ગુજરાતમાં ફક્ત 15 જ દિવસમાં તાપમાનમાં નોંધપાત્ર ઉતાર ચઢાવ આવ્યો છે. ગત સપ્તાહમાં અમદાવાદ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગરમીનો પારો ઊંચો ગયો હતો. આકાશમાંથી જાણે ફેબ્રુઆરીમાં જ અગનગોળા વરસતા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ઉલ્લેખનીય છે કે, ભારતીય હવામાન વિભાગ અનુસાર આ વર્ષે ફેબ્રુઆરીમાં દેશભરમાં અત્યંત ગરમીનું વાતાવરણ રહ્યું છે એટલે કે ગુજરાતમાં પણ ગરમીનું તાપમાન વધુ નોંધાયું હતું, તેવામાં મહિનાના છેલ્લા 5 દિવસ દરમિયાન રાજ્યનું મહત્તમ તાપમાન ખૂબ જ ઊંચું રહ્યું હતું.
માર્ચ મહિનાની શરૂઆતમાં એટલે કે જ્યારે ખરેખર ઉનાળાની શરૂઆત થતી હોય છે તે દરમિયાન વિવિધ સિસ્ટમને કારણે તાપમાનમાં પાંચથી છ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો તથા કેટલાક જિલ્લાઓમાં આ ઘટાડો 13 ડિગ્રી સુધી પણ પહોંચ્યો હતો. પરંતુ હવે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસમાં ફરી એકવાર તાપમાનનો પારો પાંચ ડિગ્રી સુધી વધવાની શક્યતાઓ છે તેથી ગુજરાતવાસીઓને ફરી એક વખત કાળઝાળ ગરમી અનુભવાશે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચથી સાત દિવસ દરમિયાન રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે તથા 24 કલાક દરમિયાન તાપમાન યથાવત્ રહ્યા બાદ ધીરે ધીરે લઘુતમ અને મહત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રીનો વધારો થશે. એટલે કે ફરી એકવાર ગુજરાતવાસીઓને આંશિક ગરમીમાંથી રાહત મળ્યા બાદ કાળઝાળ ગરમીનો અનુભવ કરવો પડશે. આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લાઓનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. રાજ્યની ધરા જે સિસ્ટમને કારણે ઠંડી પડી હતી તે સિસ્ટમ પસાર થઈ જતા ફરી એકવાર ગરમીનો અનુભવ થશે.
ફેબ્રુઆરી મહિનાના અંતિમ દિવસોમાં અને માર્ચ મહિનાની શરૂઆતના દિવસોમાં ઉત્તર ભારતના વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ હતી. ત્યાર બાદ ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી સતત પવનો ફૂંકાતા રાજ્યમાં પણ ઠંકડ વર્તાઈ હતી. પરંતુ હવે આ જ પવનોને કારણે રાજ્યમાં ગરમીની શરૂઆત થશે. હાલમાં ગુજરાત ઉપર ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી જ પવન આવી રહ્યા છે, પરંતુ મેદાની પ્રદેશોમાં થઈને આવતા તે ગરમ બની જાય છે અને ગુજરાત સુધી પહોંચતા જ ધરાને પણ ગરમ કરે છે. તો બીજી તરફ અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ બફરાનો અનુભવ થશે.
