં ગેરરીતિ આરોપ હતો. BBCએ ટ્વીટ કરીને દરોડા અંગે માહિતી આપી હતી. કોંગ્રેસે તેને અઘોષિત કટોકટી ગણાવી હતી. ભાજપે વળતો જવાબ આપતા કહ્યું કે 1970માં ઇન્દિરા ગાંધીએ એક ડોક્યુમેન્ટના કારણે BBC પર પ્રતિબંધ મૂક્યો હતો. દિલ્હીના કેજી માર્ગ વિસ્તારમાં એચટી ટાવરના પાંચમા અને છઠ્ઠા માળે BBCની ઓફિસ છે. આવકવેરા વિભાગની ટીમ મુંબઈના સાંતાક્રુઝ વિસ્તારમાં આવેલા BBC સ્ટુડિયોમાં પણ પહોંચી હતી. ટીમે નાણાં વિભાગના લોકોના મોબાઈલ ફોન, લેપટોપ અને ડેસ્કટોપ જપ્ત કર્યા હતા. કાર્યવાહી દરમિયાન, સ્ટાફના ફોન બંધ કરી દેવામાં આવ્યા હતા અને દરેકને મીટિંગ રૂમમાં બેસવાનું કહેવામાં આવ્યું હતું. બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (BBC) વર્લ્ડ સર્વિસ ટેલિવિઝનએ બ્રિટિશ સરકારી એજન્સી છે. તે 40 ભાષાઓમાં સમાચાર પ્રસારિત કરે છે. બ્રિટિશ સંસદ તેને અનુદાન દ્વારા ભંડોળ પૂરું પાડે છે. તેનું સંચાલન મેનેજમેન્ટ ફોરેન એન્ડ કોમનવેલ્થ ઑફિસ થી થાય છે. તે ડિજિટલ, કલ્ચરલ, મીડિયા અને સ્પોર્ટ્સ વિભાગ હેઠળ કાર્ય કરે છે. BBCની શરૂઆત 1927માં એક રોયલ ચાર્ટર હેઠળ થઈ હતી.