
નવી દિલ્હી
લોકસભા ચૂંટણી અને દિલ્હી વિધાનસભા તેમજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. તેઓ 2 માર્ચના રોજ સાસણ અને 3 માર્ચના રોજ સોમનાથ જશે. સાસણમાં સિંહદર્શન બાદ સોમનાથમાં મહાદેવના દર્શન કરશે. આ ઉપરાંત સોમનાથમાં વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદી પ્રથમવખત ગીરની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડે નિમિત્તે ગીર અને સોમનાથની મુલાકાત કરશે.. તેઓ 2 માર્ચે સાસણ ગીર પહોંચશે અને ત્યાં રાત્રીરોકાણ પણ કરશે. 3 માર્ચે વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડેના દિવસે સાસણમાં નેશનલ બોર્ડ ફોર વાઈલ્ડલાઈફની બેઠક યોજાશે.
આ પ્રસંગે વડાપ્રધાન સિંહ સંરક્ષણ માટે નવી યોજનાઓની જાહેરાત કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020માં વડાપ્રધાને લાલ કિલ્લા પરથી ‘પ્રોજેક્ટ લાયન’ની જાહેરાત કરી હતી. જોકે, આ પ્રોજેક્ટ હજુ સુધી અમલમાં આવી શક્યો નથી. વડાપ્રધાનના આગમનને લઈને સાસણમાં પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. કેન્દ્રના વન અને પર્યાવરણ વિભાગના તેમજ ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ કાર્યક્રમની તૈયારીઓમાં વ્યસ્ત છે. આ ઉપરાંત વડાપ્રધાનની આ મુલાકાતને ધ્યાનમાં રાખી વહીવટી તંત્ર અને રાજકીય વર્તુળોમાં પણ મોટી હલચલ જોવા મળી રહી છે. 3 માર્ચે સવારે સિંહદર્શન બાદ વડાપ્રધાન સોમનાથ જશે, જ્યાં મહાદેવના દર્શન કરશે. આ ઉપરાંત સોમનાથમાં વિકાસ પ્રોજેક્ટ્સ અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાશે. સાથે જ વિવિધ વિકાસકાર્યોનાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરવામાં આવશે.