રાજસ્થાન
વિવાદોમાં રહેલા IIT બાબા અભય સિંહની જયપુર પોલીસે ધરપકડ કરી છે. બાબા અભય સિંહ પાસેથી ગાંજો મળી આવ્યો હોવાના અહેવાલ છે. પોલીસે બાબાને એક હોટલમાંથી ઝડપી પાડ્યા છે. તેમની સામે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ (NDPS) હેઠળ કાર્યવાહી થઈ શકે છે. અભય સિંહ અગાઉ મહાકુંભ દરમિયાન વિવાદિત નિવેદનોને કારણે ચર્ચામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, શિપ્રા પથ પોલીસ સ્ટેશનની ટીમે રિદ્ધિ સિદ્ધિ પાર્ક ક્લાસિક હોટેલમાં દરોડો પાડીને સોમવારે (માર્ચ 3) IIT બાબા અભય સિંહની અટકાયત કરી હતી. આ કાર્યવાહી બાબા અભય સિંહે સોશિયલ મીડિયા પર આત્મહત્યા કરવાની ધમકી આપ્યા બાદ કરવામાં આવી હતી. પોલીસે હોટલમાંથી બાબાની અંગઝડતી કરતા ગાંજો મળી આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે બાબા અભય સિંહ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ કેસ દાખલ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે અને હાલમાં તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઘટનાક્રમ અંગે બાબા અભય સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં તેમણે હોટલમાં પોલીસ આવી હોવાની અને પોતાની ધરપકડ થઈ રહી હોવાની માહિતી આપી છે. વીડિયોમાં બાબાએ જણાવ્યું છે કે, “પોલીસ હોટલમાં આવી ગઈ છે અને તેઓ મારી વસ્તુઓ પેક કરી રહ્યા છે. પોલીસ FIR નોંધી રહી છે.” પોતાના વીડિયોના કેપ્શનમાં બાબાએ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના વકીલોની મદદ માંગી છે. તેમણે લખ્યું છે કે, “અમને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના કેટલાક વકીલોની જરૂર છે, જે આ કેસ સામે લડી શકે.”
વીડિયોમાં બાબા અભય સિંહ વિવાદાસ્પદ નિવેદન આપતા પણ જોવા મળ્યા હતા. તેમણે ગાંજાને ‘ભોલેનાથનો પ્રસાદ’ ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, “બધા ભૂલી ગયા છે, ભોલેનાથનો પ્રસાદ પૂરો થઈ ગયો છે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “હું કોઈને કંઈપણ સમજાવતો નથી. મને અહીં કોઈ મદદ કરતું નથી. લોકો માત્ર મેસેજ કરે છે. મને આખી રાત ઊંઘ નથી આવતી. મને જીવવા દેતા નથી. હવે તેણે પરવાનગી આપી દીધી છે. તમારા સનાતનનું ધ્યાન રાખો. હું બીજા દેશમાં જઈને પણ સનાતન બની શકું છું. સત્યની કોઈ કમી નથી. પોલીસકર્મી મારી સાથે જન્મદિવસની શુભકામનાઓ મનાવી રહ્યો છે. હું થાકી ગયો છું. મારી પાસે કંઈ બચ્યું નથી, ન પૈસા કે સંપર્કો.”
પોતાના ભૂતકાળને યાદ કરતા IIT બાબાએ જણાવ્યું હતું કે, “ભૂતકાળમાં મીડિયાના લોકોએ મારી સાથે આવું કર્યું હતું. મારી સાથે કોઈ નથી. ‘આપણે સાથે છીએ’ એમ કહીને શું થાય? આ બધું ડ્રામા છે.” ઉલ્લેખનીય છે કે, બાબા અભય સિંહે તાજેતરમાં એક ન્યૂઝ ચેનલ પર એક શો દરમિયાન તેમના પર હુમલો થયો હોવાનો દાવો કર્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. પોલીસ દ્વારા ગાંજો જપ્ત કરવા અંગે બાબા અભય સિંહે વિવાદાસ્પદ રીતે કહ્યું હતું કે, “આ મહાદેવનો પ્રસાદ છે, અને બધા લોકો તેનું સેવન કરે છે.” તેમણે પોલીસને પડકાર ફેંકતા કહ્યું હતું કે, “સાધુઓએ ખુલ્લામાં પ્રસાદ પીધો છે, તેના પુરાવા સૌની સામે છે. તો પહેલા તે બધાને પકડો.”