વડોદરા એરપોર્ટ પર પ્લેન ક્રેશની મોકડ્રિલ યોજાઈ, પેસેન્જરને કેવી રીતે બચાવવા એ સમજાવ્યું, લાઇવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું.

Spread the love

 

વડોદરા

વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગત રોજ 45 મિનિટ સુધી ચાલેલી પ્લેન ક્રેશની ફુલ સ્કીલ મોકડ્રિલમાં સુરક્ષા એજન્સીઓની ચપળતા અને કામગીરીની કસોટી કરવામાં આવી. બે વર્ષમાં એકવાર યોજાતી આ ખાસ મોકડ્રિલનું સંયુક્ત ઓપરેશન એરપોર્ટ, ફાયર બ્રિગેડ, પોલીસ, CISF અને એરફોર્સની ટીમોએ પાર પાડ્યું. મોકડ્રિલ અંતર્ગત ડમી એરક્રાફ્ટને લેન્ડ કર્યા બાદ તે ક્રેશ થવાની પરિસ્થિતિ ઉત્પન્ન કરી વિસ્ફોટક ઘટના જેવી સ્થિતિમાં મુસાફરોને કેવી રીતે બચાવવાં? તે અંગે લાઇવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું. ઓપરેશન દરમિયાન ઘાયલ મુસાફરોને કઈ રીતે સુરક્ષિત બહાર કાઢવા અને તરત જ તબીબી સારવાર આપવા તે કામગીરીમાં એરપોર્ટ, ફાયર બ્રિગેડ અને CISFના જવાનોને શિક્ષિત કરવામાં આવ્યા.
આ મોકડ્રિલમાં ડમી મુસાફરોને અસલ જેવી પરિસ્થિતિમાં રેસ્ક્યુ કરવાની કામગીરી કરવામાં આવી. ઘાયલ મુસાફરોને દવા અને તબીબી સેવાઓ અપાતા દૃશ્યો જોઈને ઉપસ્થિત લોકોમાં સ્ફૂર્તિ સાથે રોમાંચ ફેલાયો હતો.આ ઓપરેશનમાં કેટલાક પેસેન્જર ડમી એરક્રાફ્ટમાં ઇજાગ્રસ્ત થાય છે અને આબેહૂબ ઘટના બની હોય તેમ ખુબજ દર્દ સાથે ડમી પેસેન્જરને બહાર કાઢવામાં આવ્યા. આ દિલધડક મોકડ્રિલમાં રૂંવાટા ઊભા કરી દે એવા દ્રશ્યો પણ સામે આવ્યા હતાં. એરપોર્ટ ઓથોરિટી જણાવે છે કે, આવી મોકડ્રિલો બે વર્ષમાં એકવાર યોજાય છે અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય કોઇ પણ અસલ ઘટનામાં બચાવ કામગીરીને ઝડપી અને અસરકારક બનાવવાનો છે. મોકડ્રિલ દ્વારા તમામ સુરક્ષા એજન્સીઓની તૈયારીની ચકાસણી કરવામાં આવે છે. વિમાન અકસ્માત જેવી પરિસ્થિતિમાં તાત્કાલિક બચાવ કામગીરી કેવી રીતે હાથ ધરવી? તે માટે આવી કડક તૈયારીઓની મહત્તા વિશ્વભરમાં સૌ કોઈએ માની છે. વડોદરા એરપોર્ટની આ ઓપરેશનલ ડ્રિલ દ્વારા સુરક્ષા ટીમોની સતર્કતા અને પેશાદરીની દૃષ્ટિએ શ્રેષ્ઠ કામગીરી રજૂ થઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *