વિધાનસભા સત્ર દરમિયાન ગૃહની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવા તેમજ ગૃહના સભ્યો દ્વારા ચર્ચામાં લીધેલ ભાગના વિડિઓ આપવા બાબતે વિધાનસભા વિરોધપક્ષના નેતા અમીત ચાવડા દ્વારા વિધાનસભાના અધ્યક્ષને પત્ર લખી રજૂઆત

Spread the love

ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષ કોંગ્રેસ નેતા અમિત ચાવડા

દેશની પાર્લામેન્ટમાં સંસદની કાર્યવાહીનું અને  દેશના અનેક રાજ્યોની વિધાનસભાની કાર્યવાહીનું પણ જીવંત પ્રસારણ કરવામાં આવે છે

ગાંધીનગર

ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે વિધાનસભાની સત્ર દરમ્યાનની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવા બાબત તથા સભ્યશ્રીઓને ચર્ચામાં લીધેલ ભાગના વિડીયો ફૂટેજ આપવા વિધાનસભા અધ્યક્ષ ને પત્ર લખી રજૂઆત કરી છે.ગુજરાતની પ્રજા પોતાના પ્રશ્નો-સમસ્યાઓ-સૂચનો-સુવિધાઓ અને સુશાસન માટે પોતાનો અવાજ રજુ કરવા ૧૮૨ વિધાનસભા વિસ્તારોમાંથી પોતાના પ્રતિનિધિને ચૂંટીને લોકશાહીના મંદિર સમા ગુજરાતની વિધાનસભામાં ચૂંટીને મોકલે છે,વિધાનસભામાં ચૂંટાઈને આવતો પ્રજાનો પ્રતિનિધિ ચાહે કોઈપણ પક્ષનો કે વિસ્તારનો હોય તેનો સતત પ્રયત્ન રહે છે કે પોતાના વિસ્તારના લોકો અને ગુજરાતની જનતાનો અવાજ અને લાગણી-માંગણી વિધાનસભામાં રજુ કરે અને સરકારના ધ્યાન પર લાવે.

દેશની પાર્લામેન્ટમાં સંસદની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવામાં આવે છે. દેશના અનેક રાજ્યોની વિધાનસભાની કાર્યવાહીનું પણ જીવંત પ્રસારણ કરવામાં આવે છે. ગુજરાતમાં વખતોવખત કોંગ્રેસ પક્ષ તરફથી વિધાનસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવા સંદર્ભે માંગણી કરવામાં આવે છે. ગુજરાતની પ્રજાના ટેક્ષના પૈસાથી વિધાનસભાની સમગ્ર કાર્યવાહીનો ખર્ચ કરવામાં આવે છે. તમામ ધારાસભ્યશ્રીઓ અને મુખ્યમંત્રીશ્રી સહીત મંત્રી મંડળના સભ્યો અને વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ પણ પ્રજાના ટેક્ષના પૈસામાંથી પગાર અને સુવિધાઓ ભોગવે છે જેથી પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સરકારી તંત્ર વિધાનસભામાં કઈ રીતે પ્રજાની સુખાકારી-સુવિધા અને સુરક્ષા બાબતે કાર્યવાહી કરી રહ્યા છે તે જોવાનો અને જાણવાનો પ્રજાનો પણ અધિકાર બને છે.

સાથોસાથ  ધારાસભ્યશ્રીઓ પણ પોતાના વિસ્તારના પ્રશ્નો અને ગુજરાતની જનતાની અને વિકાસ માટે જે ચર્ચા કરે છે તેની માહિતી જનતા સુધી પહોંચાડે તે જરૂરી છે. સમાચાર માધ્યમોમાં માહિતી વિભાગ દ્વારા જે વિધાનસભાની કાર્યવાહીના અંશો “લોકશાહીના ધબકાર”ના સ્વરૂપે મોકલવામાં આવે છે. જે અધૂરા-એકતરફી અને પક્ષપાત પૂર્વકના હોય છે. વળી વખતોવખત સરકારના ચોક્કસ મંત્રીઓના પ્રવચનોના વિડીયો રાજકીય એજન્ડાઓને ઉજાગર કરવા જાહેર કરવામાં આવે છે. વિપક્ષના સભ્યો સતત આ બાબતે અન્યાય અને ભેદભાવ થતો હોવાનું મહેસુસ કરી રહ્યા છે જે સંદર્ભે વારંવાર આપનું ધ્યાન પણ દોરવામાં આવેલ છે જેથી ગુજરાતની પ્રજાની લાગણી-માંગણી અને કોંગ્રસના તમામ ધારાસભ્યશ્રીઓની માંગણીએ છે કે ગુજરાત વિધાનસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ ચાલુ સત્રથી જ શરુ કરવામાં આવે અને વિધાનસભાની ચર્ચાના અધ્યક્ષશ્રીએ માન્ય કરેલ પ્રવચનોની વિડીયો કોપી સભ્યશ્રીઓને આપવામાં આવે તેવી માંગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *