વ્હાઇટ હાઉસ પરત ફર્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલી વાર કોંગ્રેસને સંબોધિત કરી હતી. આ દરમિયાન, તેમણે તેમના બીજા કાર્યકાળ માટેની સમગ્ર યોજનાની ઝલક રજૂ કરી હતી. રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકન નાગરિકો માટે અર્થતંત્ર, સુરક્ષા અને વૈશ્વિક સહયોગને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. પોતાના બીજા કાર્યકાળની મુખ્ય પ્રાથમિકતાઓની રૂપરેખા આપતાં તેમણે કહ્યું કે તેમની સરકાર અમેરિકાની સુરક્ષા અને આર્થિક પ્રગતિને સર્વોચ્ચ પ્રાથમિકતા આપશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે છેલ્લા કેટલાક અઠવાડિયામાં લેવામાં આવેલા પગલાંઓ પર પ્રકાશ પાડ્યો, જેમાં અર્થવ્યવસ્થામાં સુધારો, સ્વાસ્થ્ય સિસ્ટમમાં ફેરફાર અને આંતરરાષ્ટ્રીય વેપાર સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે તેમના દ્વારા કરવામાં આવેલા સુધારાઓ માત્ર અમેરિકન નાગરિકોના જીવનધોરણમાં વધારો કરશે નહીં પરંતુ અમેરિકાની વૈશ્વિક નેતૃત્વની ભૂમિકાને પણ મજબૂત બનાવશે. ટ્રમ્પે કોંગ્રેસને તેમની નીતિઓને સમર્થન આપવા અને અમેરિકાને એક મજબૂત અને સમૃદ્ધ દેશ બનાવવામાં મદદ કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું, “આ સમય છે જ્યારે આપણે એક થઈને દેશના હિતમાં કામ કરવું જોઈએ અને આવનારી પેઢીઓ માટે વધુ સારું ભવિષ્ય સુનિશ્ચિત કરવું જોઈએ.”
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું? અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે “અમેરિકન સ્વપ્ન અજેય છે. તેમણે રિપબ્લિકન પાર્ટીની જીતની પ્રશંસા કરી અને તેને ઘણા દાયકાઓમાં ન જોવા મળેલો જનાદેશ ગણાવ્યો હતો. કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધતા ટ્રમ્પે કહ્યું કે હવે અમેરિકામાં ફક્ત બે જ જાતિ રહેશે, પુરુષ અને સ્ત્રી. તેમણે મહિલાઓની રમતોમાં પુરુષોના ભાગ લેવા પર પ્રતિબંધની પણ જાહેરાત કરી હતી. ટ્રમ્પે કહ્યું કે તેમણે વાણી સ્વાતંત્ર્યને પ્રોત્સાહન આપ્યું અને અંગ્રેજીને અમેરિકાની એકમાત્ર સત્તાવાર ભાષા તરીકે જાહેર કરી હતી. ટ્રમ્પે જાહેરાત કરી કે ગલ્ફ ઓફ મેક્સિકોનું નામ બદલીને હવે ગલ્ફ ઓફ અમેરિકા કરી દેવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે બીજા એક મહત્વપૂર્ણ પગલાની જાહેરાત કરી: “તમામ એક નવો નિર્ણય લેતા સમયે અમે જૂના 100 નિર્ણયોને રદ્દ કરીશું. ટ્રમ્પે બાઇડન સરકારની તે નીતિઓને રદ કરવાની વાત કરી, જે તેમના મતે દેશ માટે ફાયદાકારક ન હતી. તેમણે કહ્યું કે તેમની સરકારે 43 દિવસમાં તે કરી બતાવ્યું જે અગાઉનું વહીવટીતંત્ર ચાર વર્ષમાં કરી શક્યું ન હતું. ટ્રમ્પે ગર્વથી કહ્યું અમેરિકા ઇઝ બેક, હવે અમેરિકાનો ગર્વ, જુસ્સો અને આત્મવિશ્વાસ પાછો ફર્યો છે. તેમણે એમ પણ કહ્યું કે DOGE એ આમાં ખૂબ સારું કામ કર્યું છે અને તેમની સરકારે ઘણી વાહિયાત નીતિઓ નાબૂદ કરી છે. ટ્રમ્પના સંબોધન પછી ડેમોક્રેટિક પાર્ટીએ રાષ્ટ્રપતિન કાઉન્ટર કરવા માટે સીનેટર એલિસા સ્લોટકિનને નોમિનેટ કર્યા છે. ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેઓ 2 એપ્રિલથી ભારત અને ચીન સામે પારસ્પરિક ટેરિફ લાદશે. આ પહેલા અમેરિકાએ કેનેડા અને મેક્સિકો પર ટેરિફ લાદ્યા હતા. ટ્રમ્પે કહ્યું, “કેનેડા, મેક્સિકો, ભારત અને દક્ષિણ કોરિયા ઘણા બધા ટેરિફ લાદે છે. અમે 2 એપ્રિલથી કેનેડા, મેક્સિકો, ચીન અને ભારત પર રેસિપ્રોકલ ટેક્સ લગાવીશું. જે લોકો આપણા પર કર લાદે છે, અમે પણ તેમના પર તેટલો જ કર લાદીશું.