એકબાજુ અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમને ત્યાંથી ગેરકાયદે ઈમીગ્રન્ટ્સને ખદેડી રહ્યા છે, જ્યારે બીજી તરફ તે પૈસાદારોને પોતાને ત્યા વસવાનું આમંત્રણ આપી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ હાલમાં મલ્ટી ટાસ્કિંગ કરી રહ્યા છે. એક તરફ ત્યાં ઘૂસણખોરોની શોધ અભિયાન ચાલી રહ્યુ છે. બીજી તરફ શાંતિ મંત્રણાઓ પણ શરૂ છે. યુરોપ, યુક્રેન સહિત કેનેડાને ધમકાવવાનો સિલસિલો પણ ચાલી રહ્યો છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે એવી જાહેરાત કરી દીધી છે કે યુએસમાં બહુ જલદી ગોલ્ડ કાર્ડ વેચવામાં આવશે. જેનાથી અમીર વેપારીઓને અમેરિકામાં રહેવા માટેનો માર્ગ મોકળો થઈ જશે. જેમા રશિયન અમીરો પણ સામેલ છે.
ટ્રમ્પે અમીર લોકો માટે 5 મિલિયન ડૉલરવાળુ ગોલ્ડ કાર્ડ લોંચ કર્યુ છે. આ ગ્રીન કાર્ડનું પ્રીમીયમ રૂપ છે. આ કાર્ડ હોલ્ડરને વધુમાં વધુ સુવિધાઓ મળશે. ગ્રીન કાર્ડ પરમેનન્ટ રેસિડેન્ટ કાર્ડ છે. એટલે કે જેમની પાસે ગ્રીન કાર્ડ છે તેમને અમેરિકાની કાયમી નાગરિક્તા મળી ચુકી છે. વિશ્વભરમાં અનેક એવા લોકો છે જેઓ અમેરિકાનું ગ્રીન કાર્ડ મેળવવા ઈચ્છે છે અને તેના માટે રીતસરની હોડ લાગે છે. આ કાયમી નાગરિક્તા છે. જેના માટે અલગથી પૈસા તો નથી આપવા પડતા પરંતુ અમેરિકાની કેટલીક શરતો પર ખરા ઉતરવાનું છે. હવે ગ્રીન કાર્ડ પ્રો-મેક્સ સંસ્કરણ આવી રહ્યુ છે. પરંતુ તેના માટે તગડી રકમ ખર્ચ કરવી પડશે. ટ્રમ્પ ભલે તેને ગોલ્ડ કે પ્રિમીયમ ગણાવી રહ્યા હોય પરંતુ વાસ્તવમાં આ એક સિટીઝનશિપ બાઈ ઈન્વેસ્ટમેન્ટ છે. (CBI) જે હજારો વર્ષોથી દુનિયામાં ચાલી રહ્યુ છે.
શું છે સિટીઝનશિપ બાઈ ઈન્વેસ્ટમેન્ટ (CBI) સ્કીમ ? સિટીઝનશિપ બાઈ ઈન્વેસ્ટમેન્ટ એટલે કે CBI ની મૂળરૂપે ક્યારે શરૂઆત થઈ તેના વિશે તો કોઈ જાણકારી નથી મળતી પરંતુ 19મી સદીમાં રાજાઓ ખાસ કરીને યુરોપિયન શાસકોએ આ સ્કીમ શરૂ કરી હતી. કેટલાક અમીર વેપારીઓ, જે સંપન્ન દેશોમાં વસવા માગતા હોય, તેઓ પૈસા ખર્ચ કરીને ત્યાં વસવા માંડ્યા. એ સમય વિશ્વયુદ્ધનો હતો. આથી યુદ્ધને કારણે આ સ્કીમને વધારે હવા મળી. હાલ વર્તમાન સમયની વાત કરીએ તો છેલ્લા 4 દાયકાથી અનેક દેશો CBI શરૂ કરી ચુક્યા છે. જેમા કેટલાક ભૌગોલિક દૃષ્ટિએ અને કુદરતી રીતે અત્યંત રમણીય દેશો છે. સાથે જ આ દેશો ટેક્સ હેવન પણ છે. એટલે કે ત્યાં નાગરિકોએ તેમની ઈનકમ પર કોઈ ટેક્સ ચુકવવો પડતો નથી. આ જ કારણ છે કે દુનિયાભરના અમીરો આવા દેશોની નાગરિક્તા લઈ રહ્યા છે. ડોમિનિકા, સેન્ટ લુસિયા, સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ, ગ્રેનાડા, એન્ટીગુઆ એન્ડ બારબુડા, તુર્કીય અને માલ્ટા જેવા અનેક દેશો તેમા સામેલ છે.
સંપત્તિના મામલે વિશ્વમાં રશિયા 5 માં નંબરે
ટ્રમ્પની ગોલ્ડ કાર્ડની જાહેરાત વચ્ચે રશિયન અબજપતિઓનો પણ ઉલ્લેખ આવ્યો. એવુ મનાઈ રહ્યુ છે કે ત્યારબાદ અમેરિકામાં રશિયન ઈન્વેસ્ટમેન્ટ વધશે. તેનાથી એ સંકેત પણ મળે છે કે લાંબા સમયથી રશિયા પર લાગેલા પ્રતિબંધો પણ ઉઠાવી લેવામાં આવી શકે અથવા ઓછા થઈ શકે છે. વર્ષ 2024માં રશિયા સંપત્તિના મામલે વિશ્વમાં પાંચમા નંબરે હતુ. એટલે કે હવે તેની પાસે CBI માટેની તકો ઘણી હશે. જો કે અમેરિકન બજારને પણ તેના ફાયદો થશે. નાગરિક્તા માટે આ પ્રકારની સ્કીમ એ સમયે આવી રહી છે જ્યારે ટ્રમ્પે સત્તામાં આવતાની સાથે જ જન્મના આધાર પર નાગરિક્તા ખતમ કરવાની જાહેરાત કરી હતી. જે અમેરિકા જેવા દેશ માટે વધુ વસ્તી માટેનું એક માધ્યમ પણ છે.
CBI ના અનેક મોટા ગેરફાયદા પણ છે… પૈસા દ્વારા નાગરિક્તા મેળવી ખતરનાક ઈરાદા ધરાવતા લોકો પણ દેશમાં આવી શકે છે. ઉદાહરણ તરીકે કોઈ આતંકી ગતિવિધિવાળો વ્યક્તિ અમેરિકા કે અન્ય કોઈ મોટા દેશમાં શરણ લઈ ત્યાંનુ વાતાવરણ બગાડવાની પણ કોશિશ કરી શકે છે.
વિદેશી રોકાણના નામે દેશવિરોધી તાકતો ઘૂસણખોરી કરી શકે… બે વર્ષ પહેલાં નાણાકીય કૌભાંડો પર નજર રાખનારી ઈન્ટરનેશનલ સંસ્થા ફાઈનાન્શ્યિલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) એ આશંકા વ્યક્ત કરી હતી કે તેનાથી કાળા નાણાંને છુપાવવા કે અન્ય ગુનાઓથી બચવા માટે પણ લોકો ઈન્વેસ્ટમેન્ટ કરી શકે છે. સાથે જ તેનાથી સ્કીમ આપનારી સરકારો પર પણ એક પ્રકારનું દબાણ રહેશે. જે લોકોએ તેમને ત્યાં લખલૂટ પૈસા લગાવ્યા હોય, ટેક્સ આપી રહ્યા હોય તો તેનાથી રાજનીતિથી લઈને નવી પોલિસી ઘડવામાં પણ તેની સીધી દખલગીરી વધી શકે છે. ક્યારેક એવુ પણ બને કે વિદેશી રોકાણના બહાને દેશવિરોધી તાકતો પણ ઘૂસણખોરી કરી શકે છે. જે રાષ્ટ્રીય સુરક્ષા પર સીધો હુમલો છે.
આ જ કારણોને જોતા અનેક સરકારોએ, જેમને ત્યાં સિટીઝનશીપ બાય ઈન્વેસ્ટમેન્ટ (CBI) છે, તેમણે કેટલાક ખાસ દેશોની નાગરિક્તાનો સ્વીકાર કરવાની મનાઈ ફરમાવી દીધી છે. ઉદાહરણ તરીકે ડોમિનિકામાં ઉત્તર કોરિયા, રશિયા, સુડાન, બેલારૂસ અને યુક્રેનના લોકો નાગરિક્તા માટે આવેદન ન કરી શકે. અનેક દેશોએ અફઘાનિસ્તાન, ઈરાન અને સિરીયા જેવા દેશો પર પ્રતિબંધ લગાવ્યો છે. ઈન્વેસ્ટમેન્ટ પર સંમત થતા પહેલા જ દેશનું બેકગ્રાઉન્ડ પણ ચેક કરે છે. જેથી લોકોનો ગુનાહિત ઈતિહાસ પણ જાણી શકાય.
હાલમાં અમેરિકામાં સ્થાયી નાગરિક્તા માટે ગ્રીન કાર્ડની શ્રેણીઓ
- ફેમિલી બેઝ્ડ ગ્રીન કાર્ડ હેઠળ અમેરિકી નાગરિકનો પરિવાર જેમ કે પત્ની અથવા પતિ, 21 વર્ષથી ઓછી ઉંમરના અપરિણીત બાળકો અને અમેરિકી નાગરિકના માતા-પિતા આવે છે.
- રોજગારના આધારે ગ્રીન કાર્ડ પણ બને છે. આમાં પણ પ્રોફેશનલ્સથી લઈને રોકાણકારો સુધીની ઘણી શ્રેણીઓ છે જે અન્ય લોકોને રોજગારી પૂરી પાડે છે.
- રેફ્યુજી સ્ટેટસ મળ્યાના એક વર્ષ પછી પણ લોકો ગ્રીન કાર્ડ માટે અરજી કરી શકે છે. એવા દેશોમાંથી વધુ લોકોને આકર્ષવા માટે એક કેટેગરી છે જેનું અમેરિકામાં ઈમિગ્રેશન ઓછું છે, જેને ડાયવર્સિટી લોટરી કહેવાય છે.
- જે લોકો હિંસા કે માનવ તસ્કરીનો ભોગ બન્યા હોય તેઓ પણ ગ્રીન કાર્ડ માટે અરજી કરી શકે છે. આમાં કોઈ ચોક્કસ ગુનાનો ભોગ બનેલી વ્યક્તિને યુ વિઝા મળે છે, જ્યારે માનવ તસ્કરીનો ભોગ બનેલી વ્યક્તિને ટી વિઝા મળે છે.