અમદાવાદ
અમદાવાદના ઈસનપુર કેડિલા બ્રિજ પાસે યુવકનું ગળું કાપીને ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી. હવે આ મામલે ચોંકાવનારો ખુલાસો થયો હતો. ખુલાસો થયો હતો કે પ્રેમીએ જ પ્રેમિકાના પૂર્વ પતિનું ગળું કાપીને હત્યા કરી હતી. ઈસનપુર પોલીસે આ મામલે હત્યારા રાજુ શિંદેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.
મળતી જાણકારી અનુસાર, અમદાવાદના ઈસનપુરમાં આવેલા કેડિલા બ્રિજ નજીક યુવકનું ગળું કાપીને ઘાતકી હત્યા કરવામાં આવી હતી. ઇસનપુર પોલીસે જણાવ્યું હતું કે તપાસમાં ખુલાસો થયો હતો કે મૃતકની ઓળખ નરોડા પાટિયા વિસ્તારમાં રહેતો અને સોલાર લગાવવાનું કામ કરતા અઝીઝખાન પઠાણ તરીકે થઇ હતી. મૃતક અઝીઝખાન પઠાણના લગ્ન વર્ષ 2009માં થયા હતા. 3 બાળકો અને પત્ની સાથે તેઓ નરોડામાં રહેતા હતા. પરંતુ ત્રણેક વર્ષ પહેલા પત્ની સાથે મન દુઃખ થતાં છૂટાછેડા લીધા હતા. ત્યારબાદ તેની પત્ની વટવા ખાતે બાળકો સાથે રહેતી હતી. બે મહિના પહેલા મૃતકના માતાનું મૃત્યુ થતાં તેની પત્ની પણ તેમના ઘરે આવી હતી. આ સમયગાળા દરમિયાન બંનેએ ફરીથી સાથે રહેવાનું નક્કી કર્યું હતું અને નિકાહ કરવાનો નિર્ણય લીધો હતો.
બીજી બાજુ મૃતકની પત્ની તેના ત્રણ સંતાનો સાથે વટવામાં ભાડેથી રહેવા જતી રહી હતી. આ સમય દરમિયાન તેનો પરિચય નરોડામાં રહેતા રાજુ શિંદે સાથે થતા બંને વચ્ચે પ્રેમસબંધ બંધાયો હતો. પરંતુ બે મહિના પહેલા મૃતકની પત્ની ફરીથી અઝીઝખાન સાથે રહેવા આવી ગઇ હતી અને ફરીથી નિકાહ કરવાનો નિર્ણય લીધો હતો. મૃતકની પત્ની અને રાજુ શિંદે વચ્ચે સંબંધો બંધાયા હતા. રાજુ શિંદેએ તેને 50 હજાર રૂપિયા આપ્યા હતા. રાજુ શિંદેને જાણ થઇ હતી કે તેની પ્રેમિકા તેના પૂર્વ પતિ અઝીઝ ખાન સાથે ફરીથી નિકાહ કરવાની છે. જેના કારણે રાજુએ અઝીઝ ખાનની હત્યા કરવાનું કાવતરુ રચ્યું હતું. અઝીઝખાન તેની પૂર્વ પત્ની અને બાળકો માટે ચીજવસ્તુઓ લઈને વટવા આપી ઘરે પાછો આવી રહ્યો હતો. આ સમયે તેને રાજુએ ફોન કરીને સોલાર પેનલ ફીટીંગનુ કામ હોઈ સાઈટ જોવાનું બહાનું બતાવીને બોલાવ્યો હતો. ત્યાર બાદ કેડીલા બ્રિજ નીચે રાજુએ તેનું ગળું કાપી હત્યા કરી હતી.