ટ્રમ્પની પ્રેસિડેન્શિયલ ઇલેક્શનમાં જીત બાદ સતત નવ સપ્તાહથી એકધારું વધી રહેલું સોનું પ્રૉફિટ-બુકિંગથી ઘટ્યું હતું. સોનામાં નવ સપ્તાહ બાદ પ્રથમ ૨૫ ટકાનો સાપ્તાહિક ઘટાડો નોંધાયો હતો. રશિયા-યુક્રેન અને ઇઝરાયલ-હમાસ યુદ્ધ-સમાપ્તિની પ્રોસેસ આગળ વધી રહી હોવાથી અને ભારત-ચીનની ફિઝિકલ ડિમાન્ડ ઘટતાં સોનામાં ઘટાડાનો દોર ચાલુ થયો છે. વર્લ્ડ માર્કેટમાં સોનું ઘટીને ૨૮૫૦ ડૉલરની સપાટીએ પહોંચ્યું હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૫૩૭ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૧૫૬૮ રૂપિયા ઘટ્યો હતો. ચાંદીનો ભાવ સતત પાંચમા દિવસે ઘટ્યો હતો. છેલ્લા પાંચ દિવસમાં ચાંદીનો ભાવ ૪૩૦૯ રૂપિયા ઘટ્યો હતો. ડોનલ્ડ ટ્રમ્પે માત્ર એક જ દિવસમાં નિર્ણય ફેરવીને કેનેડા અને મેક્સિકોથી આયાત થતી ચીજો પર પચીસ ટકા ટૅરિફવધારો ૪ માર્ચથી લાગુ કરવાની જાહેરાત કરી હતી. ઉપરાંત ચીનથી આયાત થતી તમામ ચીજો પર ૪ માર્ચથી જ 10 ટકા ટૅરિફવધારો લાગુ થશે. એક દિવસ અગાઉ ટ્રમ્પે કૅનેડા-મેક્સિકોથી આયાત થતી ચીજો પર એપ્રિલથી ટેરિફવધારો લાગુ કરવાની જાહેરાત કરી હતી. ટ્રમ્પની જાહેરાતને પગલે ડૉલર ઇન્ડેક્સમાં એક ટકા કરતાં વધુ વધીને ૧૦૭.૪૦ પૉઇન્ટે પહોંચ્યો હતો.
અમેરિકાના ૨૦૨૪ના ચોથા ક્વૉર્ટરના ગ્રોથરેટના બીજા અંદાજમાં ગ્રોથ ૨.૩ ટકા રહ્યો હતો જે પહેલા અંદાજ જેટલો જ હતો, પણ અગાઉના ક્વૉર્ટરના ૩.૧ ટકા ગ્રોથ કરતાં ઘણો ઓછો હતો. ચોથા ક્વૉર્ટરનો ગ્રોથ રેટ છેલ્લાં ત્રણ ક્વૉર્ટરનો સૌથી ઓછો ગ્રોથ રહ્યો હતો. ચોથા ક્વૉર્ટરમાં પર્સનલ કન્ઝપ્શન ૪.૨ ટકા વધીને છેલ્લાં સાત ક્વૉર્ટરનું સૌથી વધુ રહ્યું હતું, પણ એક્સપોર્ટ ૦.૫ ટકા અને ઇમ્પોર્ટ ૧.૨ ટકા ઘટી હતી તેમ જ ફિક્સ્ડ ઇન્વેસ્ટમેન્ટ ૧.૪ ટકા ઘટ્યું હતું જે અગાઉના ક્વૉર્ટરથી અઢી ગણું વધુ ઘટ્યું હતું. ૨૦૨૪ના આખા વર્ષનો ગ્રોથરેટ ૨.૮ ટકા રહ્યો હતો જે ૨૦૨૩માં ૨.૩ ટકા અને ૨૦૨૨માં ચાર ટકા રહ્યો હતો. અમેરિકાના ડ્યુરેબલ ગુડ્સ-ઑર્ડર જાન્યુઆરીમાં ૩.૧ ટકા વધીને છ મહિનાની ઊંચાઈએ પહોંચ્યા હતા જે ડિસેમ્બરમાં ૧૮ ટકા ઘટ્યા હતા અને માર્કેટની ધારણા બે ટકા વધવાની હતી. ખાસ કરીને ટ્રાન્સપોર્ટેશન ઇક્વિપમેન્ટના ઑર્ડરમાં ૯.૮ ટકાનો ઉછાળો આવતાં ઓવરઑલ ડ્યુરેબલ ગુડ્સ-ઑર્ડર વધ્યા હતા. અમેરિકામાં નવા અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ નંબર્સ ૨૦ ફેબ્રુઆરીએ પૂરા થયેલા સપ્તાહના અંતે ૨૨,૦૦૦ વધીને બે મહિનાની ઊંચાઈએ ૨.૪૨ લાખે પહોંચ્યા હતા જે માર્કેટની ૨.૨૧ લાખની ધારણા કરતાં ઘણા વધારે હતા. ટ્રમ્પ ઍડ્મિનિસ્ટ્રેશને ઇલૉન મસ્કની આગેવાની હેઠળ બનાવેલા નવા ડિપાર્ટમેન્ટ ઑફ ગવર્નમેન્ટ એફિશ્યન્સી દ્વારા અનેક સરકારી કર્મચારીની હકાલપટ્ટી કરતાં અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ નંબર્સ વધ્યા હતા. અમેરિકાનું એકિઝસ્ટિંગ હોમસેલ્સ જાન્યુઆરીમાં ૪.૬ ટકા ઘટ્યું હતું જે ડિસેમ્બરમાં ૪.૧ ટકા ઘટ્યું હતું અને માર્કેટની ૧.૩ ટકાની ધારણાં કરતાં ઘટાડો ઘણો મોટો હતો.
ડોનલ્ડ ટ્રમ્પની જીત બાદ ટૅરિફવધારાની જાહેરાતોને પગલે છેલ્લાં નવ સપ્તાહથી સોનામાં એકધારી તેજીની આગેકૂચ જોવા મળી રહી છે. ટ્રમ્પની શપથવિધિ બાદ સોનામાં તેજીની ઝડપ વધી હતી, પણ હવે ટ્રમ્પની પૉલિસીની અસર નબળી પડી રહી હોવાથી અને ઊંચા મથાળે સોનામાં ફિઝિકલ ડિમાન્ડ ઘટતાં નવ સપ્તાહ પછી સોનામાં પ્રથમ વખત સાપ્તાહિક ઘટાડો નોંધાયો છે. ટ્રમ્પ દ્વારા લાગુ કરાતો ટૅરિફવધારો માત્ર સેટલમેન્ટ માટે થતો હોવાનો માર્કેટને અહેસાસ થઈ ચૂક્યો છે જેની કોઈ લાંબી અસર થવાની નથી. અમેરિકન પ્રેસિડેન્શિયલ ઇલેક્શનમાં ટ્રમ્પની જીત ડિક્લેર થઈ ત્યારે સોનું ૨૬૦૮ ડૉલર હતું જે વધીને ૨૯૫૬.૧૫ ડૉલર થયા બાદ છેલ્લા ચાર દિવસમાં ઑલમોસ્ટ ૮૧ ડૉલર ઘટી ગયું છે. માત્ર ચાર મહિનામાં સોનું ૧૩.૩૪ ટકા વધ્યા બાદ પોણાત્રણ ટકાનો પ્રત્યાઘાતી ઘટાડો નોંધાયો છે. ટ્રમ્પના ટેરિફવધારાની શ્રેણીમાં સોનાની આયાત પર ટૅરિફ લાગશે એ ધારણાએ અમેરિકામાં ૬૦૦ ટન સોનું જમા થયાનું વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે જણાવ્યું હતું રશિયા-યુક્રેન અને ઇઝરાયલ-હમાસ યુદ્ધની સમાપ્તિ હવે નક્કી થઈ ચૂકી હોવાથી સોનાની તેજીમાં અસરકર્તા જિયોપૉલિટિકલ ટેન્શનનું કારણ ડિસ્કાઉન્ટ થઈ ચૂક્યું છે. ફિઝિકલ ડિમાન્ડ ઘટી રહી છે. હવે માત્ર વર્લ્ડના અનેક દેશોમાં વધી રહેલા ઇન્ફ્લેશન સામેની હેજિગ ડિમાન્ડ અને ઇકૉનૉમિક ક્રાઇસિસની સેફ હેવન ડિમાન્ડ તેમ જ વર્લ્ડની સેન્ટ્રલ બૅન્કોની ખરીદીનું સોનાની તેજીનું કારણ મોજૂદ છે. આથી સોનું વધારે પડતું એટલે કે ૧૫૦થી ૨૦૦ ડૉલરથી વધુ ઘટી જાય તો ખરીદીની તક ગણવી જોઈએ.હાલના વર્તમાન ભાવ-તાલ પર અંદાજીત વિગતસર અનુમાનો પર નજર કરીએ તો, સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૮૫,૦૫૬, સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૮૪,૭૧૫ અને ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૯૩,૪૮૦ જેટલો ભાવ છે. જેનો માહિતી સોર્સ ઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ દ્વારા આપવામાં આવેલો છે.