વિદેશ મંત્રી એસ જયશંકરે લંડનમાં કહ્યું છે કે પાકિસ્તાને ભારત પાસેથી જે હિસ્સો (POK) ચોરી લીધો છે તે હવે પરત આવે તેની રાહ જોવામાં આવી રહી છે. તે ભાગ ભારતમાં જોડાતાની સાથે જ જમ્મુ અને કાશ્મીરમાં સંપૂર્ણ રીતે શાંતિ સ્થાપિત થઈ જશે. તેમણે ખીણમાં શાંતિ સ્થાપિત કરવાનો ફોર્મુલા બતાવતા કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ પુનઃસ્થાપિત કરવાની સમગ્ર પ્રક્રિયા ત્રણ તબક્કામાં અપનાવવામાં આવી હતી. તેમણે આ તમામ વાત લંડનના થિંક ટેન્ક ચૈથમ હાઉસ ખાતે ‘ભારતનો ઉદય અને વિશ્વમાં ભૂમિકા’ વિષય પર બોલતા કહી હતી. લંડનમાં ચર્ચા દરમિયાન એક વ્યક્તિએ વિદેશમંત્રી એસ.જયશંકરને કાશ્મીરના ઉકેલ અંગે એક પ્રશ્ન પૂછ્યો હતો. આનો જવાબ આપતાં વિદેશ મંત્રીએ કહ્યું હતું કે, ‘કાશ્મીરમાં શાંતિ પુનઃસ્થાપિત કરવાની પ્રક્રિયા ત્રણ તબક્કામાં હાથ ધરવામાં આવી હતી. સૌ પ્રથમ કલમ 370 દૂર કરવામાં આવી. આ પહેલું પગલું હતું. આ પછી બીજું પગલું કાશ્મીરમાં વિકાસ અને આર્થિક પ્રવૃત્તિની સાથે સામાજિક ન્યાય પુનઃસ્થાપિત કરવાનું હતું. ત્રીજું પગલું સારા મતદાન ટકાવારી સાથે મતદાન કરાવવાનું હતું. વધુમાં વિદેશ મંત્રીએ કહ્યું હતું કે, ‘મને લાગે છે કે આપણે જે દિવસની રાહ જોઈ રહ્યા છીએ તે કાશ્મીરના તે ભાગની પરત ફરવાનો છે જે ગેરકાયદેસર રીતે પાકિસ્તાન દ્વારા ચોરી લેવામાં આવ્યો છે.’ જ્યારે આ થઇ જશે ત્યારે હું તમને ખાતરી આપું છું કે કાશ્મીર સમસ્યાનો ઉકેલ આવી જશે. આ પહેલા દિલ્હી યુનિવર્સિટીની ગાર્ગી કોલેજના વિદ્યાર્થીઓ સાથેની વાતચીત દરમિયાન વિદેશ મંત્રી જયશંકરે કહ્યું હતું કે હું PoK વિશે એટલું જ કહી શકું છું કે સંસદમાં એક પ્રસ્તાવ છે, આ દેશની તમામ રાજકીય પક્ષ એ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે કે પીઓકે, જે ભારતનો ભાગ છે. તે ભારતમાં પાછો આવી જાય. આ અમારી રાષ્ટ્રીય પ્રતિબદ્ધતા છે.