લંડન (બ્રિટેન)
વિદેશ મંત્રી એસ.જયશંકર બ્રિટન અને આયરલેન્ડની છ દિવસની મુલાકાતે છે. બુધવારે તેમણે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર સાથે મુલાકાત કરી હતી. તેમણે આજે લંડનના થિંક ટેન્ક ચૈથમ હાઉસ ખાતે ‘ભારતનો ઉદય અને વિશ્વમાં ભૂમિકા’ વિષય પર વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે વિદેશ મંત્રી ચૈથમ હાઉસ પહોંચે તે પહેલાં કેટલાક ખાલિસ્તાની સમર્થકો ત્યાં હાજર હતા. તેઓ ભારત વિરોધી નારા લગાવી રહ્યા હતા. આ દરમિયાન જ્યારે જયશંકર ચૈથમ હાઉસમાંથી રવાના થઇ રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઇકોનોમિક્સ ટાઇમ્સના એક રિપોર્ટ અનુસાર, એક વ્યક્તિ જયશંકરની કારની સામે આવી ગયો અને તિરંગો ફાડવા લાગ્યો હતો. વ્યક્તિની આ હરકતને જોઇને તરત જ ત્યાં હાજર સુરક્ષા કર્મચારીઓએ તેને પકડી લીધો અને કારથી દૂર લઈ ગયા હતા. બીજી તરફ કેટલાક ખાલિસ્તાન સમર્થકો હાથમાં ખાલિસ્તાનનો ઝંડો લઈને સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. બ્રિટન અને આયરલેન્ડ પ્રવાસનો હેતુ શું છે? આ મુલાકાતનો હેતુ ભારત-યુકે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો છે, જેમાં વેપાર, આરોગ્ય, શિક્ષણ અને સંરક્ષણ સહયોગનો સમાવેશ થાય છે. યુકેની મુલાકાત પછી જયશંકર 6-7 માર્ચે આયરલેન્ડ જશે, જ્યાં તેઓ આયરલેન્ડના વિદેશ પ્રધાન સાઇમન હેરિસને મળશે, અન્ય અધિકારીઓ સાથે વાતચીત કરશે અને ભારતીય પ્રવાસીઓ સાથે વાતચીત કરશે.