ઉત્તરાખંડ
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. બદ્રીનાથ ધામમાં ગ્લેશિયર તુટી પડવાને કારણે 57 મજૂરો બરફ નીચે દટાયા છે. કામદારોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 10 મજૂરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે અન્ય મજૂરોની શોધખોળ ચાલી રહી છે. આ તમામ મજૂરો બદ્રીનાથ ધામમાં રોડ બનાવવાના કામમાં રોકાયેલા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. ચમોલી જિલ્લા પોલીસ-પ્રશાસનના અધિકારીઓ અને BRO ટીમના સભ્યો ઘટનાસ્થળે ઉપસ્થિત છે.
ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાની તારીખો જાહેર કરવામાં આવી છે. આ જોતા બદ્રીનાથ ધામથી ત્રણ કિલોમીટર આગળ માના ગામ પાસે રસ્તા પરથી બરફ હટાવવાનું અને રોડ વાહનવ્યવહારને અનુરૂપ કરવાનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું હતું. શુક્રવારે સવારે પણ એક ખાનગી કોન્ટ્રાક્ટરના 57 કામદારો રસ્તા પરથી બરફ હટાવી રહ્યા હતા ત્યારે અચાનક પહાડ પરથી ગ્લેશિયર તૂટી પડતા કામ કરી રહેલા તમામ કામદારો બરફ નીચે દટાઈ ગયા હતા.
અકસ્માતની માહિતી મળતા જ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) અને જિલ્લા પોલીસ પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તરત જ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. આ સમાચાર લખાઈ રહ્યાં છે ત્યાં સુધીમાં બરફમાં દટાયેલા 10 મજૂરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે અન્યની શોધ ચાલી રહી છે. બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન કમાન્ડર અંકુર મહાજને જણાવ્યું કે આ દુર્ઘટના માના ગામથી લગભગ એક કિલોમીટર પહેલા આર્મી કેમ્પ પાસે રોડ પર થઈ હતી.
BRO કમાન્ડર અંકુર મહાજને કહ્યું કે, અમને સવારે 8:00 વાગ્યે હિમપ્રપાત એટલે કે હિમ સ્ખલનની માહિતી મળી હતી. અંકુર મહાજને જણાવ્યું કે માહિતી મળતાની સાથે જ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. મળતી માહિતી મુજબ એક ખાનગી કોન્ટ્રાક્ટરના 57 કામદારો બરફમાં દટાયા છે. આ તમામ મજૂરો ત્યાં કેમ્પ બનાવીને રહેતા હતા ત્યારે તેઓ અકસ્માતનો ભોગ બન્યા હતા.
આ સમયે બદ્રીનાથ ધામમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. જનજીવન સામાન્ય કરવા માટે રસ્તાઓ પરથી બરફ હટાવવામાં આવી રહ્યો છે. BRO કમાન્ડર અંકુર મહાજને જણાવ્યું કે હિમવર્ષાના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હજુ પણ અમારી ટીમ કામદારોને બરફમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી છે.